ઘાટકોપરની ફેમસ ખાઉગલીના દિવસો ખરેખર ભરાઈ ગયા છે?

19 December, 2025 07:00 AM IST  |  Mumbai | Rohit Parikh

આ સમસ્યાના નિરાકરણ અને સ્થાનિક રહેવાસીઓના આંદોલનને સપોર્ટ કરવા માટે આજે ઘાટકોપર-ઈસ્ટના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય પરાગ શાહ રોડ પર ઊતરવાના છે. 

ગઈ કાલે સાંજના ફેરિયામુક્ત વલ્લભબાગ લેન. તસવીરો : સૈયદ સમીર અબેદી

છેલ્લા ઘણા દિવસથી મહાનગરપાલિકા ઍક્શનમાં આવીને ખાઉગલી બંધ કરાવે છે, પણ સુધરાઈની વૅન જાય એ પછી રાત્રે ૮ વાગ્યા બાદ ફેરિયાઓ આવી જાય છે : આ ન્યુસન્સથી ત્રાસેલા સ્થાનિક રહેવાસીઓ હવે આરપારની લડાઈ માટે સજ્જ થયા છે ત્યારે આજે વિધાનસભ્ય પરાગ શાહ પણ તેમની સાથે રોડ પર ઊતરવાના છે : અગાઉ પણ ઘણી વાર ખાઉગલી બંધ કરાવવાની કોશિશ થઈ છે, પણ આ વખતે આંદોલન ઉગ્ર લાગી રહ્યું છે અને સફળ થાય છે કે નહીં એના પર સૌની નજર છે

ઘાટકોપર-ઈસ્ટની વલ્લભબાગ લેન અને તિલક રોડ પર છેલ્લાં ૩૦ વર્ષથી વધુ સમયથી વિકસિત થયેલી ખાઉગલી હવે સ્થાનિક રહેવાસીઓ માટે ન્યુસન્સ બની જતાં સ્થાનિક રહેવાસીઓ એને સંપૂર્ણ બંધ કરાવવા માટે આંદોલનના મૂડમાં આવી ગયા છે. રહેવાસીઓની ઉગ્રતાની નોંધ લઈને છેલ્લા ૨૦ દિવસથી ઘાટકોપરના વિસ્તારને આવરી લેતા મહાનગરપાલિકાના N વૉર્ડના અધિકારીઓ ઍક્શનમાં આવીને ખાઉગલીને બંધ કરાવે છે. જોકે સ્થાનિક રહેવાસીઓની ફરિયાદ પ્રમાણે રાતના ૮ વાગ્યા બાદ મહાનગરપાલિકાની વૅન ગયા પછી ફરી ફેરિયાઓ પાછા મેદાનમાં આવી જાય છે. આ સમસ્યાના નિરાકરણ અને સ્થાનિક રહેવાસીઓના આંદોલનને સપોર્ટ કરવા માટે આજે ઘાટકોપર-ઈસ્ટના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય પરાગ શાહ રોડ પર ઊતરવાના છે. 

કાલે સાંજે તિલક રોડ પર તો ખાણીપીણીના ફેરિયાઓ બેઠા જ હતા.

સુધરાઈની વૅન જતી રહ્યા પછી કાલે રાત્રે વલ્લભબાગ લેનમાં પાછા આવી ગયેલા ફેરિયાઓ.

રહેવાસીઓની શું ફરિયાદ છે? 
સ્થાનિક રહેવાસીઓએ તેમની ફરિયાદમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વલ્લભબાગ લેન અને તિલક રોડ પર ફેરિયાઓ સતત કબજો કરી રહ્યા હોવાથી અમારા વિસ્તારમાં ત્રાસ ખૂબ જ વધી ગયો છે. બાળકો, વૃદ્ધો અને રોજિંદા ચાલતા લોકો માટે આ એક મોટી સમસ્યા બની ગઈ છે. કેટલીયે ફરિયાદો કર્યા છતાં આ મુદ્દાનું યોગ્ય નિરાકરણ હજી સુધી આવ્યું નથી. રોજિંદી અવરજવર મુશ્કેલ બને છે અને ટ્રાફિક-વ્યવસ્થા પણ બગડી રહી છે. હવે નાગરિકો કંટાળ્યા છે અને તેમણે ઘાટકોપરના સ્થાનિક સમજદારો, સંસ્થાઓ અને સત્તાધીશો પાસે આ ગંભીર મુદ્દાના તાત્કાલિક નિરાકરણ માટે અપીલ કરી છે. આ મુદ્દો હવે સમગ્ર વિસ્તારમાં આંદોલનમાં પરિવર્તિત થવાની તૈયારીમાં છે.’

મહાનગરપાલિકા શું કહે છે?
મહાનગરપાલિકાના N વૉર્ડના ઑફિસર ગજાનન બેલ્લારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમે રહેવાસીઓની ફરિયાદ પછી ફેરિયાઓને હટાવવા માટે ફુલ ઍક્શનમાં જ છીએ.

પરાગ શાહ શું કહે છે?
આજે રોડ પર ઊતરતાં પહેલાં પરાગ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે મહાનગરપાલિકાને અલ્ટિમેટમ આપી દીધું છે. જો તેઓ ઍક્શન લેવામાં વિલંબ કરશે તો અમે જનતા સાથે રહીને મહાનગરપાલિકાનો બહિષ્કાર કરીને એમની સામે જરૂરી પગલાં લઈશું.’

ફેરિયાઓ શું કહે છે?
અમે છેલ્લાં ૩૦થી ૪૦ વર્ષથી વલ્લભબાગ લેનમાં અમારો ધંધો કરીએ છીએ એમ જણાવતાં ફેરિયાઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા ૨૦ દિવસથી મહાનગરપાલિકાએ અમારો બિઝનેસ બંધ કરાવી દીધો છે જેને લીધે અમારી રોજીરોટી અને રોજગાર પર અસર થઈ છે. અત્યારે અમે જેના માટે ગુનેગાર નથી એની સજા અમને આપવામાં આવી રહી છે. અમે વર્ષોથી આ જ વિસ્તારમાં શાંતિપૂર્ણ ધંધો કરતા આવ્યા છીએ, પરંતુ લોકોની ગેરશિસ્તતા અને ટ્રાફિકના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતા હોવાથી તેમની સામે ઍક્શન લેવામાં નિષ્ફળ ગયેલી જનતા, પોલીસ અને મહાનગરપાલિકા હવે અમારા પર ઍક્શન લઈ રહી છે. નવાઈની વાત તો એ છે કે આમાં પણ ભેદભાવ કરવામાં આવે છે. આજે પણ તિલક રોડ પર અનેક ફેરિયાઓ બિન્દાસ ધંધો કરી રહ્યા છે.’

mumbai news mumbai ghatkopar political news gujaratis of mumbai gujarati community news mumbai police brihanmumbai municipal corporation bharatiya janata party