19 February, 2024 07:18 AM IST | Mumbai | Rohit Parikh
પરમ પૂજ્ય આચાર્ય શ્રી દૌલતસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબ
જૈન સમાજના સંઘ સ્થવિર, જિનાગમ સેવી, સાગર સમુદાયના ૯૦૦ સાધુ-ભગવંતોના સુવિશાળ ગચ્છાધિપતિ ૧૦૩ વર્ષના પરમ પૂજ્ય આચાર્ય શ્રી દૌલતસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબ ગઈ કાલે સવારે ૧૦.૩૦ વાગ્યે કાળધર્મ પામ્યા હતા. તેમનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે સુજય ગાર્ડન જૈન સંઘ, મુકુંદનગર, પુણેમાં આજે સવાર સુધી રાખવામાં આવશે. તેમની પાલખી આજે સુજય ગાર્ડનથી કાત્રજના આગમ મંદિર અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે.
ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પરમ પૂજ્ય શ્રી દૌલતસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબ એકમાત્ર એવા મહાપુરુષ હશે જેમની દીક્ષા મધરાતના ૧.૩૦ વાગ્યે થઈ હતી. તેમણે અડધી રાતના ભાગીને દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા પછી તેમણે એકલાએ ૬૭ કિલોમીટરનો વિહાર કર્યો હતો. તેઓ જન્મથી પટેલ હોવાથી ૧૪ વર્ષની ઉંમરે પહેલી વાર નવકાર સાંભળ્યો હતો. તેમણે ૧૮ વર્ષની ઉંમરે પહેલી વાર જૈન ગુરુભગવંતનાં દર્શન કર્યાં હતાં અને ૧૯ વર્ષની ઉંમરે દીક્ષા લઈને વૈરાગ્ય લીધો હતો. તેઓ વર્તમાનકાળના એકમાત્ર એવા મહાપુરુષ હતા જેમને રજોહરણ આગમોદ્ધારક શ્રી આનંદસાગરજી મહારાજસાહેબે પ્રદાન કર્યો હતો. પટેલ સમુદાયમાં દીક્ષાનો વિરોધ હોવાથી તેમને વડી દીક્ષા પણ ઘણા બધા દિવસો સુધી ઉપાશ્રયમાં છુપાવીને રાખ્યા પછી આપવામાં આવી હતી. તેમણે તેમના જીવનમાં દીક્ષા પછી પહેલી વાર રાઈ પ્રતિક્રમણ કર્યું હતું.
દીક્ષા લીધા પછી કેવલ નવકાર અને કરેમિભંતે એ બે સૂત્રોના જાણકાર આચાર્ય ભગવંત દીક્ષા લીધા પછી જૈનોનું સામાન્ય જ્ઞાન અને ધાર્મિક ક્રિયાઓ શીખ્યા હતા. તેમણે બાર દિવસમાં પંચપ્રતિક્રમણ, છ દિવસમાં કર્મગ્રંથ, એક દિવસમાં દશવૈકલિક સૂત્ર, છ દિવસમાં ઉતરાધ્યન સૂત્ર, આઠ દિવસમાં આચારંગ સૂત્ર, ૩૬ કલાકમાં નવસ્મરણ, એક દિવસમાં વીતરાગસ્તોત્ર જેવાં મહત્ત્વનાં સૂત્રો કંઠસ્થ કરી લીધાં હતાં. તેમને ૪૫ આગમો કંઠસ્થ હતા. તેઓ એકમાત્ર એવા સાધુ હતા જેમણે જીવનભર વિષમલૈગિંક (સાધ્વીજી/બહેન)નાં નામ સુધ્ધાં લખ્યાં નહોતાં. તેમણે છઠ્ઠના પારણે છઠ્ઠ પાંચ વિગઈનો ત્યાગ કરીને વર્ષીતપ કર્યું હતું. દીક્ષાનાં ૩૭ વર્ષ સુધી તેમણે પ્રતિદિન ઊભા-ઊભા ૧૦૦૮ લોગસ્સના કાઉસગ્ગ કર્યા હતા અને ૧૦૦૮ ખમાસણાં દીધાં હતાં.