22 August, 2025 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, રાયગડ અને પાલઘર જિલ્લાઓના વેપારીઓ માટે સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટૅક્સિસ ઍન્ડ કસ્ટમ્સ (CBIC)એ જુલાઈ ૨૦૨૫ માટે ફૉર્મ GSTR-3B ફાઇલ કરવાની અંતિમ તારીખ ૨૭ ઑગસ્ટ સુધી લંબાવી છે. ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) કાઉન્સિલની ભલામણો પર CGST કાયદા ૨૦૧૭ની કલમ 39(6) દ્વારા આપવામાં આવેલી સત્તાઓ હેઠળ આ વિસ્તરણ મંજૂર કરવામાં આવ્યું છે. વેપારીઓએ આ રિટર્ન ૨૦ ઑગસ્ટ સુધીમાં ભરવાનું હતું.
આ રાહત મુજબ અસરગ્રસ્ત જિલ્લાઓના કરદાતાઓ જો નવી નિયત તારીખ સુધીમાં તેમનું જુલાઈ ૨૦૨૫ GSTR-3B ફાઇલ કરશે તો લેટ-ફી કે દંડ માટે જવાબદાર રહેશે નહીં. આ પગલું મુંબઈ મેટ્રોપૉલિટન રીજન અને નજીકના જિલ્લાઓમાં સતત વરસાદ અને ઠેર-ઠેર પૂરની પરિસ્થિતિ સર્જાવાથી લેવામાં આવ્યું છે જેને કારણે વ્યાવસાયિક કામગીરી, પરિવહન અને કનેક્ટિવિટીમાં વિક્ષેપ પડ્યો હતો. કાઉન્સિલે ભૂતકાળમાં કુદરતી આફતો અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ દરમ્યાન આવી છૂટછાટો આપી હતી.
આ બાબતની માહિતી આપતાં ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્રના અધ્યક્ષ જિતેન્દ્ર શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘GST કાઉન્સિલનો આ નિર્ણય કરદાતાઓ અને વ્યાપારજગતને બહુ રાહત આપનારો છે જે લોકો છેલ્લા થોડા દિવસથી સતત વરસાદથી પ્રભાવિત થયા છે. આ ત્વરિત અને સંવેદનશીલ નિર્ણય લેવા માટે અમે GST કાઉન્સિલના આભારી છીએ. આ પ્રકારનો નિર્ણય વેપારી સમુદાયમાં વિશ્વાસ વધારવાનું કામ કરે છે.’