16 January, 2026 07:05 PM IST | Mumbai | Ruchita Shah
માત્ર દેખાય સરખા પણ બાકી સાવ જુદા
એક છે શરમાળ અને બીજાનો વિચાર પહેલાં કરનાર, બીજો છે વાચાળ અને કોઈથી ભોળવાય નહીં એવો ચાલાક. એકને પેઇન્ટિંગ ગમે અને બીજાને મ્યુઝિક ગમે. એક સહી લે અને બીજો લડી લે. બન્નેની ઉંમર હજી માત્ર ૧૧ વર્ષની છે, પરંતુ રુઆબ એવો કે તેમના પેરન્ટ્સે પણ તેમની વાતને નજરઅંદાજ કર્યા વિના સાંભળવી પડે. બન્ને પાસે પોતાની ક્વૉલિટી, પોતાનું વ્યક્તિત્વ; પણ બન્નેનો દેખાવ સરખો. ઘાટકોપરમાં રહેતા હવિશ અને હર્ષિલ વાડિયાને જોનારા ગોથું ખાઈ જ જાય. અફકોર્સ, તેમનાં મમ્મી-પપ્પાને બન્નેમાં રહેલો સ્લાઇટ ડિફરન્સ સમજાય છે અને એટલે જ તેઓ ક્યારેય આ નટખટ દીકરાઓની મસ્તીમાં છેતરાયાં નથી.
ત્રીજા મહિને ખબર પડી
લગ્નનાં ૧૧ વર્ષે પ્રેગ્નન્સી રહી એ પછીની સોનોગ્રાફીમાં અને તમામ તપાસમાં એક જ બાળક છે એવું કહેવામાં આવ્યું હોય અને પછી ત્રીજા મહિને ફરી ચેકઅપ થાય ત્યારે ખબર પડે કે ના, આ તો બે બાળક પધારી રહ્યાં છે ત્યારે મમ્મીની શું હાલત થાય એનું વર્ણન જાગૃતિ ધર્મેશ વાડિયાના જ શબ્દોમાં સાંભળીએ. તેઓ કહે છે, ‘અફકોર્સ, પહેલાં તો અચંબો જ થાય. જોકે ઘણાં વર્ષો પછી બાળક થઈ રહ્યું હતું એટલે બે બાળકોનું હોવું અમારા માટે તો ડબલ ગુડ ન્યુઝ જેવું હતું. ઇન ફૅક્ટ, મારા હસબન્ડ તો એ આશામાં હતા કે કોને ખબર ત્રીજા ચેકઅપમાં ખબર પડે કે બે નહીં પણ ૩ બાળકો છે. જોકે એ પછીના તમામ ચેકઅપમાં કન્ફર્મ થયું કે ટ્વિન્સ છે. શરૂઆતના પાંચ મહિના અમે દુબઈમાં હતાં અને પછી ઇન્ડિયા આવ્યાં. ડિલિવરી ઇન્ડિયામાં થઈ અને સાચું કહું તો બીજા કોઈ એક્સ્ટર્નલ સપોર્ટ વિના માત્ર અમે બન્નેએ અમારી જૉબ સાથે બાળકોને મોટાં કર્યાં છે અને કોઈ મોટી તકલીફ પડી નથી.’
બન્નેની વિશેષતા
ટ્વિન્સ બાળકોને ઉછેરનારાં બ્યુટિશ્યન અને હોમ-શેફ જાગૃતિબહેન અને કૉર્પોરેટ જૉબ કરતા ધર્મેશભાઈ પોતાનાં બાળકોની ખાસિયત વર્ણવતાં કહે છે, ‘બન્નેનો નેચર એકદમ અલગ છે. હવિશ એક મિનિટ મોટો છો અને તે ખૂબ જ પ્યૉર હાર્ટ છે. હંમેશાં બીજાના પ્રૉબ્લેમ્સને પોતાના માનીને એને દૂર કરવાના પ્રયાસ કરશે, પણ ભણવામાં તેને આપણે બેસાડવો પડે. બીજી બાજુ હર્ષિલ ઉસ્તાદ છે. પોતાનું પહેલાં સાચવી લેશે અને ભણવામાં પણ અવ્વલ છે. બન્નેની પર્સનાલિટી જુદી છે અને ઘરમાં બન્ને જોરદાર તોફાન કરશે, એકબીજા સાથે લડશે; પરંતુ જેવા બહાર ગયા કે બેમાંથી કોઈ એકને બહારની વ્યક્તિએ કંઈ કહ્યું કે ઈવન હું પણ જો એકને વઢું તો બીજો તેનું ઉપરાણું લઈને મારી સાથે લડી પડે. એક વાર એ જ રીતે હવિશ માટે હર્ષિલ ટીચર સાથે બાખડી પડ્યો હતો. તેમની પોતાની જોડી છે અને આજના સમયમાં ભાઈઓમાં આવું બૉન્ડિંગ મિસિંગ દેખાય છે.’
આ ભાઈઓને ગીતાનો પાંચમો અધ્યાય કંઠસ્થ છે. એ સિવાય પણ ઘણા સંસ્કૃત સ્તોત્રો તેમને આવડે છે. જાગૃતિબહેન કહે છે, ‘અમે તેમની પાસે સંસ્કૃત શીખીએ છીએ. હવિશને પેઇન્ટિંગનો શોખ છે તો હર્ષિલ મ્યુઝિકમાં માસ્ટર છે. જાતે-જાતે તે યુટ્યુબ પર જોઈને વાંસળી વગાડતાં શીખ્યો. આમ તો હાઇટ, બૉડી, ફીચર બન્નેનાં સરખાં છે; પરંતુ હવિશના કપાળ પર તિલક જેવો ઝાંખો બર્થ-માર્ક છે જે હર્ષિલને નથી. બીજા કોઈને એ જલદી નજરમાં ન આવે, પણ અમને આવી જાય છે. બાકી બન્ને સરખા જ છે.’