ઘાટકોપરના ગુજરાતી સિનિયર સિટિઝનને બે મહિના ડિજિટલ અરેસ્ટમાં રાખીને ત્રાટક્યા સાઇબર ગઠિયા

08 June, 2026 07:25 AM IST  |  Mumbai | Mehul Jethva

પહેલાં ૮૯૬૮ રૂપિયા બૅન્ક-અકાઉન્ટમાં પાછા મોકલીને વિશ્વાસ જીત્યો અને પછી ૧.૮૨+ કરોડ રૂપિયા પડાવી લીધા

AI ઇમેજ

ઘાટકોપર-ઈસ્ટના પંતનગરમાં રહેતા ૬૯ વર્ષના નિવૃત્ત ગુજરાતી સિનિયર સિટિઝનને ડિજિટલ અરેસ્ટના નામે ધમકાવીને ૧,૮૨,૬૧,૦૧૪ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ શુક્રવારે ઈસ્ટર્ન સાઇબર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. સાઇબર ગઠિયાઓએ સિનિયર સિટિઝનનો વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં તેમની પાસેથી લીધેલા ૮૯૬૮ રૂપિયા તેમના બૅન્ક-અકાઉન્ટમાં પાછા મોકલ્યા હતા અને ત્યાર બાદ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ ગુના માટે ગઠિયાઓએ તેમને ‘સિગ્નલ ઍપ્લિકેશન’ ડાઉનલોડ કરાવીને એના પર સુપ્રીમ કોર્ટના લોગોવાળો નકલી પત્ર અને ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારીની સહીવાળો નકલી ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) મોકલ્યા હતા. ત્યાર બાદ તેમને ૨૪ કલાક ડિજિટલ દેખરેખ હેઠળ રાખીને દર બે કલાકે પોતાનું સ્ટેટસ (લોકેશન અને ઍક્ટિવિટી) મોકલવા દબાણ કર્યું હતું એટલું જ નહીં, જીવનું જોખમ હોવાનું જણાવીને ગઠિયાઓએ ફરિયાદીનાં સેવિંગ્સ અકાઉન્ટ, પોસ્ટ-ઑફિસ, HDFC ડીમૅટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફન્ડની તમામ ગુપ્ત વિગતો જાણી લીધી હતી અને કોર્ટ-ફી તેમ જ વેરિફિકેશનના નામે અલગ-અલગ બૅન્ક-અકાઉન્ટમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.

શું હતો ઘટનાક્રમ?
 

ઘાટકોપર-ઈસ્ટમાં પંતનગરમાં પરિવારજનો સાથે રહેતા ૬૯ વર્ષના ગુજરાતી સિનિયર સિનિઝનને ૧૬ ફેબ્રુઆરીએ સવારે ૯ વાગ્યે બૅન્ગલોર સિટી પોલીસ સ્ટેશનના અધિકારીના નામે ઓળખ આપીને શિવાપ્રસાદ નામના ગઠિયાએ ફોન કરી કહ્યું હતું કે તમારા વૉટ્સઍપ પરથી મહિલાઓના અશ્લીલ ફોટો મોકલવામાં આવ્યા છે અને તપાસના નામે તેમની પાસેથી તેમનું આધાર કાર્ડ વૉટ્સઍપ પર મગાવી લીધું હતું.
 

આધાર કાર્ડ મેળવ્યા બાદ ગઠિયાઓએ દાવો કર્યો હતો કે તમારા નામે કૅનરા બૅન્કમાં એક નકલી ખાતું અને ATM કાર્ડ સક્રિય છે. ત્યાર બાદ ફોન બનાવટી સિનિયર ઇન્સ્પેક્ટર પ્રદીપ દીવાન નામના ગઠિયાને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તેણે ફરિયાદીને જણાવ્યું હતું કે સદાકાંત ખાન નામના આંતરરાષ્ટ્રીય ગુનેગારને દિલ્હી ઍરપોર્ટ પરથી પકડવામાં આવ્યો છે જેણે આ ખાતામાંથી ફિલિપીન્સ અને કમ્બોડિયામાં માનવતસ્કરીનાં ૩ કરોડ રૂપિયાનાં ૧૫૫ ટ્રાન્ઝૅક્શન કર્યાં છે. જોકે ફરિયાદીને કેસમાં ફસાવવા માટે એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગુનેગારે આ રૂપિયા પર ૧૦ ટકા કમિશન એટલે કે ૩૦ લાખ રૂપિયા તમને આપ્યા હોવાની કબૂલાત કરી છે જેથી કર્ણાટકના બૅન્ગલોરમાં તમારી સામે કેસ દાખલ થયો છે.
 બૅન્ક-અકાઉન્ટ્સની તપાસના નામે ગઠિયાઓએ ફરિયાદી પાસે સિગ્નલ ઍપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. એ પછી તેમનો વિશ્વાસ બેસાડવા એ ઍપ્લિકેશન પર કર્ણાટક સ્ટેટ પોલીસના લોગોવાળો અને IPS સીમાનાથ કુમાર સિંહની સહીવાળો બનાવટી FIR, સુપ્રીમ કોર્ટ ઑફ ઇન્ડિયાના લોગોવાળો નકલી પત્ર અને સદાકાંત ખાનની ધરપકડની નકલી કૉપી મોકલી આપ્યાં હતાં.
 

૧૭ ફેબ્રુઆરીએ પ્રવીણકુમાર નામના બનાવટી IPS અધિકારીએ વિડિયો-કૉલ કરીને ધમકી આપી હતી કે જો કોઈ માહિતી છુપાવશો તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ની કાર્યવાહી થશે અને તમને જેલમાં ધકેલી દેવામાં આવશે. એ પછી ફરિયાદી એટલા ડરી ગયા હતા કે ગઠિયાઓના કહેવા મુજબ તેઓ ઘરમાં બંધક બનવા માટે પણ તૈયાર થઈ ગયા અને દર બે કલાકે પોતાનું નામ, લોકેશન અને સ્ટેટસ મોકલતા રહેતા હતા.
 

સિગ્નલ ઍપ્લિકેશન પર ૧૭ ફેબ્રુઆરીથી ૨૦ એપ્ર‌િલ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને તેમને જીવનું જોખમ હોવાનું કહીને ગઠિયાઓએ ફરિયાદીનાં સેવિંગ્સ અકાઉન્ટ, પોસ્ટ-ઑફિસ ફન્ડ, HDFC ડીમૅટ અકાઉન્ટ, PPF અને મ્યુચ્યુઅલ ફન્ડની તમામ ગુપ્ત વિગતો મેળવી લીધી હતી. ત્યાર બાદ વેરિફિકેશન અને નિકિતા પંથ નામની ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (IRS) અધિકારીના કહેવાથી કોર્ટ-ફીની માગણી કરવામાં આવી હતી.
 

શરૂઆતમાં ફરિયાદી પાસેથી લીધેલી રકમમાંના ૮૯૬૮ રૂપિયા પાછા મોકલવામાં આવ્યા હતા. એ પછી ૧,૮૨,૬૧,૦૧૪ રૂપિયા RTGS દ્વારા અલગ-અલગ બૅન્ક-અકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.
 

ગઠિયાઓએ ખાતરી આપી હતી કે તપાસ પૂરી થયા બાદ ૧૫ એપ્રિલથી બાવીસમી મે દરમ્યાન તમામ રૂપિયા તમને પાછા મળી જશે. જોકે સમયમર્યાદા વીતી ગયા છતાં પૈસા પાછા ન મળતાં ફરિયાદીને છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો.
 

ફરિયાદીએ ગયા મહિનાના અંતે નૅશનલ સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ઑનલાઇન ફરિયાદ નોંધાવીને ગયા શુક્રવારે ઈસ્ટર્ન સાઇબર સેલમાં ઑફિશ્યલ ફરિયાદ નોંધાવી હતી.

બમ્બલ ઍપ પર પ્રેમજાળમાં ફસાવીને જાણીતી કંપનીના ડેપ્યુટી જનરલ મૅનેજર પાસેથી ૮૧.૯૭ લાખ પડાવી લેવાયા

ડેટિંગ ઍપ્લિકેશનના માધ્યમથી હની-ટ્રૅપ અને રોકાણના નામે છેતરપિંડી કર્યાનો વધુ એક કિસ્સો ચેમ્બુરમાં બન્યો હતો. ગોદરેજ કંપનીમાં ડેપ્યુટી જનરલ મૅનેજર તરીકે કામ કરતા અને ચેમ્બુરના ઘાટલા વિલેજમાં રહેતા ૪૦ વર્ષના કર્મચારીના ૮૧,૯૭,૦૦૦ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ ઈસ્ટર્ન સાઇબર સેલમાં નોંધાઈ હતી. સપ્ટેમ્બર ૨૦૨૫માં ફરિયાદીનો સંપર્ક બમ્બલ ઍપ્લિકેશન પર દિયા અગ્રવાલ નામની યુવતી સાથે થયો હતો જેણે પોતાને ગોલ્ડમૅન સાક્સ કંપનીની કર્મચારી અને ફૉરેક્સ ટ્રેડિંગની નિષ્ણાત ગણાવી હતી. પ્રેમ અને લગ્નની ખોટી જાળમાં ફસાવીને તેણે ફરિયાદી પાસે એક નકલી વેબસાઇટ લિન્ક પર ટ્રેડિંગ ખાતું ખોલાવ્યું હતું અને નફાની લાલચ આપીને અલગ-અલગ બૅન્ક-ખાતાંઓમાં ૭.૭૭ લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા એટલું જ નહીં, ત્યાર બાદ ઇમર્જન્સીના નામે વધુ ૧૧.૨૦ લાખ રૂપિયાની મદદ પણ મેળવી લીધી હતી. મે મહિનાના અંતમાં યુવતીએ સંપર્ક તોડી નાખતાં અને રોકાણ કરેલી રકમ વિધડ્રૉ ન થતાં સાઇબર છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું. અંતે પોલીસ-ફરિયાદ નોંધવામાં આવી હતી.

mumbai news mumbai chembur ghatkopar cyber crime mumbai police Crime News mumbai crime news gujaratis of mumbai gujarati community news