દેવદૂત બન્યા મૃત્યુંજય દૂત

15 October, 2021 08:29 AM IST  |  Mumbai | Mehul Jethva

છેલ્લા સાત મહિનામાં હાઇવે મૃત્યુંજય દૂતે અકસ્માતમાં ૨૦૯ લોકોના જીવ બચાવ્યા છે

ફાઈલ તસવીર

એક્સપ્રેસ હાઇવે પર થતા મોટા અકસ્માતોને જોઈ ઍડિશનલ ડિરેક્ટર જનરલ (ટ્રાફિક) ભૂષણ ઉપાધ્યાયે હાઇવેની આસપાસ વ્યવસાય કરતા, ધાબામાં કામ કરતા લોકો, પેટ્રોલ-પમ્પ પર કામ કરતા અધિકારી અને સ્થાનિક ગામડામાં રહેલા સામાન્ય લોકોનો સમાવેશ કરીને અકસ્માતમાં ઈજા પામેલી વ્યક્તિને તરત સારવાર મળી રહે એવા હેતુથી ‘હાઇવે મૃત્યુંજય દૂત’ યોજના માર્ચ મહિનામાં અમલમાં મૂકી હતી જેથી હાઇવે પર થતા અકસ્માતમાં તરત મદદ કરીને ઈજાગ્રસ્તને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જઈ શકે. થાણે રેન્જમાં કાર્યરત ૫૮૨ હાઇવે મૃત્યુંજય દૂતોએ છેલ્લા સાત મહિનામાં ૨૦૯ લોકોને સમયસર હૉસ્પિટલ પહોંચાડીને તેમના પ્રાણ બચાવ્યા છે.

હાઇવે પરથી પસાર થતી વખતે કેટલાક અકસ્માત આપણી આંખ સામે થતા હોય છે. મોટા ભાગના અકસ્માતોમાં સમયસર ટ્રીટમેન્ટ ન મળતાં ઈજાગ્રસ્તો મૃત્યુ પામતા હોય છે. આવા કેટલાક બનાવ સામે આવતાં મહારાષ્ટ્ર રાજ્ય ઍડિશનલ ડિરેક્ટર જનરલ (ટ્રાફિક) ભૂષણ ઉપાધ્યાયે અકસ્માતોમાં સામાન્ય નાગરિકોને સમયસર મદદ મળી રહે એ માટે હાઇવેની આસપાસના વિસ્તારમાં રહેતા નાગરિકો સાથે મળી હાઇવે મૃત્યુંજય દૂત યોજના અમલમાં મૂકી હતી અને આ યોજનામાં કામ કરવા માટે સામાન્ય નાગરિકોનો સમાવેશ કર્યો હતો. તેમને કઈ રીતે કામ કરવું એ પણ સમજાવવામાં આવ્યું હતું.

હાઇવે મૃત્યુંજય દૂત યોજના વિશે વધુ માહિતી આપતાં એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાઇવે પર રોજના ૧૦થી વધુ અકસ્માત નોંધાય છે. હવે દરેક અકસ્માતની બાજુમાં પોલીસ સ્ટેશન કે હૉસ્પિટલ હોતી નથી. આવા કેસોમાં અમને સામાન્ય માણસોની જરૂર જણાય છે. આ પહેલાં પણ સામાન્ય લોકો અકસ્માતમાં નાગરિકોને મદદ કરતા હતા. આ યોજના ચાલુ કરવા પાછળનો હેતુ એવો હતો કે નિયુક્ત કરેલા ૫૮૨ લોકોને અમે હાઇવે મૃત્યુંજય દૂતના આઇડી કાર્ડ આપ્યાં છે. સાથે હાઇવે પર આવતા તમામ સિનિયર અધિકારીઓ સાથે સંપર્કમાં રહેવા વૉટ્સઍપ ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, હાઇવેની નજીક આવેલી હૉસ્પિટલના મુખ્ય ડૉક્ટર અને એમાં કામ કરતા અધિકારીઓના નંબર પણ અમે આ દૂતોને આપી રાખ્યા છે. અકસ્માત થાય ત્યારે તેઓ તરત વૉટ્સઍપ પર નાખતા હોય છે જેથી એ વિસ્તારના પોલીસ-અધિકારીઓ અને હૉસ્પિટલના કર્મચારીઓ તરત ઍક્ટિવ થઈ જાય છે અને ઈજાગ્રસ્ત વ્યક્તિને તરત સારવાર મળી જાય છે.’

ઍડિશનલ ડિરેક્ટર જનરલ (ટ્રાફિક) ભૂષણ ઉપાધ્યાયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અકસ્માતમાં નાગરિકોને તાત્કાલિક મદદ મળી રહે અને તેમના પ્રાણ બચાવી શકાય એવા હેતુથી હાઇવે મૃત્યુંજય દૂત યોજનાનો પ્રાંરભ કરવામાં આવ્યો છે. આ યોજનાથી અનેક લોકોને મદદ મળી રહી છે.’

હાઇવે મૃત્યુંજય દૂત યોજનામાં કાર્યરત ગુરુનાથ સાતેલકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાઇવે પર થતા અકસ્માતમાં ઈજાગ્રસ્તોને બચાવવા માટે અમારું આખું ગ્રુપ ૨૪ કલાક ઍક્ટિવ હોય છે. હું થાણે રેન્જમાં કાર્યરત છું. થાણે રેન્જ બહુ જ મોટી હોવાથી દરેક વ્યક્તિ દરેક જગ્યાએ પહોંચી શકતી નથી. જ્યારે અકસ્માત થાય ત્યારે એ વિસ્તારમાં પહેલો પહોંચેલો મૃત્યુંજય દૂત અકસ્માતની વિગત વૉટ્સઍપ ગ્રુપમાં નાખે છે. એ વિગત નાખવાની સાથે સ્થાનિક પોલીસ સ્ટેશન અને હૉસ્પિટલ ઇન્ચાર્જ ઍક્ટિવ થઈ પોતાના કામે લાગી જાય છે. આવા તો કેટલાય કિસ્સાઓમાં અમે નાગરિકોના પ્રાણ બચાવ્યા છે.’

તેમણે એક અઠવાડિયા પહેલાંનો એક કિસ્સો કહ્યો હતો અને જણાવ્યું હતું કે ‘એક કાર પૂરવેગે આવી અને હાઇવેની એક સાઇડમાં નદીમાં પડી ગઈ હતી. કારચાલકને બચાવવા પહોંચેલા મૃત્યુંજય દૂતે પાણીમાં કૂદીને તેનો પ્રાણ બચાવી લીધો હતો. અમારા ગ્રુપમાં કાર્યરત કેટલાક દૂતોને સ્વિમિંગ પણ આવડે છે. એ સાથે તેમને અન્ય મેડિકલ ટ્રીટમેન્ટ આપતાં પણ આવડે છે.’

મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં રહેતા એક પરિવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે થોડા દિવસ પહેલાં કારમાં લોનાવલા જઈ રહ્યા હતા. એ દરમ્યાન અમારો ખોપોલી પાસે અક્સ્માત થયો હતો જેમાં મને અને મારી ફ્રેન્ડને ઈજાઓ પહોંચી હતી. જ્યાં અમારો અકસ્માત થયો હતો ત્યાંથી દોઢ કિલોમીટર દૂર એક પેટ્રોલ-પમ્પ હતો જેમાં કામ કરતા એક અધિકારીએ વૉટ્સઍપ પર અન્યનો સંપર્ક કરીને આશરે ૨૦ મિનિટમાં પોલીસ અને ઍમ્બ્યુલન્સ બોલાવી હતી અને અમને તરત ઇલાજ મળી શક્યો હતો.’

mumbai mumbai news mumbai police eastern express highway mehul jethva