ખેડૂતોના વિશાળ આંદોલનમાં શિવસેના કેમ સામેલ ન થઈ?

26 January, 2021 09:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખેડૂતોના વિશાળ આંદોલનમાં શિવસેના કેમ સામેલ ન થઈ?

ગઈ કાલે આઝાદ મેદાનથી રાજભવન રાજ્યપાલને મેમોરેન્ડમ આપવા જઈ રહેલાં ખેડૂતોની જનમેદનીને રોકી રહેલી પોલીસ (તસવીર: પી.ટી.આઈ.)

મહારાષ્ટ્રના ૧૨ જિલ્લાના ૬૦૦૦ જેટલા ખેડૂતો ગઈ કાલે મુંબઈમાં પહોંચ્યા હતા ત્યારે મહાવિકાસ આઘાડી સરકારના સાથી પક્ષો એનસીપી અને કૉન્ગ્રેસના નેતાઓ આઝાદ મેદાનમાં પહોંચ્યા હતા, પણ શિવસેનાના એકેય નેતા ફરક્યા નહોતા. મહાવિકાસ આઘાડી સરકારે ખેડૂતોના આ આંદોલનને ટેકો જાહેર કર્યો હોવા છતાં શિવસેનામાંથી કોઈ એમાં સામેલ ન થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. શરદ પવારે કોવિડને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને આંદોલનથી દૂર રહેવાની સલાહ આપી છે, પણ શિવસેનાના બીજા નેતાઓ કેમ સામેલ ન થયા એવો સવાલ ચર્ચાઈ રહ્યો છે.

આ વાતને પકડીને વિધાન પરિષદના વિરોધી પક્ષ નેતા પ્રવીણ દરેકરે શિવસેના ખેડૂતના આંદોલન સાથે છે કે કેમ એ વિશે સ્પષ્ટતા કરવાનું કહ્યું હતું. ખેડૂતોના આંદોલનમાં શિવસેનાની ભૂમિકા શું છે એ સ્પષ્ટ કરવું જોઈએ. હવે શિવસેના પહેલાં જેવી રહી નથી. શરદ પવારે મુખ્ય પ્રધાનને મોરચામાં ન જવાનું કહ્યું હોવાની શક્યતા છે. પવારની આ સલાહ સમજતાં વાર લાગશે. આથી મુખ્ય પ્રધાન જ નહીં શિવસેનાના એકેય નેતા આ આંદોલનમાં ફરક્યા નહીં. કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોનાં હિત વિચારનાર સરકાર છે, પણ કેટલાક રાજકીય પક્ષ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખેડૂતોની આડમાં પોતાની રોટલી પકાવી રહ્યા છે.

રવિવારે રાત્રે મહારાષ્ટ્રના ૧૨ જિલ્લાના ૬૦૦૦ જેટલા ખેડૂતોનો મોરચો આઝાદ મેદાનમાં ૫૦૦ વાહનોમાં પહોંચ્યો હતો. દિલ્હીમાં બે મહિનાથી કેન્દ્ર સરકારે લાવેલા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં આ ખેડૂતો ત્રણ દિવસ મુંબઈમાં વિરોધ-પ્રદર્શન કરવા ગઈ કાલે સવારે પહોંચ્યા હતા.

રાજ્યપાલના નામે રાજકારણ

આઝાદ મેદાનમાં એકત્રિત થયેલા ખેડૂતોના આગેવાન ૨૩ લોકોનાં નામ રાજભવનમાં ગઈ કાલે રાજ્યપાલને મળવા માટે મોકલાયા હતા. રાજભવનના અધિકારી આ  નેતાઓને મળીને તેમનું નિવેદન સ્વીકારશે એવી સ્પષ્ટતાનો પત્ર પ્રકાશ શેટ્ટીના નામે અપાયો હતો. આમ છતાં ખેડૂતોએ રાજભવન તરફ કૂચ કરી હતી. અહીં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ન હોવાની જાણ થતાં શરદ પવારે તેમની પાસે કંગના રનોટને મળવાનો સમય છે, પણ ખેડૂતો માટે ટાઇમ નથી એમ કહ્યું હતું. ત્યાર બાદ કેટલાક ખેડૂત આગેવાન આઝાદ મેદાનથી રાજભવન તરફ ગયા હતા અને રાજ્યપાલ હાજર ન હોવાથી તેમણે આવેદનની નકલો ફાડીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું.

અંબાણી-અદાણીની પ્રોડક્ટના બહિષ્કારની અપીલ

મુંબઈમાં કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના આગેવાનોએ અંબાણી અને અદાણી કંપનીની પ્રોડક્ટનો બહિષ્કાર કરવાની અપીલ ખેડૂતોને કરી હતી. કિસાન નેતા અશોક ઢવલેએ મોદી સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારે અદાણી અને અંબાણીને ફાયદો પહોંચાડવા ત્રણ કાળા કાયદા લાવી છે. દેશના બધા ખેડૂતોએ આ બન્ને કંપનીની પ્રોડક્ટનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી.

mumbai mumbai news maharashtra shiv sena