મને જાનનો ખતરો છે

12 June, 2021 12:15 PM IST  |  Mumbai | Dharmendra Jore

વરિષ્ઠ સનદી અધિકારીએ મુખ્ય પ્રધાનને પત્ર લખીને કહ્યું : પાંચ વર્ષ થાણેના મ્યુનિસિપલ કમિશનરપદે રહી ચૂકેલા સંજીવ જયસ્વાલને થોડા દિવસ પહેલાં મુંબઈ મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનરના હોદ્દા પરથી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા

તાજેતરમાં બદલી કરવામાં આવેલા મુંબઈના ભૂતપૂર્વ ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સંજીવ જયસ્વાલ અગાઉ પાંચ વર્ષ થાણે મહાનગરપાલિકાના કમિશનરના હોદ્દા પર હતા

મુંબઈ મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનરના હોદ્દા પરથી ચાર દિવસ પહેલાં ટ્રાન્સફર કરવામાં આવેલા આઇએએસ અમલદાર સંજીવ જયસ્વાલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને થાણેના એક રાજકારણી તરફથી જીવનું જોખમ હોવાનું જણાવ્યું છે. એ રાજકારણીની ગેરકાયદે બાંધકામ સહિતની અનધિકૃત પ્રવૃત્તિઓ સામે કાર્યવાહીને કારણે તેણે દુશ્મનાવટ બાંધી હોવાનો દાવો સંજીવ જયસ્વાલે મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં કર્યો છે. થાણે અને મુંબઈ પોલીસમાં ટોચના હોદ્દે બિરાજી ચૂકેલા વિવાદાસ્પદ આઇપીએસ અમલદાર પરમબીર સિંહ સાથે પણ પોતાને સંબંધ ન હોવાનું જ સંજીવ જયસ્વાલે પત્રમાં જણાવ્યું છે.

સંજીવ જયસ્વાલને મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ સાથે મૈત્રી હોવાને કારણે તેમને બિનમહત્ત્વના હોદ્દા પર ટ્રાન્સફર કરાયા હોવાની ચર્ચાઓ શરૂ થયા પછી તેમણે ઉક્ત પત્ર લખ્યો હતો.

પરમબીર સિંહે મહાવિકાસ આઘાડીના એક પ્રધાન સામે ભ્રષ્ટાચારના આરોપો મૂકીને એ આરોપોની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની માગણી સાથે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. સંજીવ જયસ્વાલે પરમબીર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે સમાધાન કરાવવાના પ્રયાસ કર્યાની અફવાઓ વહેતી થઈ છે. સંજીવ જયસ્વાલે મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો હોવાનું પ્રસારમાધ્યમોના પ્રતિનિધિઓને જણાવ્યું હતું, પરંતુ વધુ ટિપ્પણી કરી નહોતી. ૭ જૂને સંજીવ જયસ્વાલને મુંબઈ મહાનગરપાલિકાના અતિરિક્ત આયુક્તના પદેથી હટાવીને મહારાષ્ટ્ર સ્ટેટ ફિશરીઝ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના મૅનેજિંગ ડિરેક્ટરના હોદ્દા પર નિયુક્ત કરવામાં આવ્યા હતા એ તારીખે જ સંજીવ જયસ્વાલે પત્ર લખ્યો હતો.

થાણેના ભૂતપૂર્વ નગરસેવક સંજય ઘાડીગાંવકરે મુખ્ય પ્રધાનના કાર્યાલયને કરેલી ફરિયાદનો જવાબ માગવામાં આવે તેની રાહ જોયા વગર  આપમેળે સ્પષ્ટતા રૂપે સંજીવ જયસ્વાલે પત્ર લખ્યો હોવાનું મનાય છે.  સંજીવ જયસ્વાલે પત્રમાં જણાવ્યું હતું કે ‘સંજય ઘાડીગાંવકરના પત્ર સંદર્ભે મારી પાસે જવાબ માગવામાં આવે એ પહેલાં હું સ્પષ્ટતા કરી રહ્યો છું. કાસ્ટ સ્ક્રુટિની કમિટીએ સંજય ઘાડીગાંવકરનું કાસ્ટ સર્ટિફિકેટ બોગસ ઠેરવતાં મેં તેમને નગરસેવકપદ માટે ગેરલાયક જાહેર કર્યા હતા. તે ઉપરાંત કાયદા પ્રમાણે તેમને છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારથી તેમણે મારી સામે દુશ્મનાવટ બાંધી હતી. કેટલાંક વર્ષ પહેલાં થાણેના એક બિલ્ડરને આપઘાત કરવાની ફરજ પડે એવા સંજોગો ઊભા કરનારી ગૅન્ગમાં સંજય ઘાડીગાંવકર પણ હતા, પરંતુ પુરાવાના અભાવે તેમની ધરપકડ કરી શકાઈ નહોતી. થાણે મહાનગરપાલિકામાં બ્લૅક મેઇલિંગ અને ખંડણીબાજીનો સિલસિલો શરૂ કરનારી એ ગૅન્ગની પ્રવૃત્તિ રોકવામાં મને નોંધપાત્ર સફળતા મળી હતી. મારા એક રિપોર્ટને પગલે આરટીઆઇ ઍક્ટિવિસ્ટ્સનું વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકને બ્લૅક મેઇલ કરવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. બોગસ વિડિયો દ્વારા મારી બદનામીના કૌભાંડનો ભંડાફોડ પોલીસે કર્યો હતો. એ કૌભાંડમાં લેડિઝ બાર અને વેશ્યાલયોના માલિકો સંડોવાયેલા હતા.’

સંજીવ જયસ્વાલે પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે ‘મેં મારા કાર્યકાળ દરમ્યાન રસ્તા પહોળા કરવા માટે ૧૦૦ હૅક્ટર જેટલી શહેરી જમીનો પરનાં ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરી પાર પાડી હતી. મેં ઘણાની હપ્તાખોરી બંધ કરાવી હતી તેથી મારી સામે ઘણાને વેર-દુશ્મનાવટ છે. તેથી એક ભૂતપૂર્વ પ્રધાન અને પોલીસ તંત્રે મને પોલીસ જવાનોનું રક્ષણ આપ્યું હતું. મારી બદલી મુંબઈમાં કરવામાં આવ્યા પછી પણ મારા પર જોખમ ઝળૂંબતું રહેતું હતું, પરંતુ અગાઉ અપાયેલું પોલીસરક્ષણ મુંબઈમાં મને ઉપલબ્ધ કરાવાયું નહોતું. હજી મારા પર જોખમ છે અને આ પત્ર લખ્યા પછી ખતરો વધી ગયો છે. આ સમયે આપની સમક્ષ વાસ્તવિકતા સ્પષ્ટ કરવી વાજબી હોવાનું હું માનું છું. આ પત્ર લખવાથી મને બોગસ, આધાર વિનાની અને માનસિક ત્રાસદાયક ફરિયાદોથી રાહત મળશે એવી અપેક્ષા રાખું છું. ઉક્ત પત્રમાં આઇપીએસ અમલદાર પરમબીર સિંહ સાથે મારા સંબંધોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ હકીકત એવી છે કે મારા કાયદાના રક્ષણનાં કાર્યોમાં મને થાણેના ભૂતપૂર્વ  પોલીસ કમિશનરો પરમબીર સિંહ અને વિજય ફણસળકરે ઘણો સપોર્ટ આપ્યો હતો તેથી  તેમની સાથે મારો સત્તાવાર કામકાજ માટે પરિચય હતો.’ 

mumbai mumbai news indian politics dharmendra jore uddhav thackeray