ન કહેવાય, ન સહેવાય

01 August, 2021 08:49 AM IST  |  Mumbai | Rohit Parikh

થાણે અને નવી મુંબઈ સુધરાઈએ કોરોનાની ત્રીજી વેવનો ભય બતાવીને લેવલ-થ્રીનાં નિયંત્રણોમાં કોઈ જ છૂટછાટ ન મૂકતાં વેપારીઓની આવી હાલત થઈ : નવી મુંબઈના વેપારીઓએ આપી આંદોલન કરવાની ચીમકી

થાણેનાં બધાં જ વેપારી સંગઠનોએ સાથે મળીને કલેક્ટરની ઑફિસની સામે સમયનાં નિયંત્રણો હટાવવાની માગણી સાથે થોડા દિવસ પહેલાં આંદોલન કર્યું હતું.

નવી મુંબઈ અને થાણેમાં કોરાનાની પરિસ્થિતિ લેવલ-ટૂમાં હોવા છતાં ગઈ કાલે થાણે મહાનગરપાલિકા અને નવી મુંબઈ મહાનગરપાલિકાએ કોરાનાની ત્રીજી વેવનો ભય બતાવીને લેવલ-થ્રીનાં નિયંત્રણોમાં કોઈ જ છૂટછાટ મૂકી નથી. એને પરિણામે થાણે અને નવી મુંબઈના વેપારીઓની હાલત ન કહેવાય, ન સહેવાય જેવી થઈ ગઈ છે. આ વેપારીઓને આશા હતી કે તહેવારોના દિવસોમાં સરકાર અને મહાનગરપાલિકા લેવલ-થ્રીનાં નિયંત્રણો હળવાં કરીને તહેવારોના બિઝનેસને પુશ-અપ આપશે. તેમની એ આશા પર પાણી ફરી વળ્યું છે. મહાનગરપાલિકાના ગઈ કાલના નવા આદેશથી તહેવારોના દિવસોમાં હપ્તાખોરીને જબરદસ્ત પ્રોત્સાહન મળશે એવી આશંકા વેપારીઓની સતાવી રહી છે. આજે થાણેનાં બારથી વધુ સંગઠનો સાથે મળીને આ મુદ્દે આગળની રણનીતિ નક્કી કરશે. નવી મુંબઈ વ્યાપારી મહાસંઘે મહાનગરપાલિકા નિયમો હળવા નહીં કરે તો ઉગ્ર આંદોનલની ગઈ કાલે ચીમકી આપી હતી.

થોડા દિવસ પહેલાં થાણેનાં બધાં જ વેપારી સંગઠનોએ સાથે મળીને કલેક્ટરની ઑફિસની સામે સમયનાં નિયંત્રણો હટાવવાની માગણી સાથે આંદોલન કર્યું હતું. એમાં સરકાર જો રાતના આઠ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી નહીં આપે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી. જોકે મહાનગરપાલિકાના અધિકારીઓ પર વેપારીઓની ચીમકીની કોઈ જ અસર થઈ નહોતી. ગઈ કાલે થાણે મહાનગરપાલિકાએ કોરાનાની ત્રીજી વેવની આશંકા દર્શાવીને અત્યારે લાદેલાં નિયંત્રણોમાં કોઈ છૂટછાટ આપી નહોતી. એનાથી વેપારીઓમાં નારાજગી પ્રવર્તી છે.

છેલ્લા દોઢ વર્ષથી કોરાના મહામારીના નામ પર સરકાર વેપારીઓને દુકાનો બંધ રાખવા મજબૂર કરી રહી છે અને એને કારણે વેપારીઓની આર્થિક પરિસ્થિતિ દિનપ્રતિદિન નબળી થતી જાય છે એમ જણાવતાં થાણે જિલ્લા હોલસેલ વ્યાપારી વેલ્ફેર મહાસંઘના અધ્યક્ષ સુરેશ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રોજ સવારે રાજનેતાઓનાં સકારાત્મક નિવેદનો વેપારીઓમાં એક નવી આશા જન્માવે છે. જોકે મહાનગરપાલિકાનો નવો નિર્દેશ બહાર પડે ત્યારે એ આશા પર પાણી ફરી વળે છે. રાજનેતાઓ રોજ સવાર પડે એટલે નિવેદનો બહાર પાડે છે કે અત્યારનાં નિયંત્રણો હળવા થશે અને વૅક્સિનના બે ડોઝ લીધા હશે તેમને મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા મળશે. જોકે ગઈ કાલે આ બધાં જ નિવેદનોનો ફિયાસ્કો થઈ ગયો હતો અને કોઈ પ્રકારની છૂટછાટ મળી નહોતી.’

ગઈ કાલે થાણે મહાનગરપાલિકા તરફથી બહાર પાડવામાં આવેલા નિર્દેશોથી વેપારીઓમાં જબરદસ્ત હતાશા ફેલાઈ છે એમ જણાવતાં નવપાડા વ્યાપારી મહાસંઘના અધ્યક્ષ મિતેષ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમારી નવી રણનીતિની જાહેરાત અમે આજે થાણેના બારથી વધુ વેપારી મહાસંઘો સાથે મળીને કરીશું.

અમારાં દુખ કોની પાસે રડવાં એ જ અમને સમજાતું નથી એમ જણાવતાં થાણે વ્યાપારી ઉદ્યોગ મહાસંઘના સેક્રેટરી ભાવેશ મારુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે કોરાનાની પરિસ્થિતિ થાણેમાં હળવી છે. આમ છતાં મહાનગરપાલિકાના નિર્ણયથી અમને આંચકો લાગ્યો છે. એમાં મહારાષ્ટ્રમાં મહાપૂરની હાલત હોવાથી અમારા થાણેના મેયર અને અન્ય અધિકારીઓ ત્યાં બિઝી છે. આમ છતાં અમે સોમવારે થાણેના કમિશનર સાથે બેસીને ફરી એક વાર અમને દુકાનો રાતના આઠ વાગ્યા સુધી ખુલ્લી રાખવા મંજૂરી આપે એવી વિનંતી કરીશું. અમે સરકાર અને મહાનગરપાલિકાની સાથે રહીને કોરાના સામે લડવા માટે તૈયાર છીએ, પરંતુ એની સાથે આર્થિક રીતે ઢીલા ન પડીએ એ પણ અમારે જોવાનું છે.’

મહાનગરપાલિકાનાં નિયંત્રણો હપ્તાખોરીને પ્રોત્સાહન આપે છે એમ જણાવતાં થાણેના અમુક દુકાનદારોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી હાલત ન કહેવાય, ન સહેવાય એવી છે. અમે કહેવા જઈએ તો પણ અમારા પગ પર કુહાડી મારવા સમાન છે. અત્યારે જે દુકાનદારો મહાનગરપાલિકા અને પોલીસને હપ્તા આપે છે એ બધા જ દુકાનદારો સમયની પાબંદી વગર બિન્દાસ બિઝનેસ કરે છે. ત્યાં ત્રીજી વેવનો કોઈને ડર નથી. ઑફિશ્યલી દુકાનો રાતના આઠ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં અમારા કમિશનરને કોરાનાના ત્રીજી વેવની આશંકા દેખાય છે.  આ તે કેવો ન્યાય?’

અત્યારે અમે મહારાષ્ટ્રના મહાપૂરના અસરગ્રસ્તોને સહાય પહોંચાડવામાં બિઝી છીએ એમ જણાવતાં નવી મુંબઈ વ્યાપારી મહાસંઘના અધ્યક્ષ પ્રમોદ જોષીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આમ છતાં ગઈ કાલે જ અમે નવી મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરને નિયંત્રણો હળવાં કરવા કહ્યું છે. જો કમિશનર શાનમાં નહીં સમજે તો અમે ઉગ્ર આંદોલનની તૈયારીમાં છીએ. સરકાર અને મહાનગરપાલિકા બન્ને વેપારીઓની વણસી રહેલી હાલત પર વિચારવા જ તૈયાર નથી. પહેલાં કોરોના કેસ વધી રહ્યા હોવાનો ડર બતાવતા હતા અને હવે ત્રીજી વેવનો ડર બતાવે છે. વેપારીઓ દેવાંમાં ડૂબીને વગર કોરોનાએ મરી જશે એની પ્રશાસનને ચિંતા જ નથી.’

mumbai mumbai news thane navi mumbai rohit parikh