મુંબઈ હાઇવે પર દહાણુ-તલાસરીના 10,000 ખેડૂતોએ કર્યું રસ્તા-રોકો આંદોલન

26 September, 2020 10:40 AM IST  |  Mumbai | Gaurav Sarkar

મુંબઈ હાઇવે પર દહાણુ-તલાસરીના 10,000 ખેડૂતોએ કર્યું રસ્તા-રોકો આંદોલન

કૃષિ બિલના વિરોધમાં ગઈ કાલે ખેડૂતોએ મુંબઈ-અમદાવાદ હાઇવેને બ્લૉક કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. તસવીર : સતેજ શિંદે

કૃષિ ક્ષેત્રમાં સુધારા માટે ગયા અઠવાડિયે રાજ્યસભામાં પસાર કરવામાં આવેલા ખરડાના રાષ્ટ્રીય સ્તરે વિરોધના એલાનના પ્રતિસાદ રૂપે ગઈ કાલે સમગ્ર મહારાષ્ટ્રમાં ૫૦,૦૦૦થી વધારે ખેડૂતો સાર્વજનિક માર્ગો પર ઊમટી પડ્યા હતા. રાજ્યસભામાં પસાર કરવામાં આવેલા કૃષિ ક્ષેત્રના ખરડા ખેતી અને ખેતપેદાશોના ભાવ સહિત અનેક બાબતોમાં નુકસાનકારક નીવડશે, એવી પ્રતિક્રિયા વિરોધ પ્રદર્શન કરતા કિસાન સંગઠનોના આગેવાનોએ વ્યક્ત કરી હતી. મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ચારોટી નાકા પર ઑલ ઇન્ડિયા કિસાન સભાના સભ્ય ૧૦,૦૦૦ ખેડૂતોએ રસ્તા-રોકો આંદોલન કર્યું હતું.

આંદોલનના સ્થળે દહાણુના ખેડૂત એડવર્ડ વર્ધાએ જણાવ્યું હતું કે ‘આ બે ખરડાનું કાયદામાં રૂપાંતર થતાં સમગ્ર દેશમાં ખેડૂતોના આપઘાતનું પ્રમાણ વધશે. અત્યાર સુધી ખેડૂતો અગાઉના કાયદાથી પરેશાન હતા. તેમાં નવા કાયદા બળતાંમાં ઘી હોમવાનું કામ કરશે.’

ઑલ ઇન્ડિયા કિસાન સભાના રાષ્ટ્રીય પ્રમુખ અશોક ઢવળેએ જણાવ્યું હતું કે ‘અત્યાર સુધી મોટી કંપનીઓ આવી આવશ્યક ચીજવસ્તુઓ મર્યાદિત પ્રમાણથી વધારે મેળવી શકતી નહોતી, પરંતુ નવા કૃષિ કાયદાના અમલ સાથે સંગ્રહખોરી અને કાળાબજાર વધશે. એસેન્શિયલ કૉમોડિટીઝ ઍક્ટ ગ્રાહકોના હિતોના રક્ષણ માટે છે. તેની મર્યાદા હટશે તો કંપનીઓ જરૂરી વસ્તુઓ અને માલસામાનનો સંગ્રહ કરી રાખશે અને તંગીના સમયની રાહ જોઈને મુશ્કેલીના વખતમાં કાળાબજાર કરશે. આ કૃષિ સુધારા કૉર્પોરેટ કંપનીઓનાં હિતો જાળવવા માટે કરવામાં આવ્યા છે.’

mumbai mumbai news ahmedabad western express highway gaurav sarkar maharashtra