02 September, 2026 12:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સલિયન
બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)એ બુધવાર, ૨ સપ્ટેમ્બરના રોજ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના પૂર્વ સેલેબ મેનેજર દિશા સાલિયાન (Disha Salian)ના મોતની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (Central Bureau of Investigation)ને સોંપવાનો મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે મુંબઈ પોલીસ (Mumbai Police)ને આ કેસની તમામ ફાઈલો તાત્કાલિક કેન્દ્રીય તપાસ એજન્સીને સોંપવા નિર્દેશ આપ્યો છે. આ સાથે જ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી તપાસ અધિકારીને કોઈ ચોક્કસ પુરાવા ન મળે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને આરોપી માનવામાં ન આવે.
દિશા સાલિયાનના પિતા સતીશ સાલિયાન દ્વારા સ્થાનિક પોલીસની તપાસ પ્રક્રિયાને પડકારતી અરજી પર સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટની ખંડપીઠે આ આદેશ આપ્યો (Disha Salian Death Case) હતો. કોર્ટે સીબીઆઈ (CBI)ને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવા સૂચના આપી છે અને ઉમેર્યું છે કે જો તપાસમાં કોઈ ગુનાહિત બાબત સામે ન આવે, તો એજન્સીએ સંબંધિત કોર્ટ સમક્ષ સમરી રિપોર્ટ (ક્લોઝર રિપોર્ટ) રજૂ કરવાનો રહેશે.
હાઈકોર્ટે વધુમાં નોંધ્યું હતું કે જો આવી કોઈ સ્થિતિ ઊભી થાય, તો અરજદાર (દિશાના પિતા) પાસે તે રિપોર્ટને કાનૂની રીતે પડકારવાનો અધિકાર રહેશે.
ઉલ્લેખનીય છે કે ૮ જૂન, ૨૦૨૦ ના રોજ મુંબઈ (Mumbai)ના મલાડ (Malad) વિસ્તારમાં આવેલી એક રહેણાંક ઈમારતના ૧૪મા માળેથી પડી જવાથી દિશા સાલિયાનનું મોત થયું હતું. શરૂઆતમાં મુંબઈ પોલીસે અકસ્માતે મોતનો ગુનો (Accidental Death Report) નોંધીને તેને આત્મહત્યા ગણાવી હતી. જોકે, દિશાના પિતાએ કોર્ટમાં અરજી દાખલ કરીને આક્ષેપ કર્યો હતો કે તેમની પુત્રી સાથે ગંભીર ગુનો આચરવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી.
સતીશ સાલિયાને પોતાની અરજીમાં તપાસમાં થયેલી ગંભીર ખામીઓ તરફ આંગળી ચીંધતા આક્ષેપ કર્યો હતો કે યોગ્ય તપાસ કર્યા વિના જ આત્મહત્યાની વાર્તા ઊભી કરવામાં આવી હતી. તેમણે પ્રભાવશાળી વ્યક્તિઓને બચાવવા માટે રાજકીય કવર-અપ કરવાનો પણ આક્ષેપ કર્યો હતો.
અગાઉની સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે ગંભીર ગુનાના આક્ષેપો કરતી સ્પષ્ટ ફરિયાદો મળવા છતાં સ્થાનિક પોલીસે માત્ર એડીઆર (ADR) જ કેમ નોંધ્યો. આ ઉપરાંત, ઘટનાના પાંચ વર્ષ પછી પણ પીડિત પરિવારને પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને એડીઆરની નકલો ન આપવા બદલ જજ સાહેબોએ ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે એક પિતા તરીકે તેમની લાગણીઓ અને આશંકાઓને નકારી શકાય નહીં, તેથી કાયદા મુજબ પારદર્શક તપાસ થવી જરૂરી છે. હવે CBI દિશાના મોતની સાચી પરિસ્થિતિ અને કારણો જાણવા માટે અત્યાર સુધી એકત્ર કરાયેલા તમામ ભૌતિક અને ડિજિટલ પુરાવા કબ્જે લઈને નવી તપાસ શરૂ કરશે.