દીકરી તો ગુમાવી, પણ તેના ઍક્સિડન્ટ માટે પપ્પા સામે જ ગુનો

08 June, 2023 10:46 AM IST  |  Mumbai | Mehul Jethva

મોટરસાઇકલ પર મુમ્બાદેવીનાં દર્શન કરવા નીકળેલા કુંભારવાડાના પરિવારનો અકસ્માત થતાં ત્રણ વર્ષની પુત્રીનું મૃત્યુ, પત્નીનો આઇસીયુમાં ઇલાજ ચાલુ : હેલ્મેટ પહેરી હોત તો બાળકીનો જીવ બચી જાત

આ મોટરસાઇકલ પર જતી વખતે ઍક્સિડન્ટ થયો હતો

ધારાવીમાં કુંભારવાડામાં રહેતું ગુજરાતી દંપતી ત્રણ વર્ષની પુત્રી સાથે મુમ્બાદેવી દર્શન કરવા માટે મોટરસાઇકલ પર જઈ રહ્યું હતું ત્યારે લાલબાગ નજીક ટૅક્સીને ઓવરટેક કરવા જતાં અકસ્માત થયો હતો. એમાં ત્રણ વર્ષની પુત્રીના માથામાં ઈજાઓ થતાં તેનું મૃત્યુ થયું હતું. એવી જ રીતે પાછળ બેસેલી પત્નીના માથામાં પણ ગંભીર ઈજાઓ થતાં હાલમાં તેને હૉસ્પિટલમાં આઇસીયુ વૉર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. આ કેસમાં મોટરસાઇકલ ચલાવતા પિતા સામે જ બેદરકારીપૂર્વક વાહન ચલાવી પુત્રીના મૃત્યુ માટે ફરિયાદ નોંધવામાં આવી છે.

ધારાવીમાં ૯૦ ફીટ રોડ પર સાંઈ હૉસ્પિટલ નજીક કુંભારવાડામાં રહેતા અને હિમાલયા કંપનીમાં સેલ્સમૅનનું કામ કરતો ઉમેશ ધનજી ટાંક રવિવારે રજા હોવાથી પુત્રી રિયાંશી અને પત્ની વૈશાલી સાથે બપોરે બે વાગ્યે મુમ્બાદેવી મંદિર જવા માટે પોતાની મોટરસાઇકલ પર નીકળ્યો હતો. દરમ્યાન લાલબાગ બ્રિજ નજીક જતી વખતે આગળ જતી એક ટૅક્સીને ઓવરટેક કરીને આગળ નીકળવા જતાં ટૅક્સી ઉમેશની મોટરસાઇકલ સાથે અથડાઈ હતી, જેમાં મોટરસાઇકલ સ્પીડમાં હોવાથી ત્રણે જણ જમીન પર પટકાયા હતા. આ ઘટનામાં ઉમેશે હેલ્મેટ પહેરી હોવાથી તેના માથામાં ઈજાઓ થઈ નહોતી, પરંતુ પાછળ બેઠેલા બન્નેના માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. ત્રણેને ત્યાંથી પસાર થતા લોકોએ ભાયખલાની મસીના હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાવ્યા હતા, જ્યાં ઇલાજ દરમ્યાન રિયાંશીનું મૃત્યુ થયું હતું. બીજી બાજુ વૈશાલીના માથામાં પણ ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેને સાયન હૉસ્પિટલમાં ઇલાજ માટે ખસેડવામાં આવી હતી. હાલમાં તેને આઇસીયુ વૉર્ડમાં ઇલાજ માટે રાખવામાં આવી છે. આ ઘટનામાં કાલાચૌકી પોલીસે વૈશાલીને ફરિયાદી બનાવીને પુત્રી રિયાંશીના મૃત્યુ માટે બેદરકારીપૂર્વક મોટરસાઇકલ ચલાવવા બદલ પિતા ઉમેશ સામે કલમ ૩૦૪ હેઠળ ફરિયાદ નોંધી છે.

કાલાચૌકી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી રાકેશ ગવળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં મોટરસાઇકલ ચલાવતા પિતા સામે ફરિયાદ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે. જોકે આ સમયે તેનું સ્ટેટમેન્ટ અમે લઈ શક્યા નથી, કારણ કે ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલી પત્નીનો સાયન હૉસ્પિટલમાં ઇલાજ ચાલુ છે. આ કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મોટરસાઇકલ ચલાવતા પિતા ઉમેશે હેલ્મેટ પહેરી હતી, પણ પાછળ બેસેલા લોકોએ હેલ્મેટ પહેરી નહોતી. જો હેલ્મેટ પહેરી હોત તો તેમના માથામાં ગંભીર ઈજા થઈ ન હોત.’

ઉમેશ ટાંક સાથે ‘મિડ-ડે’એ આ ઘટના વિશેની માહિતી લેવા માટે સંપર્ક કરતાં તેણે કહ્યું હતું કે મારી પત્ની હાલમાં હૉસ્પિટલના આઇસીયુ વૉર્ડમાં છે એટલે હું કંઈ પણ બોલવાની હાલતમાં નથી.

dharavi road accident mumbai police mumbai mumbai news mehul jethva