વિલે પાર્લેમાં વૅક્સિન હોવા છતાં રસીકરણ ઠપ

08 May, 2021 08:56 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

વિલે પાર્લે (ઈસ્ટ)માં શિરોડકર નર્સિંગ હોમમાં વૅક્સિનેશન સેન્ટર બનાવાયું છે, અહીં છેલ્લા કેટલાક સમયથી સિનિયર સિટિઝનો અને પહેલેથી બીમાર હોય એવા દરદીઓને ઑનલાઇન રજિસ્ટ્રેશનની સાથે વૉક-ઇન સિસ્ટમથી રસી અપાતી હતી

પ્રતીકાત્મક તસવીર

વિલે પાર્લેમાં ગઈ કાલે વિપરીત સ્થિતિ જોવા મળી હતી. અહીં વૅક્સિનનો સ્ટૉક હતો, પરંતુ માત્ર ઑનલાઇન રજિસ્ટ્રેશનથી જ રસી આપવાના પાલિકાના કમિશનરના આદેશથી રસીકરણ સવારથી બપોરના ત્રણ વાગ્યા સુધી બંધ રહ્યું હતું. વિલે પાર્લે (ઈસ્ટ)માં શિરોડકર નર્સિંગ હોમમાં વૅક્સિનેશન સેન્ટર બનાવાયું છે. અહીં છેલ્લા કેટલાક સમયથી સિનિયર સિટિઝનો અને પહેલેથી બીમાર હોય એવા દરદીઓને ઑનલાઇન રજિસ્ટ્રેશનની સાથે વૉક-ઇન સિસ્ટમથી રસી અપાતી હતી. જોકે ગઈ કાલે માત્ર ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવનારાઓને જ રસી આપવાના કમિશનરના આદેશથી કલાકો સુધી રસીકરણ ઠપ રહ્યું હતું. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ સવારથી બપોરના ૩ વાગ્યા સુધી આ સેન્ટર પર માત્ર ૩ લોકો જ ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવીને પહોંચ્યા હતા. બાકીના સેંકડો લોકોએ અનેક વખત પ્રયાસ કર્યા બાદ પણ તેમનું રજિસ્ટ્રેશન નહોતું થઈ શક્યું. વૅક્સિનની એક બૉટલમાંથી ૧૧ લોકોને રસી અપાય છે. માત્ર ત્રણ લોકો જ સેન્ટરમાં પહોંચ્યા હોવાથી જ્યાં સુધી બાકીના ૮ લોકો ન આવે ત્યાં સુધી ડૉક્ટરોએ વૅક્સિનની બૉટલ નહોતી ખાલી. જોકે બપોર બાદ સ્થાનિક નગરસેવકોથી લઈને સામાજિક સંસ્થાઓની વિનંતીથી કમિશનરનો આદેશ હોવા છતાં આ સેન્ટરના ડૉક્ટરોએ વૅક્સિનેશનનો દિવસ બગડે નહીં એ માટે બપોર બાદ ૫૦ સિનિયર સિટિઝનો અને દરદીઓને રસી આપી હતી.

coronavirus covid19 mumbai mumbai news vile parle prakash bambhrolia