29 July, 2025 07:49 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent
રાહુલે હાઈ કોર્ટમાં રજૂ કરેલી કંકોતરી.
જામીન મેળવવા માટે હાઈ કોર્ટ સમક્ષ ખોટા દસ્તાવેજ રજૂ કરવા બદલ કલ્યાણની કોળસેવાડી પોલીસે ગઈ કાલે ૩૨ વર્ષના રાહુલ પટેલ અને વકીલ સના શેખ સામે ફરિયાદ નોંધી હતી. મૂળ સુરત રહેતો રાહુલ છેલ્લાં ત્રણ વર્ષથી ચોરીના ગુનામાં નાશિકની જેલમાં સજા ભોગવી રહ્યો છે. તેણે જામીન મેળવવા માટે જેલમાંથી વકીલ સનાનો સંપર્ક કરી ખોટી કંકોતરી તૈયાર કરાવડાવી હતી અને એ તેણે કોર્ટમાં જામીન માટે રજૂ કરી હતી. જોકે એ કંકોતરીમાં વિવાહસ્થળમાં માત્ર બદલાપુર બસ-સ્ટૅન્ડ લખવામાં આવ્યું હતું જેના પરથી હાઈ કોર્ટના ન્યાયાધીશને શંકા જતાં તેમણે પોલીસને તપાસના આદેશ આપ્યા હતા. આ તમામ માહિતી બોગસ નીકળતાં કોર્ટે ફરિયાદ નોંધવા માટેનો આદેશ આપ્યો હતો.