29 September, 2025 08:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બોરીવલી-વેસ્ટના એલ. ટી. રોડ પર સોની શૉપિંગ સેન્ટરમાં આવેલા કૃષ્ણ જ્વેલર્સમાં અજબ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. એક કપલ હાથચાલાકી કરીને દુકાનમાલિક ક્રિશ સોનીને ખોટા દાગીના પધરાવી ગયું હોવાનો ખુલાસો થયો હતો. આ કપલ દુકાનદારને ખોટા દાગીના પધરાવીને ૪.૨૪ લાખ રૂપિયાના સાચા દાગીના સેરવી ગયું હોવાની ફરિયાદ શનિવારે બોરીવલી પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. પુત્રનાં લગ્ન માટે દાગીના જોતાં હોવાનું કહીને એક મહિલા અને એક પુરુષ જ્વેલરી શૉપમાં પ્રવેશ્યાં હતાં. તેમણે સાચા દાગીનાની ખરીદી કરીને સાઇડમાં મૂક્યા હતા અને જૂના દાગીના બદલીમાં આપતાં હોવાનું કહીને પોતાની સાથે લાવેલા દાગીના દુકાનમાલિકને આપ્યા હતા. એ જ સમયે વાતોમાં ભોળવી હાથચાલાકી કરીને સાચા દાગીનાની થેલી કપલે પોતાની પાસે રાખી હતી અને ખોટા દાગીનાની થેલી દુકાનમાલિકને પધરાવી દીધી હતી. થોડી વારમાં બન્ને દુકાનની બહાર નીકળી ગયાં હતાં. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ બોરીવલીના બે જ્વેલર્સ સાથે આ પ્રકારની છેતરપિંડી થઈ હતી.
પોલીસ શું કહે છે?
બોરીવલી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મામલે અમે દુકાનમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજના માધ્યમથી આરોપીની ઓળખ કરવાની કોશિશ કરી રહ્યા છે. ઉપરાંત બીજા કેસો જે અમારી પાસે નોંધાયેલા છે એમાં પણ આ જ આરોપીઓ હતા કે શું એની પણ વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.’
કઈ રીતે થઈ છેતરપિંડી
ક્રિશ સોનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે બપોરે સાડાબાર વાગ્યાની આસપાસ એક મહિલા અને એક પુરુષ લગ્નના દાગીના ખરીદવા દુકાને આવ્યાં હતાં. તેમણે અનેક દાગીના જોયા બાદ એક નેકલેસ, કાનની બુટ્ટી અને વીંટીઓ એમ આશરે સાડાચાર લાખ રૂપિયાના દાગીના પસંદ કરીને સાઇડમાં મુકાવ્યા હતા. ત્યાર બાદ મહિલાએ જૂના દાગીના પોતાના બ્લાઉઝમાંથી કાઢીને મારા હાથમાં આપ્યા હતા. જૂના દાગીનાની બદલીમાં નવા દાગીના લેવાનું હોવાનું તેમણે કહ્યું હતું. એ અનુસાર અમે જૂના દાગીનાનું વજન કરતાં એ ૮ તોલા હતું, ઉપરાંત તમામ દાગીનામાં હોલમાર્ક હોવાથી એ દાગીના બાવીસ કૅરૅટના હોવાની ખાતરી થઈ હતી. એટલે અમે સાચા દાગીના તેમને આપ્યા હતા. અમે સાચા દાગીના તેને આપી જૂના દાગીનાની થેલી મારા હાથમાં લઈ લીધી હતી. એ દરમ્યાન મહિલાએ અમને વાતોમાં ભોળવીને સાચા દાગીનાની થેલી મારા હાથમાંથી લઈને પોતાના બ્લાઉઝમાં રાખી અને બ્લાઉઝની બીજી બાજુથી ખોટા દાગીનાની થેલી બહાર કાઢી મારા હાથમાં આપી દીધી હતી. ખોટા અને સાચા બન્ને દાગીના સેમ-ટુ-સેમ દેખાતાં હોવાથી મેં વધુ તપાસ ન કરી અને સાચા દાગીના તેમને આપી દીધા હતા. સાચા દાગીના લીધા બાદ બન્ને મારી દુકાનમાંથી નીકળી ગયાં હતાં. રાતે દુકાન બંધ કરતાં પહેલાં દાગીનાને હાથમાં લેતાં એના પર મને શંકા જણાઈ હતી એટલે મેં ફરી એક વાર દાગીનાની તપાસ કરી ત્યારે તમામ દાગીના ખોટા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. અંતે મેં ઘટનાની ફરિયાદ બોરીવલી પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. આ પહેલાં પણ બોરીવલી અને આસપાસના વિસ્તારના જ્વેલર્સ સાથે આ પ્રકારની છેતરપિંડી થઈ છે. કોઈ એક ગૅન્ગ આ રીતે કામ કરી રહી છે.’