મેં બીજેપી પાસે ચાંદ-તારા નહોતા માગ્યા: મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે

04 February, 2020 09:56 AM IST  |  Mumbai

મેં બીજેપી પાસે ચાંદ-તારા નહોતા માગ્યા: મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે મેં ક્યાં બીજેપી પાસે આકાશના ચાંદ-તારા માગ્યા હતા. મેં માત્ર બીજેપીએ આપેલા વચનનું પાલન થાય એવો આગ્રહ રાખ્યો હતો એથી વધુ કશું મેં માગ્યું નહોતું.

મુખ્ય પ્રધાન થયા પછી પહેલી વાર બીજેપી સાથેના સંબંધો વિશે ઉદ્ધવે પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. શિવસેનાના મુખપત્ર ‘સામના’ને આપેલા ઇન્ટરવ્યૂમાં ઉદ્ધવે કહ્યું કે ‘વચન આપવું એક વાત છે અને વચનનું પાલન બીજી વાત છે. વચન આપીને ફરી જવું એ દગાબાજી છે. બીજેપીએ અમને આપેલા વચનનું પાલન કરવાની તૈયારી દાખવી નહોતી. એ સિવાય બીજો કોઈ મતભેદ નહોતો.’

પચીસ વર્ષના બીજેપી સાથેના મૈત્રીસંબંધો વિશે તમે શું કહો છો એવા સવાલના જવાબમાં ઉદ્ધવ બોલી રહ્યા હતા. શિવસેનાના ભડભડિયા સંસદસભ્ય સંજય રાઉતે ઉદ્ધવનો ઇન્ટરવ્યૂ લીધો હતો. બીજેપીએ તમને ધક્કો માર્યો અને તમે સામો ધક્કો માર્યો એવું નથી લાગતું? એવા સવાલના જવાબમાં ઉદ્ધવે કહ્યું કે મહારાષ્ટ્રના ઇતિહાસમાં આવું અગાઉ કદી બન્યું નહોતું, પરંતુ આ ઘટનામાં ધક્કો મારવો અને મુક્કો ખાવો બન્ને ઘટના સાથે બની હતી. (બીજેપીએ અમને ધક્કો માર્યો અને અમે સામો મુક્કો ફટકાર્યો.)

કોણે ધક્કો માર્યો અને કોણે મુક્કો માર્યો એવા સવાલના જવાબમાં ઉદ્ધવે કહ્યું કે સમગ્ર મહારાષ્ટ્રે અથવા કહો કે સમગ્ર દેશે આ ઘટના જોઈ છે. મારા પિતાએ કદી કોઈ હોદ્દો સંભાળ્યો નહોતો. મારે પણ કોઈ હોદ્દો જોઈતો નહોતો, પરંતુ બીજેપીએ જ્યારે દગો કરવાની શરૂઆત કરી ત્યારે મને થયું કે હવે સક્રિય થવું પડશે.

uddhav thackeray shiv sena mumbai news bharatiya janata party