એક કા ડબલના ફ્રૉડસ્ટરે તો જૈન સાધુનેય ન છોડ્યા

22 November, 2022 08:20 AM IST  |  Mumbai | Mehul Jethva

પાંચ લાખ રૂપિયા કૅશને બદલે ૧૦ લાખ રૂપિયા ટ્રસ્ટના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની લાલચ આપીને થાણેમાં બોલાવ્યા પછી પોલીસ હોવાનું કહીને તેમની મારઝૂડ કરી અને પૈસા લઈને છ જણ નાસી ગયા

પ્રતીકાત્મક તસવીર

વેસ્ટર્ન સબર્બના એક જૈન મહારાજસાહેબની આશરે દોઢેક વર્ષ પહેલાં વૉટ્સઍપ પર એક યુવક સાથે મિત્રતા થઈ હતી. તેણે મહારાજસાહેબને કહ્યું હતું કે પાંચ લાખ રૂપિયાની કૅશને બદલે તમારા ટ્રસ્ટના અકાઉન્ટમાં ૧૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવશે. મહારાજસાહેબ ટ્રસ્ટના ફાયદા માટે થાણેમાં પાંચ લાખ રૂપિયાની રોકડ લઈને ગયા ત્યારે એકાએક આવેલા છ લોકો પોતે પોલીસ હોવાનું કહીને તેમની પાસેથી પૈસા લઈને નાસી ગયા હતા. આ ઘટનાની ફરિયાદ વાગળે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.

ગોરેગામમાં આઝાદ મેદાન નજીક રહેતા ૨૬ વર્ષના શ્રી ધૈર્ય વલ્લભ મહારાજસાહેબે કરેલી ફરિયાદ અનુસાર તેઓ જોગેશ્વરીમાં રહેતા મિત્ર મંગેશ સૈદાળેના સંપર્કમાં હોવાથી તેમની ઓળખ અમિત મિશ્રા નામના યુવક સાથે થઈ હતી. એ પછી તેઓ છેલ્લા દોઢેક વર્ષથી વૉટ્સઍપ પર તેના સંપર્કમાં હતા. આ દરમિયાન તેણે મહારાજસાહેબને કહ્યું હતું કે મને પાંચ લાખ રૂપિયાની જરૂર છે જેના બદલે ટ્રસ્ટના અકાઉન્ટમાં ૧૦ લાખ રૂપિયા આરટીજીએસ કરવામાં આવશે. જોકે આ માટે મહારાજસાહેબે ચોખ્ખી ના પાડી દીધી હતી. હાલમાં મહારાજસાહેબ ગોરેગામમાં આઇ.વી. પટેલ મેદાનમાં જૈન ધર્મના પ્રચારના કાર્યક્રમમાં હોવાથી ત્યાં દાનપેટીમાં આશરે ૬.૫૦ લાખ રૂપિયા જેટલી રોકડ જમા થઈ હતી. છેલ્લાં બે અઠવાડિયાંથી અમિત વારંવાર ફોન કરીને મહારાજસાહેબને મદદ કરવા માટે અપીલ કરી રહ્યો હતો. એટલે મહારાજસાહેબે તેને મદદ કરવાનું નક્કી કર્યું હતું. ૧૧ નવેમ્બરે સવારે ૯ વાગ્યે તેમણે મંગેશના વૉટ્સઍપથી અમિતને પૈસા આપવાનું કહેતાં અમિતે તેમને થાણેના સર્વિસ રોડ પર આરટીઓ ઑફિસ નજીક શબરી હોટેલ પાસે આવવા કહ્યું હતું.

વાગળે એસ્ટેટ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાજસાહેબ અને તેમની સાથેના બે માણસો કાંદિવલીથી બે વાગ્યે થાણે શબરી હોટેલ નજીક પહોંચ્યા હતા અને તેમણે અમિતને ફોન કર્યો હતો. અમિતે કહ્યું હતું કે તમારી પાસે હું મારો માણસ મોકલું છું, તે તમને મારી ઑફિસ પર લઈ આવશે. થોડી વારમાં એક માણસ તેમની પાસે આવ્યો હતો જેણે પોતાની સાથે આવવા કહીને તે પણ મહારાજસાહેબની કારમાં બેઠો હતો. એ પછી એલઆઇસી કૉર્નર પાસે ગાડી પાર્ક કરવાનું કહીને આગળ પગે ચાલવા માટે કહ્યું હતું. થોડે આગળ ચાલતાં અમિતે મોકલેલા માણસે કહ્યું હતું કે મારે પૈસા જોવા પડશે. એમ કહીને તેણે પૈસાની બૅગ મહારાજસાહેબ પાસેથી માગી હતી. એ પછી પેલા માણસે ચાલુ ફોને તમામ પૈસા ગણ્યા હતા. થોડી જ વારમાં ત્યાં ગ્રે રંગની અર્ટિગા કાર આવી હતી. એમાંથી પોલીસની કૅપ પહેરીને ઊતરેલા ચાર લોકોએ શું થઈ રહ્યું છે એમ કહીને પૈસાની બૅગ તેમના હાથમાંથી ખેંચી હતી અને મહારાજસાહેબ અને મંગેશને લાકડીથી માર્યા હતા. અર્ટિગા કારમાં કુલ છ લોકો આવ્યા હતા. એમાંથી માત્ર ચાર લોકો કારમાંથી નીચે ઊતર્યા હતા. આ ઘટના પછી મહારાજસાહેબ અને તેમની સાથે આવેલા બે લોકોએ ત્યાંથી પસાર થતા ટેમ્પોની મદદથી કારને પકડવાની કોશિશ કરી હતી. જોકે કાર નીતિન કંપની નજીકથી નીકળી ગઈ હતી. એ પછી મહારાજસાહેબે આ ઘટનાની ફરિયાદ વાગળે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં કરી હતી.

વાગળે એસ્ટેટ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર રાઠોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ શરૂ કરી છે. આ કેસ પર અમારા અધિકારીઓ કામ કરી રહ્યા છે. એક કારને અમે આઇડેન્ટિફાય કરી છે જેમાં આરોપીઓ પૈસા લેવા આવ્યા હતા.’

વાગળે એસ્ટેટ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી સબ-ઇન્સ્પેક્ટર બાળાસાહેબ નિકુંભે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ મળતાં અમે આરોપીઓને પકડવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. આવતા દિવસોમાં આરોપીઓ પકડાતાં તમને વધુ જાણ કરવામાં આવશે.’

શ્રી ધૈર્ય વલ્લભ મહારાજસાહેબ પાસેથી આ ઘટના વિશેની માહિતી લેવા માટે ‘મિડ-ડે’એ ફોન કરીને પ્રયાસ કર્યો હતો. જોકે મહારાજસાહેબે ફોન ન ઉપાડતાં વૉટ્સઍપ પર વાત કરવાનું પસંદ કર્યું હતું. ત્યારે મહારાજસાહેબે લીગલ કેસ કરવાની ચીમકી આપી હતી અને આ વિશેના કોઈ પણ સમાચાર છાપવાની ના પાડી હતી. મહારાજસાહેબ સાથે બનેલી આ ઘટના ગંભીર હોવાથી ‘મિડ-ડે’એ ફરી એક-બે દિવસ તેમની સાથે વાત કરવાની કોશિશ કરી હતી. જોકે તેમના તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો.

mumbai mumbai news Crime News mumbai crime news mumbai police goregaon mehul jethva