04 August, 2025 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટ્રેનમાં લેડીઝ ડબ્બામાં નશાની હાલતમાં ચડેલા પોલીસ-કૉન્સ્ટેબલે મહિલા મુસાફરો સાથે ગેરવર્તન આચર્યું હતું એને પગલે તેની ધરપકડ કરવામાં આવી
વેસ્ટર્ન રેલવેમાં બોરીવલી-વસઈ ટ્રેનમાં લેડીઝ ડબ્બામાં નશાની હાલતમાં ચડેલા પોલીસ-કૉન્સ્ટેબલે મહિલા મુસાફરો સાથે ગેરવર્તન આચર્યું હતું એને પગલે તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કહ્યું હતું કે ‘મીરા-ભાઈંદર અને વસઈ-વિરાર પોલીસ કમિશનરેટમાં પોસ્ટેડ અમોલ સપકાળે નામનો કૉન્સ્ટેબલ શનિવારે બપોરે યુનિફૉર્મમાં મીરા રોડ સ્ટેશનથી લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં ચડ્યો હતો. તેણે અમુક મહિલા મુસાફરો સાથે ટિકિટ ચેક કરવાના બહાને અડપલાં કર્યાં હતાં. એ ઉપરાંત તે મહિલાઓને ખરાબ નજરે જોઈ રહ્યો હતો. ત્યારે એક મહિલાએ મોબાઇલમાં એનું રેકૉર્ડિંગ કરવાનું શરૂ કર્યું એટલે કૉન્સ્ટેબલ ગુસ્સે ભરાયો હતો અને અમુક મુસાફરોના હાથમાંથી મોબાઇલ ખેંચી લીધા હતા.’ કૉન્સ્ટેબલનું વાંધાજનક વર્તન સહન ન થતાં મહિલા મુસાફરોએ ભેગી મળીને તેને ધક્કો મારીને ડબ્બામાંથી વસઈ સ્ટેશને ઉતારી મૂક્યો હતો. મુસાફરોએ આ બનાવ વિશે સ્ટેશન-માસ્ટરને ફરિયાદ કરી હતી. વસઈ રોડ રેલવે પોલીસે ફરિયાદ નોંધીને કૉન્સ્ટેબલની અટકાયત કરી હતી. પોલીસે નોંધ્યું હતું કે ઘટનાના સમયે આરોપી દારૂના નશામાં હતો. મહિલાના વિનયભંગ સહિતના ગુના હેઠળ કૉન્સ્ટેબલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.