25 February, 2026 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ડોમ્બિવલી-ઈસ્ટમાં એક જાણીતા ડૉક્ટર દંપતી સંચાલિત પ્રાઇવેટ હૉસ્પિટલ સાથે સંકળાયેલી ઘટનાએ થાણેમાં ચકચાર મચાવી છે. હૉસ્પિટલના કચ્છી પુરુષ ડૉક્ટરે સોમવારે રાતે ઊંઘવા માટેની ૪૫ ગોળીઓ ખાધી અને એ પછી ૧૦ બિઅર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે વિષ્ણુનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હૉસ્પિટલમાં કાર્યરત પરણેલી નર્સ સાથે ડૉક્ટરને સંબંધ હતો એને લીધે ડૉક્ટર દંપતી વચ્ચે વારંવાર વિવાદ થતો હતો. વધતા ઘરેલુ તનાવને પગલે ડૉક્ટરે ડોમ્બિવલી-વેસ્ટમાં અલગ રહેવાનું શરૂ કર્યું હતું. એ દરમ્યાન નર્સે લગ્ન માટે દબાણ કર્યું હતું, પરંતુ ડૉક્ટરે લગ્નનો ઇનકાર કરતાં તેણે વાતચીત બંધ કરી દીધી હતી. એનાથી તાણ વધતાં ડૉક્ટરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
વિષ્ણુનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રામચંદ્ર ચોપડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે સવારે ડૉક્ટર હૉસ્પિટલમાં સમયસર ન પહોંચતાં સ્ટાફે ફોન પર તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમને કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. એ પછી પરિસ્થિતિ ગંભીર લાગતાં એક કર્મચારી તેમના ડોમ્બિવલી-વેસ્ટમાં આવેલા ઘરે પહોંચ્યો ત્યારે ડૉક્ટરને બેભાન હાલતમાં જોઈને તાત્કાલિક હૉસ્પિટલને જાણ કરી. એ પછી સ્ટાફે ડૉક્ટરને તરત હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યા હતા. હાલમાં તેમની તબિયત સ્થિર છે. આની પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.’