અપહરણ થયેલા જૈન સાધુ છે વસઈ નજીક હૉસ્પિટલમાં

04 July, 2022 08:55 AM IST  |  Mumbai | Rohit Parikh

પોલીસનું કહેવું છે કે મુનિશ્રી પદ્મવિજયજી મહારાજસાહેબ ઉર્ફે પાર્શ્વ જિજ્ઞેશ મહેતાને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જૈન સાધુ પદ્મવિજયજી મહારાજસાહેબ

જોકે તેમની શેની સારવાર ચાલી રહી છે એ વિશે ફોડ પાડીને કહેવા તૈયાર નથી. સામે પક્ષે સંઘે આરોપ મૂક્યો છે કે મુનિને કોઈ તકલીફ ન હોવા છતાં તેમના પપ્પા શું ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે એ અમને નથી સમજાતું

મલાડ-વેસ્ટના જિતેન્દ્ર રોડ પર આવેલા શ્રી લબ્ધિનિધાન શ્રી શાન્તિનાથ જૈન સંઘના ઉપાશ્રયમાં બિરાજમાન ૨૪ વર્ષના જૈન સાધુ મુનિશ્રી પદ્મવિજયજી મહારાજસાહેબ ઉર્ફે પાર્શ્વ જિજ્ઞેશ મહેતાનું તેમના પિતા જિજ્ઞેશ મહેતાએ શુક્રવારે મોડી રાતના ઉપાશ્રયમાંથી તેમની સાથે ત્રણ બૉક્સર લાવીને અને સાધુને ઍમ્બ્યુલન્સમાં નાખીને સંઘની જાણકારી વગર જ અપહરણ કરતાં ફક્ત મુલુંડમાં જ નહીં, દેશભરના જૈન સમાજમાં ઊહાપોહ મચી ગયો હતો. મળેલી માહિતી પ્રમાણે પાર્શ્વ મહેતાને અત્યારે વસઈ-ભિવંડી રોડ પર આવેલી એક હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. મલાડના સંઘના અગ્રણીઓને આ સમાચાર પહોંચતાં તેમણે કહ્યું હતું કે ‘છેલ્લા ત્રણ મહિનામાં મુનિશ્રી પદ્મવિજયજી મહારાજસાહેબને માનસિક કે શારીરિક તકલીફ હોય એવી કોઈ જ ફરિયાદ તેમના પરિવાર તરફથી અમને મળી નથી અને આવી કોઈ ફરિયાદ હોત તો તેની સારવાર કરવાની જવાબદારી સંઘની હતી. એના માટે કોઈએ તેનું અમારી જાણકારી વગર રાતોરાત અમારી સિક્યૉરિટીને દબાણ કરીને ઍમ્બ્યુલન્સમાં લઈ જવાની જરૂર નહોતી. આ તો સંઘને અને જૈન સમાજને બદનામ કરવા સમાન છે.’ 

આખો બનાવ શું બન્યો છે?

મલાડ-ઈસ્ટના કેમિકલ અને કન્સ્ટ્રક્શનના વેપારી તેમ જ શ્રી લબ્ધિનિધાન શ્રી શાન્તિનાથ જૈન સંઘના કારોબારી સભ્ય જિજ્ઞેશ મહેતાના એકના એક પુત્ર પાર્શ્વને ઘણાં વર્ષોથી દીક્ષા લેવાના ભાવ હતા. આ માટે તેણે ૨૦૧૯થી સાધુ-સંતો સાથે રહેવાનું અને અભ્યાસ કરવાનું પણ શરૂ કર્યું હતું. જોકે જિજ્ઞેશ મહેતાને તેમના પુત્રને તેમના બિઝનેસમાં સક્રિય કરવો હતો. તેથી તેઓ પાર્શ્વને દીક્ષાના માર્ગે જતો રોકતા હતા અને તેમણે કડક શબ્દોમાં પાર્શ્વને દીક્ષા લેવાનો ઇનકાર કર્યો હતો. તેમનો ઇનકાર હોવા છતાં અને માતા-પિતાની આજ્ઞા વગર દીક્ષા આપવાની પાર્શ્વને સાધુભગવંતોએ ના પાડી હોવાથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલા પાર્શ્વ મહેતાએ મલાડના શાંતિનાથ જૈન દેરાસરમાં ઈશ્વરની સાક્ષીએ સ્વયંભૂ સંયમ અંગીકાર કરી લીધો હતો. ત્યાર પછી પણ તેના પિતા જિજ્ઞેશભાઈ અને તેના અન્ય પરિવારજનોએ મુનિશ્રી પદ્મવિજયજી મહારાજસાહેબને સમજાવવાની નિષ્ફળ કોશિશ કરી હતી. માર્ચ મહિનાથી તેમણે સાધુજીવન જીવવાની શરૂઆત કરી દીધી હતી. છેલ્લે તેમણે સંઘને પણ ૧૨ જુલાઈ એટલે કે ચાતુર્માસ શરૂ થાય એ પહેલાં સંઘમાં બિરાજમાન સાધુભગવંતોની હાજરીમાં દીક્ષા આપવા માટેનો આગ્રહ કર્યો હતો. એક તબક્કે સંઘે પણ તેમના પિતાની હાજરીમાં જ ૬ જુલાઈએ દીક્ષા આપી દેવાનો નિર્ણય લઈ લીધો હતો. આ દરમિયાન શુક્રવારે રાતના પોણાબે વાગ્યે જિજ્ઞેશ મહેતા તેમના ત્રણ બાઉન્સરો સાથે ઍમ્બ્યુલન્સમાં આવીને પાર્શ્વ મહેતા જે સાધુના વેશમાં હતો તેમને ઘેનનું ઇન્જેક્શન આપીને અપહરણ કરીને લઈ ગયા હતા. જિજ્ઞેશ મહેતાના જ માણસો સિક્યૉરિટીમાં હોવાથી તેમણે દેરાસરના સીસીટીવી કૅમેરા પણ અડધો કલાક માટે બંધ કરી દીધા હતા અને પાર્શ્વને ઍમ્બ્યુલન્સમાં ઉપાડીને લઈ ગયા હતા. આ બાબતની ફરિયાદ દિંડોશી પોલીસ સ્ટેશનમાં સંઘ તરફથી નોંધાવવામાં આવી હતી. 

પોલીસ શું કહે છે?

દિંડોશી પોલીસે આ બાબતમાં કહ્યું હતું કે ‘પાર્શ્વ મહેતાના પિતા જિજ્ઞેશ મહેતા કથિત રીતે ઇચ્છતા હતા કે તેમનો પુત્ર આધ્યાત્મિક હેતુ માટે પોતાનું જીવન સંપૂર્ણ રીતે સમર્પિત કરવાને બદલે તેમના ઘરે પાછો ફરે અને તેમનો વ્યવસાય સંભાળી લે. અત્યારે તેઓ તેમના પુત્રને સારવારની જરૂર હોવાથી લઈ ગયા છે.’

પોલીસને દેરાસરના સિક્યૉરિટી ગાર્ડ અને પદ્મવિજયજી મહારાજસાહેબના અંગત ગાર્ડ દિવાકર મિશ્રાએ આપેલી માહિતી પ્રમાણે જિજ્ઞેશ મહેતા સહિત ચાર વ્યક્તિ શુક્રવારે મોડી રાતે દેરાસરમાં ઘૂસી હતી. તેમણે મુનિશ્રી પદ્મવિજયજી મહારાજસાહેબનો ફોન લઈ લીધો હતો. તેમને લઈ જતાં પહેલાં તેમણે સિક્યૉરિટી ગાર્ડ અને વૉચમૅનને બાજુમાં ધકેલી દીધા હતા. આ સમયે પદ્મવિજયજી મહારાજસાહેબ એક રૂમમાં આરામ કરી રહ્યા હતા. જિજ્ઞેશ મહેતા ઉપરાંત અન્ય ત્રણ જણના ચહેરા કાળા કપડાથી ઢાંકેલા હતા.

આ માહિતી આપતાં દિંડોશી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બાલકૃષ્ણ શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે જિજ્ઞેશ મહેતા અને અન્ય ત્રણ જણ સામે અપહરણ અને ગુનાહિત ધમકી આપવાનો ગુનો નોંધ્યો છે અને અમારી તપાસ ચાલી રહી છે. હજી સુધી અમે કોઈની ધરપકડ કરી નથી તેમ જ તેના પિતા કે તેના પરિવારનો સંપર્ક કરી શક્યા નથી. તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું છે કે પદ્મવિજયજી મહારાજસાહેબને ભિવંડી-વસઈ રોડ પર આવેલી એક હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.’

સોશ્યલ મીડિયામાં આંતરિક મામલાનો પ્રચાર

પાર્શ્વના અપહરણ પછી શનિવારે પાર્શ્વ સાથે અજુગતું બન્યાનો એક વિડિયો વાઇરલ થયો હતો, જેમાં જૈન સાધુસંતોની સુરક્ષા સામે સવાલ ઉઠાવવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ એક સાધુને રાતના સમયે ઉપાડી જાય એ યોગ્ય નથી એમ આ વિડિયોમાં કહેવામાં આવ્યું છે.

જોકે આની સામે એક ઑડિયો વાઇરલ કરવામાં આવ્યો છે જેમાં આખા મામલાને બાપ-દીકરા વચ્ચેનો મામલો કહીને અપહરણના કેસને છાવરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે ‘પાર્શ્વને કોઈ સાધુએ દીક્ષા આપી નહોતી. તેની જાતે દીક્ષા લીધી હતી. આથી તેને સાધુ કહી શકાય નહીં. આમ પણ પાર્શ્વનું અપહરણ તેના પિતાએ કોઈ પણ કારણોસર કર્યું હોવાથી કોઈએ જૈન સાધુસંતોની સુરક્ષાની ચિંતા કરવાની જરૂર નથી. તેમની સુરક્ષા કેવી રીતે કરવી એની અમને ખબર છે.’ આ અપહરણ જ ન કહેવાય એવો આડકતરી રીતે દાવો કરવામાં આવ્યો છે.

આનો જવાબ આપતાં સંઘના એક અગ્રણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અપહરણ એ અપહરણ જ ગણાય. અમે પદ્મવિજયજી મહારાજસાહેબ સાથે એક પોષાર્થી તરીકે નહીં પણ એક સાધુ તરીકે વ્યવહાર કરતા હતા. અમારા સંઘમાં ચાતુર્માસ માટે જ્યારે સાધુભગવંતોનો પ્રવેશ થયો ત્યારે જ પદ્મવિજયજી મહારાજસાહેબ તેમની અલગ જગ્યાએ બેસીને ગોચરી વાપરતા હતા, કારણ કે તેમને ગોચરી માંડલીમાં જવા ન મળે. શું સ્કૂલમાં દીકરાને ભણવા મોકલનાર બાળકને તેનો પિતા ઉઠાવી શકે ખરો? ઉપાશ્રયમાંથી સાધુવેશમાં કોઈ વ્યક્તિને ઉઠાવી જવી - પછી તે ભલે સગો બાપ હોય તો પણ એને અપહરણ જ કહેવાય.’

પાર્શ્વ મુસીબતમાં હોય એવા ભણકારા વાગે છે

પાર્શ્વ સાથે દોઢ વર્ષ પહેલાં પરિચય થયેલા એક રાજસ્થાની યુવાનને જ્યારે પાર્શ્વના અપહરણની સોશ્યલ મીડિયા તરફથી જાણકારી મળી ત્યારે તેને ઝટકો લાગી ગયો હતો. આ માહિતી આપતાં આ યુવાને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું પાર્શ્વને બે દિવસથી શોધી રહ્યો હતો અને મને જાણકારી મળી હતી કે પાર્શ્વ ભિવંડી-વસઈ રોડ પર આવેલી એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. આથી મેં એ હૉસ્પિટલમાં પાર્શ્વના ખબર પૂછવા માટે અને હું કોઈ રીતે કામ લાગી શકું એ માટે ફોન કર્યો હતો. જોકે રિસેપ્શનિસ્ટે મને પાર્શ્વ એ હૉસ્પિટલમાં છે એમ કહ્યું હતું, પણ તેની કોઈ બીજી માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર પછી થોડી જ વારમાં મારા મોબાઇલ પર એક ફોન આવ્યો હતો કે તું કેમ પાર્શ્વની તપાસ કરે છે? તારું લોકેશન શોધીને પાંચ જ મિનિટમાં તને ઉપાડી લઈશું અને પોલીસને સોંપી દઈશું, જો ફરીથી ફોન કર્યો છે તો ધ્યાન રાખજે. મેં સૉરી કહીને ફોન મૂકી દીધો હતો. મને પાર્શ્વ કોઈ મુસીબતમાં હોય એવા ભણકારા વાગી રહ્યા છે. તે ઇન્ટેલિજન્ટ અને બાહોશ યુવાન છે.’

સંઘના અગ્રણીઓ આશ્ચર્યમાં ગરકાવ

મલાડના જે સંઘમાંથી પદ્મવિજયજી મહારાજસાહેબનું અપહરણ કરવામાં આવ્યું હતું એ સંઘના અગ્રણીઓ અપહરણના દિવસથી આશ્ચર્યમાં ગરકાવ છે. આ અગ્રણીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જિજ્ઞેશ મહેતા અમારા કારોબારી સભ્ય હોવાથી અમે પાર્શ્વ મહેતાએ દીક્ષા લઈ લીધી એ પહેલાં અને ત્યાર પછી પણ સતત જિજ્ઞેશ મહેતાને સમજાવતા હતા કે પાર્શ્વની દીક્ષા લેવાની ઉગ્ર ઇચ્છા છે તો તમે કેમ તેને રોકો છો? તે સારા માર્ગે જ જઈ રહ્યો છે. એમાં તેને રોકવાની કોઈ જરૂર નથી. જોકે જિજ્ઞેશ મહેતા ઉશ્કેરાઈ જતા હતા અને અમારી સાથે પણ ધાકધમકીથી વાત કરતા હતા. જે દિવસે અપહરણની ઘટના બની એના આગલે દિવસે પણ તેમને સમજાવવાના પૂરા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. અમને નવાઈની વાત તો એ લાગે છે કે અમે જ્યારે પોલીસમાં ફરિયાદ કરવા ગયા ત્યારે પોલીસ આ બાપ-દીકરાનો આંતરિક મામલો કહીને ફરિયાદ લેવાનું ટાળી રહી હતી. ત્યાર બાદ છેક સાંજના અમારી ફરિયાદ લીધી હતી.’

ગઈ કાલે જ્યારે અમને સમાચાર મળ્યા કે પાર્શ્વ મહેતાને ભિવંડી-વસઈ રોડ પર આવેલી એક હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે તો અમને જોરદાર આંચકો લાગ્યો છે. પાર્શ્વને અમે વર્ષોથી ઓળખીએ છીએ. છેલ્લા ત્રણ મહિનાથી પાર્શ્વ અમારા ઉપાશ્રયમાં સાધુજીવન જીવી રહ્યો હતો. અમને ક્યારેય તેની શારીરિક કે માનસિક હાલત ખરાબ હોવાનો અહેસાસ થયો નથી. અચાનક અપહરણ પછી મુંબઈની હૉસ્પિટલો છોડીને પાર્શ્વને છેક ભિવંડી-વસઈ રોડ પર આવેલી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે એ જાણીને આઘાત લાગ્યો છે. અમને શંકા છે કે પાર્શ્વ સાથે કોઈ અનહોની બની શકે છે. પાર્શ્વને જેમ અમારે ત્યાંથી ઇન્જેક્શન આપીને બેભાન કરીને ઍમ્બ્યુલન્સમાં તેના પિતા લઈ ગયા એવી જ રીતે હૉસ્પિટલમાં કોઈ ડ્રગનું ઇન્જેક્શન આપીને તેમનાં માતા-પિતા તેમને મેન્ટલી બીમાર જાહેર કરી ન દે. પોલીસ કેમ હજી આખા મામલામાં શાંત છે એ અમને સમજાતું નથી.’ 

mumbai mumbai news vasai rohit parikh