રેલવેના બોગસ આઇડી કાર્ડ દ્વારા છેલ્લાં ૨૦ વર્ષથી પ્રવાસ કરતો ગુજરાતી વેપારી પકડાયો

20 September, 2022 11:02 AM IST  |  Mumbai | Mehul Jethva

ગુજરાતી વેપારીનું ગુજરાતના કલોલ વિસ્તારમાં મોટું કામ હોવાની માહિતી પોલીસે આપી છે

વેસ્ટર્ન રેલવેના કમર્શિયલ ડિપાર્ટમેન્ટની ફ્લાઇંગ સ્ક્વૉડના અધિકારીઓએ પરેશ પટેલને ચર્ચગેટથી મરીન લાઇન્સ જઈ રહ્યો હતો ત્યારે પકડ્યો હતો.

વેસ્ટર્ન રેલવેના કમર્શિયલ ડિપાર્ટમેન્ટની ફ્લાઇંગ સ્ક્વૉડે રેલવેના કર્મચારી તરીકે ઓળખ આપીને છેલ્લાં ૨૦ વર્ષથી લોકલ રેલવે અને લાંબા અંતરની ટ્રેનોમાં મફતમાં મુસાફરી કરી રહેલા એક ગુજરાતી વેપારીની ધરપકડ કરી છે. ગુજરાતી વેપારીનું ગુજરાતના કલોલ વિસ્તારમાં મોટું કામ હોવાની માહિતી પોલીસે આપી છે. આરોપીએ આશરે ૨૦ વર્ષ પહેલાં રેલવેનું બોગસ આઇડી કાર્ડ તૈયાર કર્યું હતું, જેના આધારે તે બિન્દાસ ટ્રેનોમાં મુસાફરી કરતો હતો.

વેસ્ટર્ન રેલવેના કમર્શિયલ ડિપાર્ટમેન્ટની ફ્લાઇંગ સ્ક્વૉડના ટ્રેન ટિકિટ એક્ઝામિનર (ટીટીઈ) અબ્દુલ અઝીઝ શુક્રવારે પોતાની ફરજ બજાવી રહ્યા હતા એ દરમ્યાન ચર્ચગેટથી મરીન લાઇન્સ વચ્ચે ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાં એક પ્રવાસી પાસે ટિકિટ માગતાં પોતે રેલવે-સ્ટાફ હોવાની માહિતી તેણે આપી હતી. એ પછી તેનું આઇડી કાર્ડ જોવા માગતાં તેણે રેલવે ડિપાર્ટમેન્ટનું આઇડી કાર્ડ બતાવ્યું હતું. એના પર 261950 પરેશ અરવિંદભાઈ પટેલ, પદ ક્લર્ક અને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં કાર્યરત હોવાનું લખેલું હતું. એ કાર્ડની સાથે વધુ માહિતી પરેશ પાસેથી માગતાં તેના જવાબો શંકાજનક લાગ્યા હતા. અંતે તેને ચર્ચગેટ રેલવે પોલીસ સ્ટેશને લઈ જઈને વધુ માહિતી પૂછવામાં આવતાં તેણે સ્વીકાર્યું હતું કે ૨૦ વર્ષ પહેલાં તેણે રેલવેમાં મફતમાં મુસાફરી કરવા માટે બોગસ આઇડી કાર્ડ તૈયાર કર્યું હતું.

ટીટીઈ અબ્દુલ અઝીઝે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેને મેં અટકાવ્યો ત્યારે તેણે રેલવે-સ્ટાફ હોવાનું કહ્યું હતું. એ પછી મેં તેની પાસે આઇડી કાર્ડ માગતાં તેણે મને વર્ષો જૂનું કાર્ડ બતાવ્યું હતું. આથી મને શંકા ગઈ હતી. એટલે મેં તેની પાસે સૅલેરી સંબંધી માહિતી માગી હતી જે તેની પાસે નહોતી. એ પછી મેં તેને ડિપાર્ટમેન્ટ સંબંધી માહિતી પૂછી હતી, જે શંકાજનક લાગી હતી. અંતે મેં વધુ માહિતી મારા સાથીઓની સાથે પૂછતાં એ બોગસ હોવાનું સામે આવ્યું હતું. એ પછી તેની સામે અમે ચર્ચગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’

ચર્ચગેટ રેલવે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિજય તાયડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી બોગસ આઇડી કાર્ડથી પોતે રેલવે અધિકારી હોવાનું કહીને વર્ષોથી રેલવેમાં મફત પ્રવાસ કરતો હતો. હાલમાં અમે આરોપીની ધરપકડ કરીને તેણે આ આઇડી કાર્ડનો ઉપયોગ  ક્યાં-ક્યાં કર્યો છે એની માહિતી લેવાની કોશિશ કરી રહ્યા છીએ.’ 

mumbai mumbai news indian railways Crime News mumbai crime news gujarat mehul jethva