ઘાટકોપરના ગુજરાતી યુવાનની જેમ તમે પણ કોઈ ‘પૂજા શાહ’ના ચક્કરમાં ફસાઈ નહીં જતા

25 April, 2024 07:45 AM IST  |  Mumbai | Mehul Jethva

સેક્સટૉર્શનના કંઈકેટલાય કેસ બનતા હોવા છતાં હજીયે લોકોમાં જાગૃતિ નથીઃ ઘાટકોપરના યુવાને ગુમાવ્યા ૧,૫૬,૦૦૦ રૂપિયા અને પછી પોલીસમાં ફરિયાદ કરી

પ્રતીકાત્મક તસવીર

ઘાટકોપર-ઈસ્ટની એક સોસાયટીમાં રહેતા ૩૦ વર્ષના ગુજરાતી યુવકને ૨૧ એપ્રિલે બપોરે ફેસબુક પર પૂજા શાહ નામની યુવતીએ ફ્રેન્ડ-રિક્વેસ્ટ મોકલીને પોતાનો મોબાઇલ-નંબર આપ્યો હતો. ત્યાર બાદ તેણે વૉટ્સઍપ પર વિડિયો-કૉલ કરીને પોતાનાં વસ્ત્રો એક-એક કરીને ઉતાર્યાં હતાં. જોકે શું થઈ રહ્યું છે એ જાણવા જતાં પહેલાં જ વિડિયો-કૉલ પૂરો થઈ ગયો હતો. એ પછી થોડી જ વારમાં એક વ્ય​ક્તિએ યુવકને ફોન કરીને પોતે ક્રાઇમ બ્રાન્ચનો અધિકારી હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ વિડિયો-કૉલમાં મળેલો વિડિયો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર વાઇરલ કરવાની ધમકી આપીને તેની પાસેથી ૧,૫૬,૫૦૦ રૂપિયા પડાવ્યા હતા. એ પછી પણ વધુ પૈસાની ડિમાન્ડ કરવામાં આવતાં યુવકે પંતનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

યુવકે ગુજરાતી યુવતીની ફ્રેન્ડ-રિક્વેસ્ટ હતી એટલે સ્વીકારી હોવાનું જણાવીને પંતનગર પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ યુવક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. પૂજાની ફ્રેન્ડ-રિક્વેસ્ટ સ્વીકારીને બન્નેએ વાતો શરૂ કરી હતી અને ફોન-નંબર એક્સચેન્જ કર્યા હતા. પૂજાએ મેસેજમાં તેને ફોન-સેક્સ કરવાની ઇચ્છા છે એમ કહીને વિડિયો-કૉલ કર્યો હતો. ફોન ઉપાડતાંની સાથે જ તેણે યુવકને બાથરૂમમાં જવાનું કહ્યું હતું. ત્યાં યુવતીએ પોતાનાં તમામ કપડાં એક પછી એક કાઢીને યુવકને પણ કપડાં કાઢવા કહ્યું હતું. ત્યાર બાદ બાવીસ એપ્રિલે બપોરે એક વ્યક્તિએ યુવકને ફોન કરીને પોતાની ઓળખ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી હતી અને તમારી ફરિયાદ મને મળી હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત તેણે તમારો વિડિયો વાઇરલ થઈ જશે એમ જણાવીને એ વિડિયો વાઇરલ થતો અટકાવવા જજની ફી, વકીલની ફી, કેસ બંધ કરવાની ફી જેવાં કારણો આપીને ૧,૫૬,૫૦૦ રૂપિયા પડાવ્યા હતા.’

પંતનગર પોલીસે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટ, ખંડણી, સરકારી અધિકારી હોવાનું કહીને ધમકાવવા બદલ અજાણ્યા યુવક સામે ૨૩ એપ્રિલે ફરિયાદ નોંધી છે.

ghatkopar cyber crime Crime News mumbai mumbai news mehul jethva