નવી મુંબઈ અને થાણેમાં વરસાદની જોરદાર બૅટિંગ

14 September, 2021 03:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી મુંબઈ અને થાણેમાં વરસાદની જોરદાર બૅટિંગ

ફાઈલ તસવીર

નવી મુંબઈ અને થાણેમાં ગઈ કાલે સવારથી જ ભારે વરસાદની શરૂઆત થવાથી મોટા ભાગના લોકોએ ઘરોની બહાર નીકળવાનું ટાળ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેઓ બહાર નીકળ્યા હતા તેઓ રસ્તાઓમાં પડેલા ખાડાઓને કારણે ટ્રાફિકમાં ફસાયા હતા. હવામાન ખાતાએ આગામી ૨૪ કલાકમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી ગઈ કાલે કરી હતી.

મુંબઈની સાથે થાણે અને નવી મુંબઈમાં છેલ્લા આઠ દિવસથી વરસાદ પડી રહ્યો છે. જોકે આજે સવારથી નવી મુંબઈમાં વરસાદનું જોર વધ્યું હતું. વરસાદની સાથે ફૂંકાઈ રહેલી હવાને લીધે વાતાવરણ ઠંડું થઈ ગયું હતું. થાણેમાં પણ ગઈ કાલે મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. કલ્યાણ-ડોમ્બિવલી અને આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદની બૅટિંગ ચાલુ રહી હતી. વરસાદને પગલે કલ્યાણ નજીક અવેલા આંબિવલી રેલવે સ્ટેશનની બહાર રસ્તા પર પાણી ભરાયાં હતાં. આથી લોકોને આવવા-જવામાં મુશ્કેલી પડી હતી. ભિવંડી શહેરની સાથે તાલુકામાં પણ સવારથી જ કાળાં ડિબાંગ વાદળો આકાશમાં દેખાવાની સાથે જોરદાર વરસાદ પડ્યો હતો.

હવામાન ખાતાએ આપેલી સૂચના મુજબ સતત ત્રણથી ચાર દિવસ મુંબઈ, થાણે, કોંકણ, મધ્ય મહારાષ્ટ્રમાં મૂશળધારથી અતિમૂશળધાર વરસાદ પડશે. બંગાળની ખાડીમાં નિર્માણ થયેલા હળવા પટ્ટાનું દબાણ તીવ્ર બન્યું છે, જેની તીવ્રતા આગામી ૨૪ કલાકમાં વધવાની શક્યતા વચ્ચે વરસાદ વધવાની શક્યતા છે.

થાણેમાં ભારે ટ્રાફિક જૅમ

અઠવાડિયાના પહેલા દિવસે લોકોને થાણે-નાશિક હાઇવે પર ભારે ટ્રાફિક જૅમનો સામનો કરવો પડ્યો હતો. ખાડાઓને લીધે આ મુશ્કેલી સર્જાઈ હતી. ભારે વરસાદને પગલે રસ્તાની સાથે બાજુના પટ્ટામાં પણ મોટા ખાડાઓ અને કિચડ થઈ જવાથી હાઈવે પર ૭થી ૮ કિલોમીટર સુધી વાહનોની લાઇન લાગી હોવાનું જાણવા મળ્યું હતું.  અનેક લોકો ગણેશોત્સવ નિમિત્તે મુંબઈ આવ્યા હતા. તેઓ દોઢ દિવસના ગણપતિનું વિસર્જન કરીને નાશિક તરફ જતા હતા ત્યારે ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા. સવારે જ ટ્રાફિકની મુશ્કેલીથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

પાલઘરમાં અતિવૃષ્ટિ : ધામણી ડૅમના તમામ દરવાજા ખોલાયા

પાલઘર જિલ્લામાં સિંચાઈ અને પીવાના પાણી માટે બાંધવામાં આવેલા સૂર્યા યોજનાના ધામણી ડૅમમાં છેલ્લા કેટલાક કલાકમાં ચારેક સંચ વરસાદ થતાં આ ડૅમ ગઈ કાલે ૧૦૦ ટકા ભરાઈ ગયો હતો. આથી ડૅમના તમામ દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. આ ડૅમમાં ૧૧૮.૬૫ મીટરના લેવલ સુધી પાણી ભરાયું હતું, જેથી ડૅમમાં ૨૭૬.૩૫ એમએલડી પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. પાલઘર જિલ્લાના અનેક વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી સારો વરસાદ પડી રહ્યો હોવાથી અહીં અતિવૃષ્ટિ થઈ છે અને મોટા ભાગની નદીઓ બંને કાંઠે વહી રહી છે.

mumbai mumbai news navi mumbai thane palghar