19 May, 2025 07:56 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
બનેશ્વર મહાદેવ મંદિર
પુણેથી ૩૫ કિલોમીટર દૂર જંગલમાં આવેલા બનેશ્વર મહાદેવ મંદિરમાં પુરુષોએ શર્ટ કાઢીને જ મંદિરમાં દર્શન કરવાનાં એવી પ્રથા થોડા મહિના પહેલાં શરૂ કરવામાં આવી હતી, પણ ગ્રામસભાએ આ નિર્ણયને રદ કરાવ્યો હતો. મંદિર ટ્રસ્ટે થોડા મહિના પહેલાં મંદિરમાં ડ્રેસકોડ લાગુ કર્યો હતો અને પુરુષોને શર્ટ કાઢીને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો હતો. આ નિર્ણયનો ગ્રામસભાએ વિરોધ કર્યો હતો. આ મુદ્દે પહેલી મેએ ગ્રામજનોએ ગ્રામસભામાં લેખિતમાં ફરિયાદ કરી હતી. એમાં જણાવવામાં આવ્યું હતું કે આ નવી પ્રથાને કારણે ભાવિકોને ત્રાસ થાય છે અને ઘણી વાર તો મહિલા ભાવિકો પણ અસ્વસ્થ થાય છે. આ મુદ્દે ગ્રામસભામાં સવિસ્તર ચર્ચા કરવામાં આવ્યા બાદ આ પ્રથાને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મંજૂર કરવામાં આવેલા ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે ભાવિકોમાં ભેદભાવ કર્યા વિના સમાન નિયમ લાગુ કરવામાં આવે અને હાલમાં સામાજિક સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને શર્ટ ઉતારીને દર્શન કરવાની પ્રથા અયોગ્ય છે. આ ઠરાવ મંદિર ટ્રસ્ટ અને ચૅરિટી કમિશનરને મોકલવામાં આવ્યો છે.