06 October, 2026 07:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કલ્યાણ રેલવે-સ્ટેશન પર ડેપ્યુટી સ્ટેશન-માસ્ટરની MNSના કાર્યકરોએ મારઝૂડ કરી.
કલ્યાણ રેલવે-સ્ટેશન પર કાર્યરત એક મહિલા પૉઇન્ટમૅને ડેપ્યુટી સ્ટેશન-માસ્ટર સામે છેલ્લા ૬ મહિનાથી માનસિક અને જાતીય સતામણી કરવાની ગંભીર ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાને પગલે ગઈ કાલે બપોરે સ્ટેશન-પરિસરમાં ભારે હોબાળો મચી ગયો હતો. મહિલાનો આરોપ છે કે ડેપ્યુટી સ્ટેશન-માસ્ટર આશુતોષ કુમાર તેને વૉટ્સઍપ પર અશ્ળીલ મેસેજ મોકલતા હતા અને અવારનવાર ઘરે આવવા માટે દબાણ કરતા હતા. આ અગાઉ સ્ટેશન-મૅનેજરને પણ આ વિશે જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં અંતે મહિલાએ કલ્યાણ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)નો સંપર્ક કર્યો હતો.
આ બનાવની જાણ થતાં જ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના રેલવે કામદાર સેનાના નેતા પ્રથમેશ મ્હાત્રે અન્ય કાર્યકરો સાથે ગઈ કાલે કલ્યાણ રેલવે-સ્ટેશન પહોંચ્યા હતા. MNS કાર્યકરોએ ડેપ્યુટી સ્ટેશન-માસ્ટરને આક્ષેપો વિશે ઘેરીને પૂછપરછ શરૂ કરી હતી. વાતચીત દરમ્યાન મામલો વધુ બગડ્યો હતો અને પોલીસ-કર્મચારીઓની હાજરીમાં જ MNS કાર્યકરોએ ડેપ્યુટી
સ્ટેશન-માસ્ટર પર કાયદો હાથમાં લઈને હુમલો કરી દીધો હતો. આ ઘટનાનો વિડિયો ગઈ કાલે સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાઇરલ થયો હતો.
કલ્યાણ GRPનાં સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અર્ચના દુસાણેએ જણાવ્યા અનુસાર મહિલા કર્મચારીની લેખિત ફરિયાદના આધારે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં મહિલાના આરોપો તેમ જ ડેપ્યુટી સ્ટેશન-માસ્ટર પર થયેલા હુમલા એમ બન્ને પાસાંઓની તપાસ હાથ ધરવામાં આવી છે. પુરાવા તરીકે વૉટ્સઍપ ચેટ અને અન્ય સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ કેસમાં કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી.’