લૉકડાઉનની ડેન્જરસ ઇફેક્ટ

28 November, 2021 09:41 AM IST  |  Mumbai | Mehul Jethva

કલ્યાણ-ડોમ્બિવલીમાં ૧૧ મહિનામાં ૭૩ ક્રાઇમ અને એમાં પકડાયા ૯૪ સગીરો : ગુનાઓમાં સગીરોની વધતી જતી સંડોવણી ચિંતાજનક છે

લૉકડાઉનની ડેન્જરસ ઇફેક્ટ

કલ્યાણ-ડોમ્બિવલી વિસ્તારમાં થતા ક્રાઇમ-કેસમાં છેલ્લા ૧૧ મહિનાના આંકડા પર નજર કરીએ તો સગીર અપરાધીઓની સંખ્યામાં બમણો વધારો થયો હોવાનું જણાય છે. નાની ઉંમરે ગુના તરફ વળતા સગીરોની વધતી જતી સંખ્યા ચિંતાનો વિષય છે. ૧૧ મહિનામાં કલ્યાણ ઝોન-3માં પોલીસ દ્વારા વિવિધ ગુનામાં ૯૧ સગીરોની ધરપકડ કરવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે તેમના પર હત્યા, બળાત્કાર અને લૂંટના આરોપ છે. 
એક તરફ લૉકડાઉનનો લાભ ઉઠાવીને સગીરો સારી પ્રવૃત્તિ કરીને પોતાનું અને પરિવારનું નામ રોશન થાય એ દિશામાં આગળ વધી રહ્યા છે ત્યારે બીજી બાજુ યુવા પેઢી નાની ઉંમરમાં જ વ્યસની બનીને ઇન્સ્ટન્ટ પૈસાની લાલચમાં ખોટા રસ્તે જતી જોવા મળી રહી છે. કલ્યાણ-ડોમ્બિવલીમાં સગીરોના ગુનાઓ પર નજર કરીએ તો ૨૦૨૧ના જાન્યુઆરીથી નવેમ્બર સુધીના ૧૧ મહિનાના સમયગાળામાં મહાત્મા ફુલે ચોક પોલીસ-સ્ટેશનની હદમાં ૭ કેસમાં ૧૧ સગીર, બાજારપેઠ પોલીસ-સ્ટેશનની હદમાં બે કેસમાં બે સગીર, કોલસેવાડી પોલીસ-સ્ટેશનની હદમાં ૨૧ કેસમાં ૨૬ સગીર, ખડકપાડા પોલીસ-સ્ટેશન વિસ્તારમાં ૧ સગીર, રામનગર પોલીસ-સ્ટેશનમાં ૨૫ કેસમાં ૩૦ સગીર, વિષ્ણુનગર પોલીસ-સ્ટેશનની હદમાં ૬ કેસમાં ૬ સગીર, માનપાડા વિસ્તારમાં ૭ કેસમાં ૧૧ સગીર અને ટિળકનગર વિસ્તારમાં ૪ કેસમાં ૪ સગીરની ધરપકડ કરી છે. આમાંના એકની હત્યા માટે અને ૧૧ની બળાત્કાર તથા અન્યોની ચોરી અને નાના હુમલા કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
થાણેના પોલીસ ઝોન-3ના ડીસીપી સચિન ગુજલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાળકો ખોટા રસ્તે ન જાય એ માટે તેમના પર વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. બાળકોમાં ક્રાઇમ-રેટ વધવાનું કારણ લૉકડાઉન થોડા પ્રમાણમાં હોઈ શકે એવું કહી શકાય. અમારા તરફથી નિયમિત એવા પ્રયાસ થતા હોય છે કે બાળકોને યોગ્ય તાલીમ મળે અને તેઓ ખોટા રસ્તે ન જાય.’
રામનગર પોલીસ-સ્ટેશનના ડિટેક્શન ઑફિસર સંદીપ શિગટેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા વિસ્તારમાં સૌથી વધુ બાળકોની ધરપકડ કરવામાં આવી છે. એની પાછળનું કારણ એ છે કે અમારા એરિયામાં સ્લમ વિસ્તાર મોટા પ્રમાણમાં છે અને એમાંનાં બાળકો માત્ર શોખ ખાતર મોટરસાઇકલ ચોરીને એને ફેરવીને પાછી મૂકી દેતાં હોય છે. એમાં તેમણે નાની ભૂલની મોટી સજા ભોગવવી પડે છે. સગીરોમાં વધી રહેલા વ્યસન અને ગુના વિશે બાળકોના વાલીઓએ ચિંતા કરવાની જરૂર છે. નાનાં બાળકોમાં આ વલણ વિકસિત થવાનાં ઘણાં કારણો છે. મમ્મી-પપ્પાએ તેમનાં બાળકો સાથે વાતચીત કરવાની અને જો તેમના વર્તનમાં ફેરફાર જણાય તો તેમનું તરત કાઉન્સેલિંગ કરવાની જરૂર છે.’

mehul jethva Mumbai mumbai news kalyan dombivli