બીએમસીના પાપે આમઆદમીને ડામ

13 June, 2021 09:00 AM IST  |  Mumbai | Rohit Parikh

ગટરના નૂતનીકરણના કામને કારણે ઘાટકોપરના દીપક કુંજના ગ્રાઉન્ડ ફ્લોરનાં ઘરોમાં છેલ્લા દોઢ મહિનામાં બે વખત ગંદું પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ

માણેકલાલ એસ્ટેટમાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલું ગટરનું નૂતનીકરણ અને દીપક કુંજમાં ઘરમાં ભરાયેલું દૂષિત પાણી.

ઘાટકોપર (વેસ્ટ)ના માણેકલાલ એસ્ટેટમાં આવેલા દીપક કુંજમાં મહાનગરપાલિકાની બેદરકારીને લીધે બિલ્ડિંગના પરિસરમાં અને ગ્રાઉન્ડ ફ્લોરનાં ઘરોમાં ગઈ કાલે સવારના મુશળધાર વરસાદમાં ગંદું પાણી ભરાઈ ગયું હતું. આ પહેલાં ગુરુવાર, ૯ જૂનના પહેલા વરસાદમાં પણ દીપક કુંજના પરિસરમાં પાણી ભરાઈ જતાં આ બિલ્ડિંગના આબાલવૃદ્ધ રહેવાસીઓને લેપ્ટોસ્પાઇરોસિસ જેવા રોગ ફેલાવાનો ભય લાગી રહ્યો છે. 

અમારા બિલ્ડિંગની બહાર રોડ પર છેલ્લા દોઢ મહિનાથી ગટરનું નૂતનીકરણ ચાલી રહ્યું છે અને આ કામને કારણે અમારા બિલ્ડિંગમાં છેલ્લા દોઢ મહિનામાં બે વખત ગંદું પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે એમ જણાવતાં દીપક કુંજના રહેવાસી નિકેત પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા વિસ્તારમાં ગટરો અને સિવરેજ લાઇન ચૉક-અપ રહેતી હોવાથી અગાઉ અવારનવાર પરિસરમાં પાણી ભરાઈ જતું હતું, પરંતુ આ ચોમાસાની શરૂઆતના પહેલા જ વરસાદમાં અમારા બિલ્ડિંગમાં પાણી ભરાવા લાગ્યું છે જેનું મૂળ કારણ ગટરનું સ્લો ચાલી રહેલું નૂતનીકરણ. એને પરિણામે ગઈ કાલે અમારાં ઘરોમાં પણ ગંદું પાણી આવી ગયું હતું. અમારાં નાનાં બાળકોને અમારે નજીકમાં રહેતા અમારા અન્ય સંબંધીના ઘરે મોકલી દેવા પડ્યાં હતાં. અમારા પરિસરમાં દોઢથી બે ફૂટ પાણી ભરાયાં હતાં. એની સાથે અમારા ઘરમાં જીવજંતુઓ આવી ગયા હતા. ગ્રાઉન્ડ ફ્લોરનાં પાંચ ઘરની બધી જ રૂમો દૂષિત પાણીથી ભરાઈ ગઈ હતી.’
 
અમારે સિનિયર સિટિઝનો સાથે ત્રણથી વધુ કલાક સુધી પાણીમાં રહેવું પડ્યું હતું એમ જણાવીને આ બિલ્ડિંગના બીજા રહેવાસી દીપક શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અમારો સામાન તો અગમચેતી વાપરીને ઉપર ચડાવી દીધો હતો, પરંતુ અમારા ઘરની મહિલાઓએ ગંદા પાણીમાં ઊભા રહીને જ રસોઈ બનાવવી પડી હતી. આવા સમયે અમને લેપ્ટોસ્પાઇરોસિસ જેવા રોગ થવાનો ભય લાગે છે. આ રોગ દૂષિત પાણીમાં ઉંદરો અને અન્ય પશુઓના યુરિનને કારણે સંપર્કમાં આવવાથી થાય છે. અમારા પરિસરમાં જ પાણી ભરાઈ જતું હોવાથી અમારે દૂષિત પાણીમાંથી જ ફરજિયાત અવરજવર કરવી પડે છે. અમારા ઘરની મા-બહેનોએ આવા જ દૂષિત પાણીમાં ઊભા રહીને રસોઈ કરવી પડે છે. અમે રહેવાસીઓ કોઈ રોગનો ભોગ બનીએ એ પહેલાં મહાનગરપાલિકા જાગે તો સારું.’

આ પહેલાં પણ અનેક વાર અમારા બિલ્ડિંગમાં દૂષિત પાણી ભરાયું છે એમ જણાવતાં સ્થાનિક રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કારણે અમે અમારા બિલ્ડિંગમાં પાણી બહાર કાઢવાનો પમ્પ વસાવી લીધો છે. ગઈ કાલે અમે અમારી સુરક્ષા અમારી જાતે જ કરવા પમ્પ ચાલુ કરી દીધો હતો. ત્યાર પછી અમારા વિસ્તારનાં શિવસેનાનાં નગરસેવિકા અશ્વિનીતાઈ હાંડેએ બીજો પમ્પ મોકલીને અમને સહાય કરી હતી. જોકે આ બધી ટેમ્પરરી વ્યવસ્થા અમને કેટલા દિવસ મદદરૂપ થશે એ તો ભગવાન જાણે.’ 

mumbai mumbai news ghatkopar rohit parikh mumbai rains mumbai monsoon mumbai weather