જિનશાસનમાં હવે તો પ્રભુનું શાસન સ્થાપી ફરી સંઘસત્તાક બનાવો

28 January, 2022 08:42 AM IST  |  Mumbai | Rohit Parikh

આવો સંકલ્પ શાસન અને તીર્થરક્ષાના ઉપક્રમે બોરીવલીમાં યોજાયેલી શ્રી શત્રુંજય મહાસભામાં લેવાયો

બોરીવલીમાં શાસન અને તીર્થરક્ષાના ઉપક્રમે યોજાયેલી શ્રી શત્રુંજય મહાસભા.

મકરસંક્રાન્તિ નિમિત્તે ૧૫ જાન્યુઆરીએ યોજાયેલા મેળામાં ઝારખંડ રાજ્યમાં આવેલા જૈનોના સૌથી મોટા તીર્થ સમેતશિખર પર તેમના ઇષ્ટદેવની પૂજા કરવા જમા થયેલા અવાંછિત લોકોએ દારૂનું સેવન કરીને અને બીભત્સ ગીતો પર નાચગાન કરીને એની ગરિમાને ઠેસ પહોંચાડતાં જૈન સમાજમાં નારાજગી અને આક્રોશનું વાતાવરણ ફેલાયું છે. એને કારણે દેશભરના જૈનો આવો માહોલ સમેતશિખરજી પર્વત પર ફરી ક્યારેય સર્જાય નહીં એ માટે સક્રિય બન્યા છે. આ મુદ્દાને આવરી લઈને ૨૬ જાન્યુઆરીએ બોરીવલીમાં શાસન અને તીર્થરક્ષાના ઉપક્રમે પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી યુગભૂષણસૂરીશ્વજી (પંડિત મહારાજસાહેબ) મહારાજસાહેબની નિશ્રામાં શત્રુંજય મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં શ્રી જિનશાસનમાં થઈ રહેલી શ્રાવકસત્તાક વ્યવસ્થાઓની જગ્યાએ પ્રભુનું શાસન સંઘસત્તાક બને એવો સંકલ્પ કરવામાં આવ્યો હતો.  
આ મહાસભામાં પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી યુગભૂષણસૂરીશ્વજી (પંડિત મહારાજસાહેબ) મહારાજસાહેબે અત્યારની સંઘની વ્યવસ્થા બાબતની માહિતી આપતાં કહ્યું હતું કે ‘વિશ્વવિજેતા પ્રભુ વીરે ૨૫૭૮ વર્ષ પહેલાં સ્થાપેલા શ્રી સંઘ (વર્તમાનમાં શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ)માં પંચાગી શાસ્ત્રાનુસાર તમામ ગચ્છો તથા પક્ષોનાં સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓનો સમાવેશ થાય છે. એને શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ કહેવાય છે. આ શ્રી સંઘના-શાસનના-તીર્થોના સર્વાધિકારો તીર્થંકર ભગવંતોએ ગણધર ભગવંતોને સોંપ્યા છે, જે પાટાનુપાટે ગણધર ભગવંતો બાદ આચાર્ય ભગવંતો હસ્તક હોય છે. તેમના નેતૃત્વમાં શ્રી સંઘ શત્રુંજય, ગિરનારજી, શિખરજી આદિ તીર્થો તથા શાસનના સર્વાધિકારો ભોગવતો હોય છે. જોકે કેટલીક સદીથી શ્રી સંઘમાં આપણી શાસ્ત્રીય વ્યવસ્થા પર કુઠારાઘાત થયો છે, જેના કારણે શ્રી સંઘના અનેક મહત્ત્વના અધિકારો માત્ર શ્રાવક હસ્તક લેવાયા છે. 
પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રીએ સભાને આ જાણકારી આપતાં કહ્યું હતું કે ‘૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારત સ્વયં બંધારણીય પ્રજાસત્તાક તરીકે જાહેર થયું અને ભારત બ્રિટિશ સલ્તનતથી આંશિક રીતે મુક્ત થયું. એવી જ રીતે આજના દિવસે એટલે કે ૨૬ જાન્યુઆરી ૨૦૨૨ના દિવસે શ્રી જિનશાસનમાં પણ શ્રાવકસત્તાક વ્યવસ્થાઓની જગ્યાએ પ્રભુનું શાસન સંઘસત્તાક બને એવો સંકલ્પ અહીં હાજર રહેલા શ્રી સંઘોએ જાહેર કર્યો હતો.’
બોરીવલીની આ મહાસભામાં સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓ સહિત ઉપસ્થિત જૈન સંઘોએ જિનાજ્ઞા મુજબ શાસન અને તીર્થરક્ષા સંબંધી ઠરાવો પસાર કર્યા હતા. શ્રી સંઘમાં શ્રાવકશાહીને બદલે સંઘશાહી પુનઃ સ્થાપિત કરવા, શાસન અને તીર્થના મહત્ત્વપૂર્ણ પ્રશ્નોમાં કાર્ય કરવાની શાસ્ત્રીય પદ્ધતિ પુનઃ અપનાવવા, શત્રુંજય સંબંધી નીલકંઠ મહાદેવ કેસમાં થયેલી હાનિકારક રજૂઆતો અને તારણો બાબતે પગલાં લેવા તથા અત્યાર સુધી જૈનોનાં મુખ્ય મહાતીર્થોના ગુમાવેલા અધિકારો બાબતે જાગૃત થવા શ્રી સંઘને હાકલ કરવામાં આવી હતી. 
પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણસૂરીશ્વજી મહારાજસાહેબે મહાસભાને કહ્યું હતું કે ‘પ્રસ્તુત સભામાં શાસ્ત્રીય આદર્શો મુજબ પ્રાયઃ કરીને જો આ દિશામાં શ્રી સંઘ આગળ વધશે તો જૈન શાસનની મૂળભૂત વ્યવસ્થાઓ પુનઃ સ્થાપિત થઈ શકશે. જૈનો દ્વારા શાસન અને તીર્થોની સુરક્ષા માટેનું મજબૂત માળખું ગોઠવાઈ શકે છે.’
આ મહાસભાનાના મુખ્ય આયોજક જ્યોત સંસ્થાના પ્રવક્તા લાજેશ ખોનાએ કહ્યું હતું કે ‘આ સભાએ વર્તમાન જિનશાસનનો સ્થાપના દિવસ વૈશાખ સુદ ૧૧ને સંઘસત્તાક દિન તરીકે ઊજવવાની ભાવના છે. એમાં શાસન તથા સંઘની મહિમા વધે તેવાં કાર્યો આયોજિત કરવામાં આવશે.’ 
આ મહાસભામાં કોવિડના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. એમાં આઠ અવાંતર સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક મહાનુભાવો પધાર્યા હતા. આ સભામાં ઉત્તર મુંબઈના ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય ગોપાલ શેટ્ટીએ પણ હાજરી આપીને ગચ્છાધિપતિના આશીર્વાદ લીધા હતા. 

મહાસભામાં કયા ઠરાવો પસાર કરવામાં આવ્યા?
બોરીવલીની મહાસભામાં પસાર થયેલા ઠરાવોની માહિતી આપતાં જ્યોત સંસ્થાના પ્રવક્તા લાજેશ ખોનાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમારી સંસ્થા ઘણાં વર્ષોથી શાસન અને તીર્થરક્ષા માટે સક્રિય બની છે અને પ્રજાસત્તાક દિને યોજાયેલી મહાસભામાં નીચે જણાવેલા ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા...
૧. વર્તમાન શ્રાવકો દ્વારા ગચ્છનાયકોને જણાવ્યા વિના શાસન તથા તીર્થોના ગંભીર નિર્ણયો કરવામાં આવે છે એનો આ સભા વિરોધ કરે છે. શ્રાવકોને ભલામણ કરે છે કે તેઓ પૂરતી માહિતીઓ ગચ્છનાયકોને આપીને ગચ્છનાયકોની સંમતિથી મહત્ત્વનાં કાર્યો કરે તથા શ્રી સંઘનું પ્રતિનિધિત્વ શાસ્ત્રીય પરંપરા મુજબ પુનઃ શ્રમણપ્રધાન બને એવા શીઘ્ર પ્રયત્નો કરે. 
૨. શત્રુંજય સંબંધી નીલકંઠ મહાદેવ કેસમાં જે પણ જૈન સંઘને નુકસાન કરે એવી રજૂઆતો કરવામાં આવી છે એનો આ સભા વિરોધ કરે છે. સાથે-સાથે એ નુકસાનકારક રજૂઆતો અને જજમેન્ટ જે જૈન સંઘને હાનિકારણ તારણો જણાયાં છે એ બન્ને બાબતે શીઘ્ર પગલાં લેવા માટે આ સભા શ્રાવકોને ભલામણ કરે છે. 
૩. શત્રુંજય, ગિરનાર, શિખરજી, તારંગાજી આદિ મહાન તીર્થોમાં છેલ્લી કેટલીક સદીઓથી જે અધિકારો જવાબદાર શ્રાવકોની બેકાળજીને કારણે જૈન સંઘોએ ગુમાવ્યા છે કે ગુમાવી રહ્યા છે એનો આ સભા ખેદ સાથે વિરોધ કરે છે અને એ અધિકારોને પુનઃ પ્રસ્થાપિત કરવા ઉપાયો કરવાની શ્રાવકોને ભલામણ કરે છે.

Mumbai mumbai news borivali rohit parikh