ગુજરાતના મુખ્ય પ્રધાનને બીજેપીએ બતાવ્યો ડિંગો?

03 December, 2021 09:57 AM IST  |  Mumbai | Viral Shah

સીએમ બન્યા બાદ ગઈ કાલે પહેલી વાર મુંબઈ આવેલા ભૂપેન્દ્ર પટેલના માનમાં પાર્ટી તરફથી કોઈ કાર્યક્રમ રાખવામાં નહોતો આવ્યો કે તેમને મળવા માટે રાજ્ય બીજેપીના કોઈ સિનિયર નેતા પણ હાજર નહોતા રહ્યા

ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ બોમ્બે સ્ટૉક એક્સચેન્જ પણ ગયા હતા. (તસવીર : સુરેશ કરકેરા)

ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ ગઈ કાલે પહેલી વાર મુંબઈ આવ્યા હતા, પણ નવાઈની વાત એ હતી કે તેમની જ પાર્ટી તરફથી મુંબઈમાં કોઈ સ્વાગત સમારંભ રાખવામાં નહોતો આવ્યો કે રાજ્ય બીજેપીના એક પણ નેતા તેમને મળ્યા નહોતા. 
ગુજરાતના મુખ્ય પ્રધાન મુંબઈમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટને પ્રમોટ કરવા માટે આવ્યા હતા. આ પહેલાંના મુખ્ય પ્રધાનો પણ શહેરમાં આ ઇવેન્ટને પ્રમોટ કરવા આવતા હતા, પણ એ સમયે બીજેપીના નેતાઓ તેમના પડખે રહેતા જોવા મળતા હતા. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેઓ વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા આવવાનું આમંત્રણ આપવા મુંબઈ આવતા ત્યારે મુકેશ અંબાણીથી લઈને ટોચના ઇન્ડસ્ટ્રિયલિસ્ટ તેમ જ બીજેપીના ટોચના નેતાઓ આ ઇવેન્ટમાં હાજર રહેતા હતા. 
જોકે અચરજ કરતી વાત એ હતી કે ભૂપેન્દ્ર પટેલ મુખ્ય પ્રધાન તરીકે પહેલી વાર આવ્યા હોવા છતાં ઍરપોર્ટ પર મુંબઈ બીજેપીના અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢા અને બીજેપીની ગુજરાતી વિંગના અમુક નેતાઓ સિવાય કોઈ તેમને વેલકમ કરવા નહોતું ગયું. આ સંદર્ભમાં બીજેપીના એક નેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ગુજરાત ગવર્નમેન્ટ તરફથી માહિતી આપવામાં નહીં આવી હોય. જોકે આ નેતાએ સાથે-સાથે એ વાત પણ કબૂલી હતી કે પહેલી વાર મુંબઈ આવેલા મુખ્ય પ્રધાનને આવકારવા માટે પાર્ટીએ કાર્યક્રમ રાખવો જોઈતો હતો. બીજા એક નેતાએ કહ્યું હતું કે આગામી સુધરાઈના ઇલેક્શનને ધ્યાનમાં રાખતાં મુંબઈના ગુજરાતીઓને આ ખોટો મેસેજ ગયો છે.
આ બાબતે મુંબઈ બીજેપીના અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું ઍરપોર્ટ પર તેમને વેલકમ કરવા ગયો હતો. ગુજરાતના સીએમનું શેડ્યુલ એકદમ ટાઇટ હોવાથી અમે કોઈ કાર્યક્રમ નહોતો રાખ્યો, પણ પંદર જાન્યુઆરી બાદ તેમના વેલકમનો પ્રોગ્રામ મુંબઈમાં લેવામાં આવશે.’
ગઈ કાલે બિઝી શેડ્યુલની વચ્ચે ભૂપેન્દ્ર પટેલે સિદ્ધિવિનાયક મંદિરે જઈને ગણપતિબાપ્પાનાં દર્શન કર્યાં હતાં. જોકે એ પહેલાં તેઓ તાજ હોટેલમાં વાઇબ્રન્ટ સમિટની ઇવેન્ટ પતાવીને બૉમ્બે સ્ટૉક એક્સચેન્જમાં ગયા હતા.
જાણકારો ૧૫ જાન્યુઆરી બાદ ગોઠવવામાં આવનારા ભૂપેન્દ્ર પટેલના વેલકમના કાર્યક્રમને આગામી સુધરાઈની ચૂંટણી સાથે જોડીને જોઈ રહ્યા છે. 
આ બાબતે ગુજરાત સરકારમાં શિક્ષણપ્રધાન અને સરકારના પ્રવક્તા જિતુભાઈ વાઘાણીને પૂછતાં ‘મિડ-ડે’નો પ્રશ્ન સાંભળી લીધા બાદ તેમણે કહ્યું હતું કે ‘સાહેબ, તમે ‘મિડ-ડે’માંથી કોણ છો? કેવી રીતે છો? એ હું ફોન પર કેવી રીતે વાત કરું?’
ગુજરાતી બીજેપીના પ્રવક્તા યમલ વ્યાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારી કામે જતા હોય તો જાણ કરવી જરૂરી નથી હોતી. સામાન્ય રીતે આવી પ્રથા છે અને એટલે જ કદાચ જાણ નહીં કરી હોય.’ 
ગુજરાતના મુખ્ય પ્રધાન શહેરમાં હતા ત્યારે રાજ્ય બીજેપીના એક પણ નેતા તેમના કાર્યક્રમમાં નહોતા દેખાયા કે તેમના માટે બીજેપી તરફથી સ્વાગત સમારંભ પણ રાખવામાં નહોતો આવ્યો એવું બીજેપીના સિનિયર નેતા આશિષ શેલારને પૂછતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ બાબતે તમે રાજ્ય અથવા મુંબઈના પક્ષપ્રમુખને પૂછો.

mumbai mumbai news gujarat cm bhupendra patel bharatiya janata party