25 January, 2025 08:05 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પ્રયાગરાજમાં સંગમમાં ડૂબકી લગાવતી મમતા કુલકર્ણી.
મમતા કુલકર્ણીએ સંન્યાસ લઈ લીધો છે અને આ જાહેરાત તેણે પ્રયાગરાજના મહાકુંભમાં કરી છે. તે કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બની છે અને પટ્ટાભિષેક પછી તેને નવું નામ શ્રી યામાઈ મમતા નંદગિરિ આપવામાં આવશે.
થોડા દિવસો પહેલાં જ મમતા કુલકર્ણી ભારત પાછી ફરી હતી. તે પ્રયાગરાજમાં ગઈ હતી અને સંન્યાસી બનતાં પહેલાં પોતાનું પિંડદાન પણ કર્યું હતું. તેને જૂના અખાડાનાં આચાર્ય લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ દીક્ષા આપી હતી. હાલમાં તે કિન્નર અખાડામાં જ રોકાઈ છે.
તેણે સંન્યાસ લીધા બાદ ભગવાં વસ્ત્રો ધારણ કરી લીધાં છે.
૧૯૯૨માં સુપરહિટ ફિલ્મ ‘તિરંગા’થી ફિલ્મી કરીઅરની શરૂઆત કરનારી મમતા કુલકર્ણીએ ૪૦ જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની ફિલ્મોમાં ‘આશિક આવારા’, ‘કરણ અર્જુન’, ‘વક્ત હમારા હૈ’ અને ‘ક્રાન્તિવીર’ જેવી કેટલીક મોટી ફિલ્મોનો સમાવેશ છે. ૨૦૦૧માં આવેલી ‘છુપા રુસ્તમ’ તેની છેલ્લી હિટ ફિલ્મ રહી હતી. ૨૦૦૨માં ‘કભી હમ, કભી તુમ’ બાદ તે બૉલીવુડને અલવિદા કરીને કેન્યા જતી રહી હતી. મમતાએ હિન્દી ઉપરાંત કન્નડા, તેલુગુ, બાંગલા અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
૨૪ વર્ષ બાદ તે ભારત પાછી ફરી છે. આટલાં વર્ષો તે ક્યાં હતી એવા સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે ‘હું અધ્યાત્મને કારણે ભારતથી બહાર જતી રહી હતી. ૧૯૯૬માં મને અધ્યાત્મ પ્રત્યે લગાવ થયો અને મારી મુલાકાત ગુરુ ગગનગિરિ મહારાજ સાથે થઈ. ત્યાર બાદ મારી તપસ્યા શરૂ થઈ. હું માનું છું કે બૉલીવુડે મને નામ અને સફળતા આપ્યાં છે, પણ એનો સાથ પણ છૂટી ગયો. ૨૦૦૦થી ૨૦૧૨ સુધી હું તપસ્યા કરતી રહી. હું ઘણાં વર્ષો દુબઈમાં પણ હતી અને બે બેડરૂમના રૂમમાં રહેતી હતી. બાર વર્ષ સુધી હું બ્રહ્મચારી રહી હતી.’
મમતા કુલકર્ણી ગૅન્ગસ્ટર વિકી ગોસ્વામી સાથે રિલેશનશિપમાં હતી.