કાંદાના ભાવ ગગડતાં ખેડૂતોની નિકાસબંધી હટાવવાની માગણી

08 December, 2020 09:54 AM IST  |  Nashik | Gujarati Mid-day Correspondent

કાંદાના ભાવ ગગડતાં ખેડૂતોની નિકાસબંધી હટાવવાની માગણી

ગયા મહિને કાંદાએ લોકોને રડાવ્યા બાદ નાશિકની બજારમાં કાંદાની મબલક આવક થતાં ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. ૭૦ રૂપિયે મળતા કાંદા હવે ૧૦થી ૩૦ રૂપિયે કિલો મળતા થવાથી હજી ભાવ ગગડવાની શક્યતા જોઈને ખેડૂતોએ કાંદાની નિકાસ પર મુકાયેલો પ્રતિબંધ હટાવી લેવાની માગણી કરી છે. નિકાસ નહીં કરવા દેવાય તો કાંદા ઉત્પાદક ખેડૂતો મુશ્કેલીમાં મુકાવાની શક્યતા હોવાનું તેમણે કહ્યું છે. સરકાર નિકાસબંધી નહીં હટાવે તો ખેડૂતોએ બજાર સમિતિ બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

કાંદાનું બમ્પર ઉત્પાદન થવાથી ખેડૂતોનો ખર્ચ પણ નીકળતો નથી. નવા કાંદા જલદી ખરાબ થઈ જાય એવા હોવાથી સસ્તામાં વેચવા પડે છે. ઉપરાંત કાંદાના ભાવ અચાનક વધી જવાથી સરકારે મોટા પ્રમાણમાં કાંદાની આયાત કરી હતી એ પણ હજી પડ્યા હોવાથી આગામી સમયમાં કાંદાના ભાવમાં હજી ઘટાડો થવાની શક્યતા છે. આથી સરકાર જો કાંદાની નિકાસ પરની બંધી દૂર કરે તો ખેડૂતોને થોડોક આર્થિક લાભ થઈ શકે છે.

કાંદાની ખેતી કરતા ખેડૂતોની સ્થિતિ અને દબાણને ધ્યાનમાં રાખીને

બીજેપીનાં સંસદસભ્ય ભારતી પવારે કેન્દ્ર સરકારને કાંદાની નિકાસબંધી હટાવવાની સાથે સ્ટૉક મર્યાદા દૂર કરવાની માગણી કરી હતી.

કૃષિ બિલના વિરોધમાં આજે ખેડૂતોએ ભારત બંધ પોકાર્યું છે ત્યારે નાશિક જિલ્લામાં કાંદાના સતત ઘટી રહેલા ભાવની સમસ્યા નહીં ઉકેલાય અથવા તો સરકાર એમાં હસ્તક્ષેપ નહીં કરે તો સરકારે કાંદા ઉત્પાદક ખેડૂતોના રોષનો સામનો કરવો પડશે.

nashik maharashtra onion prices