14 March, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શહાપુર
થાણે જિલ્લામાં આવેલા શહાપુરમાં ગઈ કાલે ફાગણ સુદ તેરસ (ઢેબરા તેરસ)ના દિવસે શ્રી શત્રુંજય તીર્થધામ ભુવનભાનુ માનસ મંદિરમાં છ ગાઉ ભાવયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મુંબઈ સહિત રાજ્યના જુદા-જુદા ભાગોમાંથી હજારો ભાવિકો ચાલીને તથા બસ અને પ્રાઇવેટ વાહનોમાં આવ્યા હતા. આ તીર્થમાં બિરાજમાન મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનનાં દર્શન કરવા માટે દેરાસરમાં જગ્યા ઓછી પડી રહી હતી.
જૈન માન્યતા અનુસાર આ દિવસે શ્રીકૃષ્ણના પુત્રો સામ્બ અને પ્રદ્યુમ્ન અનશન સ્વીકારીને સાડાઆઠ કરોડ મુનિ સાથે શત્રુંજય (પાલિતાણા)માં આવેલા ભાડવા ડુંગર પરથી મોક્ષે ગયા હતા. એને લીધે હજારોની સંખ્યામાં જૈનો આ દિવસે સાડાઆઠ કરોડ લોકોને મુક્તિ અપાવનાર પવિત્ર ભાડવા ડુંગરને ભેટવા ઊમટી પડે છે. મુંબઈથી મોટી સંખ્યામાં લોકો પાલિતાણા જતા હોય છે, પરંતુ જે ભાવિકો ત્યાં નથી જઈ શકતા તેઓ પાલિતાણાની પ્રતિકૃતિનાં દર્શન કરવા શહાપુર આવતા હોય છે. મુંબઈમાં ગઈ કાલે અનેક જગ્યાએ પાલિતાણાની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી.