જીએસટીથી બાપ્પા પોતે હેરાન હોય, ત્યારે ભક્તો જાય તો કોની પાસે જાય?

18 August, 2022 09:09 AM IST  |  Mumbai | Mehul Jethva

૧૮થી ૨૦ ટકા લાગતા ટૅક્સને કારણે ગણ​પતિબાપ્પા માટે ખરીદવામાં આવતી તમામ વસ્તુઓ થઈ મોંઘી

ફાઇલ તસવીર

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા ગુડ્સ ઍન્ડ સર્વિસિ​સ ટૅક્સ (જીએસટી)ને કારણે ગણેશોત્સવ નિમિત્તે કરવામાં આવતી ખરીદીમાં તમામ વસ્તુઓ મોંઘી થતી હોવાનું જોવા મળી રહ્યું છે. ગણેશભક્તોનું કહેવું છે કે ગણેશોત્સવ દરમ્યાન ખરીદવામાં આવતા મસાલા, મીઠાઈ તેમ જ નાળિયેરના ભાવમાં ગયા વર્ષની સરખામણીએ દસથી વીસ રૂપિયાનો વધારો થયો છે. ડેકોરેટિવ મટીરિયલ્સ પર ૧૮ ટકા અને અહેવાલ પ્રિ​ન્ટિંગમાં ૧૨ ટકા સાથે ગણેશોત્સવ દરમ્યાન લાગતી કેટલીક ચીજો પર જીએસટી લાદવામાં આવતાં અહીં જીએસટીનું ગ્રહણ જોવા મળી રહ્યું છે.

બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સંકલન સમિતિના અધ્યક્ષ નરેશ દહિબાવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોના બાદ બે વર્ષ પછી મંડળો ગણેશોત્સવ ધામધૂમથી કરવાનાં છે. હાલમાં ભેગા થતા ફાળાની રકમ પણ પહેલાંનાં વર્ષો કરતાં અડધા જેવી છે. બીજી બાજુ ગણેશોત્સવની સજાવટ, મંડપનું ડેકોરેશન, ફ્લેક્સ જેવી ચીજો પર ૧૨થી ૧૮ ટકા જીએસટી લાદવામાં આવ્યો છે. એવામાં મંડળો પાસે ભેગા થતા ભંડોળમાંથી ૨૦ ટકા જેવી રકમ ટૅક્સમાં ચૂકવવી પડી રહી છે. એ જોતાં અમે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે ગણેશોત્સવ પર જીએસટીની છૂટ આપવામાં આવે એવી માગણી કરી છે.’

ઘાટકોપર-ઈસ્ટના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા પરાગ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા ઘરે છેલ્લાં આઠ વર્ષથી ગણપતિ આવે છે જેના માટે મારા પરિવારના સભ્યો સાથે હું પણ બહુ જ ઉત્સુક હોઉં છું. જોકે આ વર્ષે તમામ ચીજો પહેલાં કરતાં મોંઘી જોવા મળી રહી છે. પહેલાં ડેકોરેશન ૧૦થી ૧૨ હજાર રૂપિયામાં થતું હતું. હવે એનો ૧૭થી ૨૦ હજાર રૂપિયા ખર્ચ આવી રહ્યો છે. ગણપતિના તહેવારનો ઉત્સાહ તો છે જ, પણ આ મોંઘવારીમાં દરેક ખર્ચ પાછળ બહુ જ વિચારવું પડી રહ્યું છે. ગવર્નમેન્ટે હાલમાં ગણેશોત્સવ માટે વપરાતી ચીજો પર જીએસટીમાં રાહત આપવી જોઈએ.’

મલાડ-વેસ્ટમાં ભાદરણનગર યુથ મંડળના અધ્યક્ષ દીપક જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રના આરાધ્યદેવ ગણાતા ગણપતિબાપ્પાના તહેવારની બે વર્ષ પછી જોરશોરથી ઉજવણી થવાની છે ત્યારે સેન્ટ્રલ ગવર્નમેન્ટ તરફથી વધેલા જીએસટીને કારણે અમારા મંડળને તમામ ખર્ચ પાછળ મોટો વધારો જોવા મળી રહ્યો છે. ડેકોરેશન-ખર્ચ અને મૂર્તિના કૉ​​સ્ટિંગ પાછળ મોટો વધારો થવાથી અમે આ વર્ષે નાની મૂર્તિ લેવાનો વિચાર કર્યો છે, જેથી અમારો ખર્ચ બચી શકે. કોરોના પહેલાં અમને ફાળા માટે લોકોને કન્વિન્સ નહોતા કરવા પડતા, પણ હાલ અમારે લોકોને કન્વિન્સ કરવા પડે છે. સેન્ટ્રલ ગવર્નમેન્ટ જીએસટી ઘટાડે તો ગણેશોત્સવ વધુ જોરશોરથી થઈ શકે.’

mumbai mumbai news ganpati ganesh chaturthi mehul jethva