દેવાભાઉ અને ઉદ્ધવ ઠાકરેએ હાથ મિલાવ્યા

27 June, 2026 08:08 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

નાગપુર જતા પ્લેનમાં બન્ને દુશ્મન ભેગા થઈ ગયા એ વિશે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમે એકબીજાને મળ્યા એ જ તો બ્રેકિંગ ન્યુઝ છે

ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસે એક જ પ્લેનમાં પ્રવાસ કર્યો હતો

હાલમાં જ શિવસેના (UBT)ના ૬ સંસદસભ્યો શિવસેનામાં જોડાયા છે અને એ મામલો હજી ગરમ છે ત્યારે ગઈ કાલે શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસે મુંબઈથી નાગપુર માટે જવા એક જ પ્લેનમાં મુસાફરી કરી હતી. ઉદ્ધવ ઠાકરે સાથે આદિત્ય ઠાકરે, સંજય રાઉત, સુષમા અંધારે અને અન્ય નેતાઓ પણ હતાં. વાશિમ અને યવતમાળના સંસદસભ્યો ફૂટ્યા હોવાથી ઉદ્ધવ ઠાકરે તેમની ટીમ સાથે એ સંસદસભ્યોના મતવિસ્તારના પક્ષના પદધિકારીઓ અને શિવસૈનિકો સાથે સંવાદ સાધવા જઈ રહ્યા હતા.

મજાની વાત એ હતી કે રાજકીય અખાડામાં એકબીજાના વિરોધી એવા દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે પ્રેમથી મળ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મેળવ્યા હતા અને કેમ છો, કેમ નહીં એવા ખબરઅંતર પણ એકબીજા સાથે થયા હતા. પત્રકારોએ આ બાબતે દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ત્યારે તેમણે અમે એકબીજાને મળ્યા એ જ તો બ્રેકિંગ ન્યુઝ છે એમ કહીને રમૂજ કરી લીધી હતી. 

uddhav thackeray devendra fadnavis shiv sena bharatiya janata party maharashtra political crisis indian politics political news nagpur mumbai mumbai news