દારૂડિયાઓની દાદાગીરી અને પોલીસની શિનાજોરી

21 September, 2021 08:52 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

ગુજરાતી ઝોમૅટો ડિલિવરી બૉયની પાર્કિંગને મામલે સખત મારપીટ છતાં એનસી જ નોંધાઈ : અલબત્ત, પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓને ટ્વીટ કરતાં અંતે એફઆઇઆર નોંધાયો

ગુજરાતી ડિલિવરી બૉયની મારપીટ કરતાં તે જખમી થયો હતો અને સીસીટીવી કૅમેરામાં દુકાનની અંદર પોતાના ઑર્ડરની રાહ જોઈ રહેલો રાહુલ કેદ થઈ ગયો હતો

અંધેરી-જુહુ ગલીમાં રહેતો ૨૮ વર્ષનો ગુજરાતી યુવાન રાહુલ ભૂપત પુરબિયા ઝોમૅટોમાં ડિલિવરી બૉય તરીકે કામ કરે છે. રાહુલ પોતાના છ ઓર્ડર પૂરા કરી સાતમા ઓર્ડરનું પાર્સલ લેવા માટે દુકાન પાસે પહોંચતા રસ્તા પર ઊભેલ બે વ્યક્તિએ દારૂના નશામાં રસ્તો રોક્યો અને ગાડી પાર્કિંગ માટે ઝઘડો કરવા લાગ્યા હતા. એ વાત પરથી બોલાચાલી થતાં રાહુલની મારપીટ કરવામાં આવી હતી. તે લોહીલુહાણ થઈ ગયો હોવાથી હૉસ્પિટલ લઈ જઈને ટાંકા લઈને સારવાર આપવામાં આવી હતી. ખુલ્લેઆમ આવી દાદાગીરી થઈ રહી હોવા છતાં પોલીસ કડક કાર્યવાહી કરવાને બદલે ફક્ત એનસી લઈને ઘટના સામે યોગ્ય ધ્યાન આપી રહી ન હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

અંધેરીમાં રહેતા રાહુલના કઝિન રિતેશ વાઘેલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રાહુલ કપડાની દુકાનમાં કામ કરતો હતો પણ લૉકડાઉનને લીધે તેનું કામ છૂટી ગયું હતું. ઘરમાં તેની મમ્મી અને બે બહેનો છે અને તે એકલો ઘરમાં કમાય છે. પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા તે દિવસ-રાત એક કરીને કામ કરી રહ્યો છે. શનિવારે રાતે ૧૦.૧૫ વાગ્યે લોખંડવાલામાં સાતમું પાર્સલ દુકાનમાં લેવા ગયો ત્યારે દુકાનની પાસે રસ્તા પર દારૂના નશામાં બે જણ ઊભા હતા. ત્યારે રાહુલે તેની બાઈક પાર્ક કરવા બાજુમાં હટવા કહ્યું હતું. એમાં તેમની બોલાચાલી થઈ ગઈ હતી. એ બાદ રાહુલ તેમને નજરઅંદાજ કરી દુકાનમાં પાર્સલ લેવા ગયો હતો. થોડીવારમાં તે વ્યક્તિ બીજા સાથીદારને લઈ દુકાન પાસે આવ્યો અને રાહુલને દુકાનમાંથી જબરદસ્તી ખેંચી બહાર કાઢી તેની મારપીટ કરવા લાગ્યો હતો.’

અચાનક બન્ને રાહુલને ક્રૂરતાથી મારવા લાગ્યા એમ કહેતાં રિતેશ વાઘેલાએ કહ્યું કે ‘બન્ને મળીને રાહુલની ખૂબ પીટાઈ કરવા લાગ્યા હતા. રાહુલે પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે રાહુલને તેમાંથી એકે કોઈ ધારદાર વસ્તુથી તેના માથા પર મારતાં તેને ગંભીર ઈજા આવી હતી અને શરીરના અનેક ભાગમાં પણ માર લાગ્યો હતો. ઘટના વિશે માહિતી મળતાં ઘટનાસ્થળે અન્ય એક ડિલિવરી બૉય તાત્કાલિક પહોંચી ગયો હતો. રાહુલને લોહીલુહાણ હાલતમાં જોતાં તેને પહેલાં ઓશિવરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં પોલીસ-સબ ઇન્સ્પેક્ટર આનંદ ભળેરાએ તેમની અડધી વાત સાંભળી અને હૉસ્પિટલમાં મેડિકલ માટે મોકલાવી દીધો હતો. ત્યાં રાહુલને એડમિટ કરાયો અને એ બાદ મોડી રાતે હૉસ્પિટલમાં પોલીસે વિઝિટ કરી તેનું સ્ટેટમેન્ટ લીધું હતું. સવારે પરિવારના સભ્યોને એનસી બનાવી આપી દીધી હતી અને મારપીટ કરનારાઓને પણ છોડી મૂક્યા હતા. એથી મેં ટ્વિટર દ્વારા જોઇન્ટ સીપી વિશ્વાસ નાગરે પાટીલ, ડીસીપી સંગ્રામ સિંહ નિશાદાર, એસીપી સુનીલ બોંડેને ટ્વીટ કરી નિષ્પક્ષ કાર્યવાહી કરવા માટે માગણી કરી હતી.’

એ બાદ ઓશિવરા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સંજય બેંન્ડાલેએ તેમની ટીમને ઘટનાસ્થળે જઈને ત્યાંના સીસીટીવી ફુટેજ લાવવાનો નિર્દેશ આપ્યો હતો. ફુટેજ જોયા બાદ હકીકત સામે આવતા ઓશિવરા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી તેમ જ ઘટનાને ગંભીરતાથી લઈને તે બે વ્યક્તિ સામે આઇપીસીની ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૫૦૬, ૩૪ જેવી કલમ મુજબ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

mumbai mumbai news andheri juhu zomato preeti khuman-thakur