ઇન્ટરનૅશનલ નર્સ ડેએ ગિફ્ટ લેવા જતાં ગુજરાતી નર્સ છેતરાઈ

17 May, 2022 12:00 PM IST  |  Mumbai | Mehul Jethva

ઇન્સ્ટાગ્રામ પર થયેલા ફ્રેન્ડે ગિફ્ટની લાલચમાં તેને ફસાવીને ૧.૧૭ લાખ રૂપિયા પડાવી લીધા

પ્રતીકાત્મક તસવીર

સાઇબર ગઠિયાઓની ફરી એક વાર નવી મોડસ ઑપરેન્ડી સામે આવી છે. મુંબઈની મોટી હૉસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી ઘાટકોપરની ગુજરાતી યુવતીને ઇન્સ્ટાગ્રામ પર એક યુવાનનો મેસેજ આવ્યો હતો. તેણે યુવતીને વિશ્વ નર્સ દિવસ હોવાથી ગિફ્ટ મોકલવાનું કહેતાં યુવતી ગિફ્ટની લાલચમાં ફસાઈ હતી. એ પછી યુવતીને દિલ્હી ઍૅરપોર્ટથી એક યુવાનનો ફોન આવ્યો હતો. તેણે અલગ-અલગ ટૅક્સની માહિતી આપીને યુવતી પાસેથી ૧.૧૭ લાખ રૂપિયા પડાવ્યા હતા. એ પછી પણ કોઈ ગિફ્ટ ન આવતાં છેતરપિંડીનો શિકાર થયેલી યુવતીએ એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ઘાટકોપર-વેસ્ટમાં કામા લેન વિસ્તારમાં રહેતી અને અંધેરીની સેવનહિલ્સ હૉસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી વૈશાલી ઝાલાએ કરેલી ફરિયાદ અનુસાર ૧૨ મેએ બપોરે ૨.૩૦ વાગ્યે તેના ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટમાં એક યુવાનની ફ્રેન્ડ-રિક્વેસ્ટ આવી હતી, એ રિક્વેસ્ટ ઍક્સેપ્ટ કર્યાના થોડી સમયમાં જ એ યુવાનનો મેસેજ આવ્યો હતો. તેણે પોતાની ઓળખ ડૉ. એલ્વિન સ્મિત તરીકે આપી હતી. તેણે વૈશાલીને કહ્યું હતું કે આજે વિશ્વ નર્સ ડે છે એટલે હું તને એક ગિફ્ટ મોકલાવું છું. એ જ દિવસે સાંજે ૭.૪૫ વાગ્યે એક યુવાનનો ફોન વૈશાલીને આવ્યો હતો. તે યુવાને કહ્યું હતું કે હું દિલ્હી ઍરપોર્ટથી વાત કરું છું. તમારા માટે ગિફ્ટ આવી છે, પણ એ લેવા માટે તમારે પૈસા ભરવા પડશે, કારણ કે એ ગિફ્ટમાં પાઉન્ડના સ્વરૂપમાં પૈસા રાખ્યા છે.’ એ પછી ફરિયાદી યુવતીએ ૨૫,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. એ પછી ફરી વાર એ યુવાનનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે પૈસા મોટા પ્રમાણમાં ગિફ્ટ-બૉક્સમાં છે અને એના માટે તમારા પર કાર્યવાહી પણ થઈ શકે છે. આ કાર્યવાહીથી બચવા માટે તેણે ફરી વાર ૭૫,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. એમ કરતાં અન્ય બે ટ્રાન્ઝૅક્શનમાં કુલ ૧.૧૭ લાખ રૂપિયા મોકલી આપ્યા હતા. એ પછી પણ કોઈ ગિફ્ટ ન મળતાં તે છેતરપિંડીનો શિકાર થઈ હોવાની જાણ થતાં તેણે એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

એમઆઇડીસી પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘યુવતી ગિફ્ટની લાલચમાં આવી ગઈ હતી અને તેણે ગિફ્ટ મેળવવા ચાર ટ્રાન્ઝૅક્શનમાં સામેવાળી વ્યક્તિને રૂપિયા મોકલ્યા છે. હાલમાં અમે તેની ફરિયાદ નોંધીને તપાસ કરી રહ્યા છીએ.’  

mumbai mumbai news Crime News mumbai crime news cyber crime instagram ghatkopar mehul jethva