યુએસ વિઝાના નામે ગુજરાતી સાથે થયો ૮.૩૩ કરોડનો ફ્રૉડ

18 September, 2022 10:10 AM IST  |  Mumbai | Mehul Jethva

ઍટલાન્ટામાં ભણતી દીકરીના વિઝા રિન્યુ કરાવવા માટે છેતરપિંડીનો ભોગ બનનાર ઘાટકોપરના ગુજરાતીની અંતે પોલીસમાં ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

ઘાટકોપરમાં રહેતા એક ગુજરાતી વેપારીની પુત્રી ઍટલાન્ટામાં શિક્ષણ માટે ગઈ હતી. અભ્યાસ પૂરો થતાં તેણે એક વર્ષ હૉસ્પિટલમાં ડૉક્ટર તરીકે ફરજ બજાવી હતી. દરમ્યાન તેના વિઝાની મુદત એક્સપાયર થતાં તેને રિન્યુ કરાવવા માટે વેપારીએ મુંબઈમાં એક યુવક અને તેની સાથી નિશા દુસારાની મુલાકાત લીધી હતી, જેમણે અમેરિકાના ઇમિગ્રેશનમાં અને ઍટલાન્ટામાં પોતાની ઓળખ હોવાની માહિતી ગુજરાતી વેપારીને આપી હતી અને વિઝા મેળવી આપવાનો વાયદો કરી વેપારી પાસેથી આશરે ૮.૩૩ કરોડ રૂપિયા પડાવ્યા હતા. આટલા પૈસા આપ્યા પછી પણ વિઝા ન મળતાં અંતે વેપારીને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતાં તેમણે ટિળકનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ઘાટકોપર-ઈસ્ટમાં રાજાવાડી નજીક આવેલી એક હાઇરાઇઝ સોસાયટીમાં રહેતા ૬૬ વર્ષના જયેશ ઠક્કરે કરેલી ફરિયાદ અનુસાર ૨૦૦૯માં તેમની પુત્રી શ્રેયા ઍટલાન્ટામાં અભ્યાસ માટે ગઈ હતી. અભ્યાસ પૂરો થયા પછી તેણે એક વર્ષ ત્યાંની એક હૉસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરી હતી. જોકે ત્યાં વધુ રહેવા માટે વિઝાની જરૂર હતી અને શ્રેયાનો વિઝા એક્સપાયર થયો હતો. વિઝા મેળવવા માટે શ્રેયા કોઈ કન્સલ્ટન્ટની શોધમાં હતી એ દરમ્યાન જયેશભાઈ ચેમ્બુરની એક હોટેલમાં ૨૦૧૫માં આરોપી જય શાહને મળ્યા હતા. આ મીટિંગમાં જયેશભાઈની પુત્રી શ્રેયાને ઍટલાન્ટામાં નોકરી અને વર્ક પરમિટ મેળવી આપવાનો વાયદો આરોપી જયે કર્યો હતો.

જયેશભાઈએ ફરિયાદમાં કહ્યું કે આરોપી જય શાહે કહ્યું હતું કે અમેરિકાની કંપનીઓમાં તે સારું નેટવર્ક ધરાવે છે અને યુએસ ઍડ્મિનિસ્ટ્રેશનમાં તે સારા સંપર્કોનો ઉપયોગ કરી તેમની પુત્રીને ગ્રીન કાર્ડ મેળવી આપશે.’

૨૦૧૫થી ૨૦૨૨ સુધી કામ કરાવવાના બહાને આરોપીએ ફરિયાદી પાસેથી ૮.૩૩ કરોડ રૂપિયા લીધા હતા. એ પછી પણ શ્રેયાને ન તો નોકરી મળી હતી કે ન તો વર્ક પરમિટ મળી હતી. જ્યારે ફરિયાદીએ પૈસા પાછા માગ્યા ત્યારે આરોપીએ વચન આપ્યું કે તે રકમ પાછો આપશે.  જોકે મહિનાઓ સુધી પૈસા પાછા ન મળતાં અંતે વેપારીએ ટિળકનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ટિળકનગર પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જય શાહ અને નિશા દુસારાએ ફરિયાદીને પૈસા પાછા આપવાનો વાયદો કરી આરબીઆઇના બોગસ ડૉક્યુમેન્ટ અને પોતાની બૅન્કમાં પૈસા હોવાનું દેખાડવા માટે બોગસ બૅન્ક સ્ટેટમેન્ટ તૈયાર કર્યું હતું, જે ફરિયાદીએ ક્રૉસ ચેક કરતાં તમામ ડૉક્યુમેન્ટ બોગસ હોવાનું જણાયું હતું. અંતે પોતાની સાથે થયેલી છેતરપિંડીની જાણ થતાં તેમણે અમારી પાસે ફરિયાદ નોંધાવી છે.’

ટિળકનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુનીલ કાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમે બન્ને આરોપીઓ સામે છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ટિળકનગર પોલીસ-સ્ટેશનના તપાસ કરનાર ઇન્સ્પેક્ટર વિશાલ રાઠોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં કેસ નોંધી અમે તમામ તપાસ કરી રહ્યા છીએ. હાલમાં અમે આરોપીઓની શોધખોળ કરી રહ્યા છીએ. હજી સીધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.’

mumbai mumbai news Crime News mumbai crime news ghatkopar mehul jethva