ફરી કોરોના થવાનો ડર? કપલનું સુસાઇડ

01 July, 2021 08:15 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

નાલાસોપારાનું વૃદ્ધ દંપતી રિકવર થયા બાદ ડરનું માર્યું ઘરમાંથી બહાર નીકળતું નહોતું અને ઘરમાં ને ઘરમાં રહીને ડિપ્રેશનમાં આવી જતાં તેમણે અંતિમ પગલું ભર્યું

પ્રતીકાત્મક તસવીર

કોરોના મહામારીને કારણે લોકો માનસિક રીતે ખૂબ ડિસ્ટર્બ થઈ ગયા છે. એવામાં નાલાસોપારામાં તુલિંજ વિસ્તારમાં રહેતું એક વૃદ્ધ દંપતી કોરોનાથી રિકવર તો થઈ ગયું, પરંતુ કદાચ માનસિક રીતે રિકવર થયું નહોતું. આ દંપતીને બાળક ન હોવાનું પણ જાણવા મળ્યું છે. કોરોનામાંથી રિકવર થયા બાદ ભયને કારણે તેઓ ઘરમાંથી બહાર નીકળતા નહોતા અને અંતે તેમણે સીલિંગ પર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનો આઘાતજનક બનાવ બહાર આવ્યો છે.

નાલાસોપારા (ઈસ્ટ)માં આવેલી સીતારા બેકરીની સામે સાંઈ એકદંત અપાર્ટમેન્ટમાં રહેતા ૬૦ વર્ષના વિજય કદમ અમે તેમનાં પંચાવન વર્ષનાં પત્ની જયશ્રી કદમે સોમવારે મોડી સાંજે હૉલમાં તેમણે સીલિંગ પર ગળે ફાંસો ખાઈને જીવ આપી દીધો હોવાનું જાણવા મળ્યું છે. આ દંપતીના પાડોશીઓને દંપતીનો દરવાજો બંધ જ રહ્યો હોવાથી શંકા જતાં તેમણે પોલીસને જાણ કરી હતી. તુલિંજ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને જોયું તો બન્નેએ સુસાઇડ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે એપ્રિલ મહિનામાં આ પતિ-પત્નીને કોરોના થયો હોવાથી તેમણે સારવાર લીધી હતી. સારવાર લીધા પછી બન્ને સાજાં થઈ ગયાં હતાં, પરંતુ ત્યાર બાદ તેઓ ઘરની બહાર નીકળતાં નહોતાં. તેમને મનમાં ડર બેસી ગયો હતો કે અમે ફરી કોરોનાની ઝપટમાં તો નહીં આવી જઈએને. પોલીસે પાડોશીઓની પૂછપરછ કરતાં તેમણે પોલીસને કહ્યું હતું કે આ દંપતી આવશ્યક વસ્તુઓ જેમ કે શાકભાજી, કરિયાણાં બધું ઑનલાઇન શૉપિંગ દ્વારા ઑર્ડર કરીને મગાવતું હતું તેમ જ દૂધ કે અન્ય નાની કોઈ વસ્તુ જોઈએ તો એ એકસાથે સોસાયટીના યુવકો પાસે મગાવી લેતું હતું. પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે સોસાયટીના અમુક મેમ્બરોએ આ દંપતી વારંવાર તેમની પાસેથી ચીજવસ્તુઓ મગાવતું હોવાથી તેમને આ સોસાયટી છોડીને જતા રહેવાનું કહ્યું હતું.

તુલિંજ પોલીસ સ્ટેશનના ડ્યુટી ઑફિસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ દંપતી તેમનું નિવૃત્તિનું જીવન જીવી રહ્યું હતું. તેમની બચત અને પેન્શનથી તેઓ ઘર ચલાવતા હતા. દંપતી નિ:સંતાન હતું. કોવિડની સારવાર અને ક્વૉરન્ટીનના સમયથી તેઓ ઘરમાં ને ઘરમાં રહેતા હતા. એથી કદાચ કંટાળી ગયા હશે અને ઘરેથી નીકળીશું તો કોવિડ થશે એવા કોઈ ડિપ્રેશનમાં આવી ગયા હશે. પોલીસે હાલમાં ઍક્સિડન્ટલ ડેથનો કેસ નોંધીને ડેડ-બૉડીને પોસ્ટમૉર્ટમમાં મોકલી હોવાથી એના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ-નોટ પણ મળી નથી. કેસની વધુ તપાસ હાથ ધરાઈ છે.’

mumbai mumbai news coronavirus covid19 nalasopara preeti khuman-thakur