હર ઘર તિરંગા બરાબર, પણ એના નિકાલનું શું?

29 July, 2022 09:37 AM IST  |  Mumbai | Rohit Parikh

૧૩થી ૧૫ ઑગસ્ટ સુધી દુકાનો, ઘરો અને ઇમારતો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે એ દેશ માટે ગર્વની ક્ષણ હશે. જોકે સરકાર કે પ્રશાસન તરફથી કરોડો રાષ્ટ્રધ્વજની સાચવણી કેવી રીતે કરવી કે એને કેવી રીતે ડિસ્પોઝ કરવા એની કોઈ જ સ્પષ્ટતા હજી નથી કરવામાં આવી

બીએમસી દ્વારા 35 લાખ તિરંગાનો ઑર્ડર સાત કરોડ રૂપિયાને ખર્ચે આપવામાં આવ્યો છે

ભારતમાં આ વર્ષે ૭૫મો સ્વતંત્રતા દિવસ ઊજવાશે. આ માઇલસ્ટોનને યાદ કરવા સરકારે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની જાહેરાત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત મહોત્સવ અંતર્ગત દેશનો દરેક નાગરિક આ ઉત્સવની ઉજવણી સાથે મળીને કરી શકે એ માટે ‘હર ઘર તિરંગા’ અભિયાનની જાહેરાત કરી છે. એમાં તેમણે તમામ નાગરિકોને તેમનાં ઘરો પર રાષ્ટ્રધ્વજ (તિરંગો) ફરકાવવાની અપીલ કરી છે. તેમણે દેશની જનતાને આ અમૃત મહોત્સવની ઉજવણી કરવાનો આગ્રહ કર્યો છે. ભારત સરકારે દેશભક્તિ, દેશદાઝ અને દેશપ્રેમ દર્શાવવા માટે દેશના નાગરિકોને ૧૩ ઑગસ્ટથી ૧૫ ઑગસ્ટ ૨૦૨૨ સુધી તેમની દુકાનો, ઘરો અને ઇમારતો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું કહ્યું છે. હર ઘર તિરંગામાં સામેલ થતાં દેશ માટે એ ગર્વની ક્ષણ હશે. જોકે આજ સુધી સરકાર કે પ્રશાસન તરફથી કરોડો રાષ્ટ્રધ્વજની સાચવણી કરવી કે એને કેવી રીતે ડિસ્પોઝ કરવામાં આવશે એ બાબતની કોઈ જ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી.

અપમાન ન થાય એનું ધ્યાન રાખવું જરૂરી
ગર્વની આ ક્ષણની ઉજવણી માટે અને વડા પ્રધાનની અપીલને માન આપીને અત્યારે મુંબઈ સહિત દેશનાં બધાં જ શહેરો, જિલ્લાઓ અને ગામોમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવા અને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા નાગરિકો, સંસ્થાઓ, વેપારી સંગઠનો સજ્જ થઈ ગયાં છે. જોકે આપણે છેલ્લાં ૭૫ વર્ષથી જોઈએ છીએ કે આપણા દેશમાં પ્રજાસત્તાક દિન અને સ્વતંત્રતા દિનની ઉજવણી કરવા માટે બે દિવસમાં લાખો રાષ્ટ્રધ્વજ વેચાય છે. નાગરિકો તેમના શર્ટ પર લઘુચિત્ર તિરંગાને પિન કરીને એક દિવસ માટે દેશભક્ત બની જાય છે. ત્યાર પછી આ રાષ્ટ્રીય ગૌરવ સમા તિરંગા જાહેર રસ્તાઓ પર, જાહેર સ્થાનો પર, કચરાના ડબ્બામાં, ગટરોમાં, દરિયાકિનારે જેવી જગ્યાઓમાં રઝળતા, પગની કે વાહનોની નીચે કચડાતા જોવા મળે છે. રાષ્ટ્રીય ગૌરવ ઉજવણીના કલાકોમાં જ તિરંગા અપમાનિત થઈને દેશપ્રેમીઓના જ પગ નીચે કચડાઈ જાય છે ત્યારે રાષ્ટ્રપ્રેમીઓના દિલ પર ઠેસ પહોંચે છે અને તેમના મનમાં એક સવાલ ઘૂમરાય છે કે આ રાષ્ટ્રપ્રેમ છે કે રાષ્ટ્રનું અપમાન? આથી જ અમુક રાષ્ટ્રપ્રેમી સંસ્થાઓ, સ્કૂલનાં બાળકો કે નાગરિકો તિરંગાને કચડાતા બચાવવા માટે રસ્તાઓ અને જાહેર સ્થાનો પરથી એકઠા કરવા નીકળે છે અને રસ્તાઓ પરથી લાખો ધ્વજોને જમા કરીને યોગ્ય સ્થાને ડિસ્પોઝ કરે છે.  

આપણે ભૂલી જઈએ છીએ કે તિરંગો ભારતની ઓળખ છે. એ દરેક ભારતીયની શાન છે. દેશ અને તિરંગાની શાન માટે દેશના દરેક નાગરિકની ફરજ છે કે તેણે આપણા દેશની શાનનું અપમાન ન થાય એ માટે યોગ્ય યોગદાન આપવું જોઈએ.

સુધરાઈ દ્વારા ધ્વજનું વિતરણ
હર ઘર તિરંગા અભિયાન સાથે જ કરોડો તિરંગા લહેરાશે. એકલી મુંબઈ સુધરાઈએ આ અભિયાનને સમર્થન આપવા માટે અને મુંબઈના દરેક ઘરને મફત ધ્વજ આપવા માટે સાત કરોડ રૂપિયાના ખર્ચે ૩૫ લાખ તિરંગાનો ઑર્ડર આપ્યો છે.

આ બાબતની માહિતી આપતાં મુંબઈ મહાનગરપાલિકાના હેડ ઍડ્મિનિસ્ટ્રેટર ઇકબાલ સિંહ ચહલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ ભારતની આર્થિક રાજધાની છે અને આ સ્વતંત્રતા દિવસે બધાની નજર મુંબઈ પર રહેશે. આથી અમારે આ દિવસે અમારી શ્રેષ્ઠતા પુરવાર કરવી છે. એને લીધે મહાનગરપાલિકાએ લોકોને મફત ધ્વજ પ્રદાન કરવાનો નિર્ણય કર્યો છે. અમારી પાસે ધ્વજનો સ્ટૉક પાંચમી ઑગસ્ટ સુધીમાં આવી જશે અને અમે એનું વિતરણ ૬થી ૧૨ ઑગસ્ટ દરમિયાન હાથ ધરીશું. મુંબઈમાં બધી ઇમારતો, ઘરો, ઔદ્યોગિક એકમો, શૈક્ષણિક સંસ્થાઓ, વ્યાપારી ઇમારતો પર ધ્વજ ફરકાવવામાં આવશે.’

મહાનગરપાલિકા સિવાય અનેક રાષ્ટ્રપ્રેમી સંસ્થાઓ હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે સક્રિય બની છે ત્યારે ભૂતકાળના અનુભવોથી મનમાં એક સવાલ ઊઠે છે કે શું આ અમૃત મહોત્સવની ઉજવણી પછી કરોડો રાષ્ટ્રધ્વજોની સાચવણી કરવા સરકાર શું પગલાં લેશે? મુંબઈ મહાનગરપાલિકા શું કાર્યવાહી કરશે? નાગરિકોને શું માર્ગદર્શન આપવામાં આવશે?

તિરંગાના નિકાલનું શું?
આ બાબતનો જવાબ આપતાં ઇકબાલ સિંહ ચહલે કહ્યું હતું કે અમે ટૂંક સમયમાં આ બાબતની માર્ગદર્શિકા જાહેર કરીશું. જોકે મહાનગરપાલિકાના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે અમે અમારી મીટિંગમાં પ્રાથમિક ધોરણે લોકોને અપીલ કરીશું કે તેઓ હર ઘર તિરંગા અભિયાન પછી તેમની પાસેના કપડાના અન્ય તિરંગાને ઘરમાં જ સાચવીને રાખે અને અમૃત મહોત્સવ દરમિયાન કે અન્ય રાષ્ટ્રદિન વખતે આ તિરંગાને તેમના ઘર પર કે ઇમારત પર ફરકાવે.’

મિડ-ડેએ પૂછ્યું લોકોને તિરંગાની સાચવણી વિશે

સરકાર કે મહાનગરપાલિકા એમની માર્ગદર્શિકા જાહેર કરે એ પહેલાં ‘મિડ-ડે’એ મુંબઈના નાગરિકોને તેઓ હર ઘર તિરંગા અભિયાન પછી એટલે કે ૧૫ ઑગસ્ટની ઉજવણી પછી તેમની પાસેના તિરંગાની સાચવણી કેવી રીતે કરશો એ વિશે પૂછ્યું હતું. એમાં મોટા ભાગના નાગરિકોએ કહ્યું હતું કે ‘અમે આ વખતે કપડાનો તિરંગો ખરીદીશું અને ૧૫ ઑગસ્ટ પછી અમારા જ કબાટમાં જ્વેલરીની સાચવણી કરીએ છીએ એ રીતે તિરંગાને કબાટમાં સાચવીશું. એનું અપમાન થવા નહીં દઈએ.’

યોગ્ય માવજત કરીશું અને એની શાનને વધારીશું : સુનીલ બક્ષી, કાંદિવલી-વેસ્ટ
આપણા દેશ માટે આ એક અમૂલ્ય અવસર છે. આ તકને ઝડપી લેવી અને એની યોગ્ય રીતે માવજત કરવી એ બધા જ રાષ્ટ્રપ્રેમી નાગરિકોની ફરજ છે. હું ટૂંક સમયમાં સરકાર તરફથી તિરંગાને કેવી રીતે ઘર પર ફરકાવવો અને ‌િત્રદિવસીય ઉજવણી પછી એની કેવી રીતે કાળજી લેવી એ માર્ગદર્શનની રાહ જોઈ રહ્યો છું. કદાચ સરકાર માર્ગદર્શન ન પણ આપે તો હું દેશના તમામ નાગરિકોને સંદેશ આપું છે કે આપણે આ સોનેરી ક્ષણોની વિદાય પછી તિરંગાની યોગ્ય માવજત કરીને કાળજી લેવાનું રખે ચૂકીએ. એને યોગ્ય સ્થાન પર રાખીને એની શાન વધારવામાં નિમિત્ત બનીએ અને એનો ખોટો ઉપયોગ થતો રોકીએ.

સોનાના દાગીનાની જેમ તિરંગાને સાચવીશું : જસ્મિના શાહ, મથુરાદાસ રોડ, કાંદિવલી-વેસ્ટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલે અમને પણ હર ઘર તિરંગા અભિયાન દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવમાં જોડાવા માટે પ્રેરિત કર્યા છે. અમે ૨૫ મહિલાઓ વિમેન ચૅરિટી ગ્રુપ ચલાવીએ છીએ. અમે બધા અમારી સોસાયટીઓમાં અમારા તરફથી દરેક સભ્યને તિરંગો આપીને તેમના ઘરમાં ફરકાવવાનું આહવાન કરીશું. એની સાથે અમે આ પરિવારોને એ સમજણ પણ આપીશું કે ૧૫ ઑગસ્ટ પછી આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય એનું ધ્યાન રાખે. એ માટે અમે કપડાનો ધ્વજ જ ઘર પર લહેરાવીશું. જ્યારે-જ્યારે આપણે કોઈ પણ રાષ્ટ્રદિનની ઉજવણી કરીશું ત્યારે સરકારની માર્ગદર્શિકા પ્રમાણે આપણા ઘર પર એને લહેરાવીશું. ત્યાર બાદ આ રાષ્ટ્રધ્વજને જેમ આપણા સોનાના દાગીના સાચવીએ છીએ એ રીતે ઘરના કબાટમાં કે તિજોરીમાં સાચવીશું.

શાન સાથે સરસ ગડી કરીને પવિત્રપણે સાચવીશું : નયન કામદાર, સિક્સ્ટી ફીટ રોડ, ઘાટકોપર-ઈસ્ટ
તિરંગાનું મૂલ્ય સમજવું જરૂરી છે. અમે બધા ૧૩ ઑગસ્ટની ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. અમે સૌએ સાથે મળીને નિર્ણય કર્યો છે કે આપણે આપણા તિરંગાને ૧૫ ઑગસ્ટ પછી ગડી કરીને ઘરના કબાટમાં પવિ‌ત્રપણે સાચવીશું. એ માટે અમે આ વખતે કપડાના ધ્વજ જ ખરીદવાના છીએ. જે ‌મિત્રો કાગળનો ધ્વજ લહેરાવશે તેઓ એને ફ્રેમમાં મઢીને ઘરમાં સાચવી રાખશે, પણ અપમાનિત તો કોઈ પણ સંજોગોમાં થવા નહીં દઈએ. અમે દેશની શાનને જાળવી રાખીશું.

ન સાચવી શકો તો મને મોકલાવી દેજો : આશિષ મહેતા, નાયડુ કૉલોની, ઘાટકોપર-ઈસ્ટ
આઝાદી પછી આ પ્રથમ વખત હશે જ્યારે આપણે આઝાદીની આટલી શાનદાર ઉજવણી કરીશું. આઝાદીના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી થશે. અમે ૧૩ ઑગસ્ટથી ૧૫ ઑગસ્ટ સુધી અમારા નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ લહેરાવીશું. ત્યાર પછી એને માનપૂર્વક ફોલ્ડ કરીને અમારા ઘરના કબાટમાં રાખીશું જેથી ૨૬ જાન્યુઆરી ૨૦૨૩ના દિવસે અમે એનો ઉપયોગ કરી શકીએ. હું તમામ નાગરિકોને વિનંતી કરું છું કે તેઓ રાષ્ટ્રધ્વજ તેમના ઘરે આદરપૂર્વક રાખે. જો કોઈ કારણોસર તેઓ ન રાખી શકે તો હું એને મારા સ્થાને રાખવા માટે તૈયાર છું. કેન્દ્ર સરકાર જે પ્રમાણે તિરંગાની સાચવણી માટે સૂચિત કરશે એવી કોઈ પણ સરકારી સંસ્થાને હું આ તિરંગા મોકલી આપીશ. જે લોકોને સાચવણીની તકલીફ હોય તેઓ કૃપા કરીને મારા મોબાઇલ નંબર 98200 98195 પર કૉલ કરી શકે છે અને પછી રાષ્ટ્રીય ધ્વજને આદરપૂર્વક ફોલ્ડ કરીને અને યોગ્ય રીતે પૅક કરીને મોકલી શકે છે.

કાચની ફ્રેમમાં મઢાવીશું : દીપક જોશી, પ્રેમનગર, મીરા રોડ-ઈસ્ટ
હર ઘર તિરંગાની ઉજવણી પછી અમે ફરકાવેલા તિરંગાની જાળવણી માટે એનો નિકાલ કરવાને બદલે એને આઝાદી કા અમૃત મહોત્સવની યાદગીરીરૂપે તારીખ, તિથિ અને વાર પેપર પર લખી કાચની ફ્રેમમાં મઢાવીને ઘરની દીવાલ પર લટકાવીશું જેથી અમારી આગલી પેઢી માટે એ યાદગાર બને.

રાષ્ટ્રધ્વજને સહેજપણ અપમાનિત નહીં થવા દઉં : ભાવિક જાટકિયા, ડાયમન્ડ માર્કેટ, બાંદરા
દેશભક્તિના આ પર્વ પછી તિરંગાની માવજત માટેનો ઉપાય ન તો કેન્દ્ર દ્વારા આપવામાં આવ્યો છે કે નથી અન્ય કોઈએ વિચાર્યો. ત્યારે દેશની શાનના આ પ્રતીક એટલે કે હર ઘર તિરંગા અભિયાનની પૂર્ણતા પછી સૌપ્રથમ તો હું એ તિરંગાની માવજત માટે બને એટલા દિવસો સુધી મારા રૂમમાં સાચવીને રાખીશ. ત્યાર બાદ જો એમાં તૂટફૂટ થાય છે તો એને સેલોટેપ અથવા ગમપટ્ટી દ્વારા અને જો કપડાનો હોય તો સોયદોરા વડે સાંધીને રાખીશ. ત્યાર બાદ પણ જો એ વધારે જર્જરિત થશે તો હું એને મારી કલેક્શન બુકમાં સ્ટોર કરીને રાખીશ. એની નીચે રાષ્ટ્રધ્વજને લહેરાવતી મારી તસવીર સાથે તારીખ અને સમય સાથેનું કલેક્શન કરીને હું રાષ્ટ્રધ્વજનું સહેજ પણ અપમાન ન થાય એ રીતે એની સારસંભાળ રાખીશ.  

રાષ્ટ્રધ્વજનો નિકાલ કરવાની કોઈ જરૂર જ નથી : વિશાલ જેઠવા, બજાજ રોડ, વિલે પાર્લે-વેસ્ટ
અમારા નિવાસસ્થાન પર ત્રિરંગો ફરકાવવો એ ગૌરવની ક્ષણ છે. મને લાગે છે કે એને હંમેશાં લહેરાવવો જોઈએ, માત્ર એક દિવસ માટે નહીં. મને લાગે છે કે એનો નિકાલ કરવાની કોઈ જરૂર નથી. એને ૩૬૫ દિવસ ચોવીસે કલાક લહેરાવવો જોઈએ, કારણ કે આપણો તિરંગો આપણું ગૌરવ છે. મને ભારતીય હોવાનો ગર્વ છે.

mumbai mumbai news indian flag india independence day rohit parikh