09 September, 2025 07:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૧૧ દિવસ સુધી ગણપતિબાપ્પાના હાથમાં મુકાયેલા મોદકની કિંમત હરાજીમાં ૧.૮૫ લાખ રૂપિયા બોલાઈ
અંબરનાથના ખાટુ શ્યામ ગણપતિ મંડળના ગણપતિબાપ્પાના હાથમાં રાખવામાં આવતા મોદકની દર વર્ષે હરાજી કરવામાં આવે છે. ભક્તોને શ્રદ્ધા છે કે બાપ્પાના હાથમાં મુકાયેલો પ્રસાદ લેવાથી નસીબનાં દ્વાર ખૂલે છે. બહુ શુભ મનાતા આ મોદકની હરાજીમાં આ વર્ષે અનામિકા ત્રિપાઠી નામની મહિલા ૧.૮૫ લાખ રૂપિયા આપીને આ પ્રસાદની હકદાર બની હતી.
છેલ્લાં ૧૧ વર્ષથી શ્રદ્ધાપૂર્વક હરાજીનું આયોજન કરતા મંડળના પ્રમુખ પ્રમોદકુમાર ચૌબેએ કહ્યું હતું કે ‘૧૧ વર્ષ પહેલાં કોઈ ભક્તની માનતા ફળી ત્યારે તેણે બાપ્પાના હાથમાં મોદક મૂક્યો હતો અને ૭૦૦૦ રૂપિયા આપીને એ જ મોદક પ્રસાદ તરીકે પાછો લીધો હતો. ત્યારથી આ પરંપરા શરૂ થઈ છે. આ એક મોદક ૨.૨૫થી ૩.૨૫ કિલો સુધીનો ડ્રાયફ્રૂટ્સથી ભરપૂર હોય છે.’
બાપ્પાના હાથમાં મુકાયેલા મોદકમાં તેમના આશીર્વાદ હોવાનું માનીને લોકો દર વર્ષે હવે આ હરાજીમાં ભાગ લઈને બાપ્પાના આશીર્વાદ મેળવવા માટે તલપાપડ થાય છે.