News in Shorts: સરકાર કહે છે તંગી નથી, પણ ગ્રાઉન્ડ રિયલિટી જુદી દેખાય છે

13 March, 2026 09:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

News in Shorts: BESTએ બસ-સ્ટૉપ અને બસ-ડેપોમાં શૂટિંગ કરવાના ચાર્જિસમાં વધારો કર્યો અને વધુ સમાચાર

તસવીર : શાદાબ ખાન

નવી મુંબઈના કોપરખૈરણેમાં આવેલી ન્યુ પંચરત્ન રેસ્ટોરાંએ ગૅસ-સિલિન્ડરની અછતને કારણે ગઈ કાલે શટર પાડી દીધું હતું. બીજી તરફ ધારાવીમાં સિલિન્ડર લેવા માટે લોકોએ લાઇન લગાડી હતી.

પાંચ વર્ષ પહેલાં જ બની ગયેલી નવી મુંબઈની વેટરિનરી હૉસ્પિટલ આખરે ચાલુ થઈ

નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની જુઈનગરમાં આવેલી પ્રાણીઓ માટેની એકમાત્ર વેટરિનરી હૉસ્પિટલમાં હવે પાંચ વર્ષ બાદ બુધવારથી ઑપરેશનો ચાલુ કરવામાં આવ્યાં છે. ૬ કરોડ રૂપિયાના ખર્ચે ઊભી કરાયેલી એ હૉસ્પિટલ ૨૦૨૧માં જ રેડી થઈ ગઈ હતી, પણ એનું કામકાજ ચાલુ નહોતું કરવામાં આવ્યું. પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થાઓ દ્વારા આ બાબતે ઊહાપોહ મચાવવામાં આવ્યો હતો. એ પછી આખરે હવે પ્રાણીઓના ૩ ડૉક્ટર અને ૪ સ્ટાફ-મેમ્બર સાથે એ હૉસ્પિટલ ચાલુ કરવામાં આવી છે. જોકે એનું સત્તાવાર ઉદ્ઘાટન આ મહિનાના અંત સુધીમાં થવાની શક્યતા છે. અત્યાર સુધી ઘાયલ પશુ-પંખીઓને સારવાર કરાવવા થાણે લઈ જવાં પડતાં હતાં.

BESTએ બસ-સ્ટૉપ અને બસ-ડેપોમાં શૂટિંગ કરવાના ચાર્જિસમાં વધારો કર્યો

બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) દ્વારા એના બસ-ડેપો અને બસ-સ્ટૉપ પર ફિલ્મો અને સિરિયલોના શૂટિંગ માટે લેવામાં આવતા ચાર્જિસમાં વધારો કર્યો છે. પહેલાં ડેપોમાં શૂટિંગ કરવા માટે રોજના ૩.૯ લાખ રૂપિયા ચૂકવવા પડતા હતા એ હવે વધારીને  ૫.૮ લાખ રૂપિયા કરી દેવાયા છે, જ્યારે બસ-સ્ટૉપ પર શૂટિંગ કરવાના પહેલાં ૨.૧ લાખ રૂપિયા લેવાતા હતા એ વધારે ૩.૧ લાખ રૂપિયા કરી દેવાયા છે. આ વધારો પહેલી એપ્રિલથી અમલમાં આવશે.

ભચાઉના પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી

કચ્છના ભચાઉમાં ગુરુવારે વહેલી સવારે ચોપડવા બ્રિજ પાસે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી. એની પાસેના સ્ક્રૅપયાર્ડ સુધી એ આગ ફેલાઈ જતાં આ વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી. નગરપાલિકા અને બે પ્રાઇવેટ કંપનીઓની ફાયર-બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. રાહતની વાત એ છે કે કોઈને ઈજા નહોતી પહોંચી. 

mumbai mumbai news navi mumbai dharavi brihanmumbai electricity supply and transport kutch gujarat gujarat news