સ્વાતંયપર્વ નિમિત્તે જૈન યુવાઓની અનોખી અને હૃદયસ્પર્શી પહેલ

15 August, 2026 10:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસ અને ફાયરબ્રિગેડના જવાનોને આપશે ‘એક ગુલાબ, એક સલામ’

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સ્વતંત્રતાદિવસ નિમિત્તે સમગ્ર રાષ્ટ્ર દેશભક્તિના રંગે રંગાયેલું છે ત્યારે સમાજની સુરક્ષા કાજે અહર્નિશ જાગતા આપણા સાચા રક્ષકો - પોલીસ અને ફાયરબ્રિગેડના જવાનો પ્રત્યે કૃતજ્ઞતાનાં પુષ્પો અર્પણ કરવા માટે જૈન યુવાઓ દ્વારા એક અત્યંત પ્રશંસનીય અને ભાવાત્મક પહેલ ‘એક ગુલાબ, એક સલામ’ (A Rose, A Salute)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ અને વર્ધમાન સંસ્કાર ધામના પાવન ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત જૈન યુવા શક્તિ વિવિધ પોલીસમથકો અને ફાયરસ્ટેશનોની રૂબરૂ મુલાકાત લેશે. સમાજને સુરક્ષિત રાખવા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારા આ વીર જવાનોના અદમ્ય સાહસ, અતૂટ સમર્પણ અને નિઃસ્વાર્થ સેવાભાવને સન્માનિત કરવાનો આ એક વિનમ્ર પરંતુ અર્થસભર પ્રયાસ છે.

કાર્યક્રમનાં મુખ્ય આકર્ષણો અને ભાવનાઓ

સ્નેહનું પ્રતીક (A Token of Love) : આપણા હૃદયના ઊંડાણમાંથી ઉદ્ભવતા આદર અને સ્નેહના પ્રતીકરૂપે દરેક જવાનને એક નાનકડું ‘ગુલાબનું પુષ્પ’ અર્પણ કરવામાં આવશે.

કૃતજ્ઞતાની સલામી (A Salute of Gratitude) : જેઓ થાક્યા વિના દિવસ-રાત આપણી રક્ષા કરે છે એવા માતૃભૂમિના સપૂતોને આદરપૂર્વક સલામી આપીને તેમના ઋણનો સ્વીકાર કરવામાં આવશે.

મીઠી આત્મીયતા (A Sweet Gesture) : આઝાદી અને અખંડિતતાના આ પવિત્ર તહેવારની ઉજવણીમાં મીઠાશ ઉમેરવા અને ભાઈચારાની ભાવનાને દૃઢ કરવા સૌનું મોં મીઠું (મીઠાઈ વિતરણ) કરાવવામાં આવશે.

આયોજકોનો મૂળ મંત્ર માત્ર ઉજવણી પૂરતો સીમિત નથી, પરંતુ ઉત્સવના ઉલ્લાસથી સહેજ આગળ વધીને આપણા સુરક્ષાકર્મીઓની આંખોમાં આંખ મિલાવીને ગર્વભેર એ કહેવાનો છે કે ‘અમને સુરક્ષિત રાખવા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર.’

કાર્યક્રમની રૂપરેખા :

દિનાંક : ૧૫ ઑગસ્ટ ૨૦૨૬, શનિવાર, 
સમય : સવારે ૮.૩૦ વાગ્યાથી

independence day jain community gujarati community news mumbai mumbai news culture news