૧૦૦૦ રૂપિયામાં જ મળે છે બોગસ ઈ-પાસ

08 May, 2021 11:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દહિસર પોલીસે ફેક ઈ-પાસ બનાવનારને ક્યુઆર કોડથી પકડી પાડ્યો

દહિસર પોલીસે પકડી પાડેલો આરોપી વૈભવ દાબેકર

દહિસર પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જે ફક્ત ૧૦૦૦ રૂપિયામાં ઈ-પાસ બનાવીને આપતો હતો. સોશ્યલ મીડિયા પર પણ તે એની જાહેરાત કરતો હતો, પરંતુ આરોપી દ્વારા બનાવવામાં આવેલા ઈ-પાસના ક્યુઆર કોડને સ્કૅન કરતાં જ તેના બોગસ કામની પોલ ખૂલી ગઈ હતી. દહિસર પોલીસે ૩૦ વર્ષના વૈભવ દાબેકરની ધરપકડ કરી એને કોર્ટમાં હાજર કરતાં પોલીસ કસ્ટડીનો આદેશ અપાયો હતો.

 લૉકડાઉનને લીધે મહારાષ્ટ્ર સરકાર દ્વારા બાય રોડ એક જિલ્લાથી બીજા જિલ્લા કે રાજ્યમાં જવા માટે પોલીસ દ્વારા ઈ-પાસની વ્યવસ્થા શરૂ કરાઈ હતી. જેનો ફાયદો લઈને આરોપી ફેક ઈ-પાસ બનાવતો હતો. આવો પ્રવાસ કરવા માગતા લોકોએ મુંબઈ પોલીસની વેબસાઈટ પર ઑનલાઈન ફોર્મ ભરીને આધાર કાર્ડ અને અવરજવરનું કારણ કહેવું અનિવાર્ય છે. આરોપી વૈભવે ઝોન-૧૨ના ઑનલાઈન ઍપ્લિકેશન સેન્ટરમાં મુંબઈથી ૧૬ લોકોને સોલાપુર મિની બસમાં જવા માટે અપ્લાઈ કર્યું હતું. તેના સરનામા તરીકે તેણે બોરીવલી-ઈસ્ટ નૅશનલ પાર્ક બસ સ્ટેન્ડ આપ્યું હતું. ડોક્યુમેન્ટ્સમાં ફક્ત આધાર કાર્ડની ફ્રન્ટ કોપી હતી અને જનારા લોકોના ફિટનેસ સર્ટિફિકેટ તરીકે ચુનાભટ્ટીના એક ડૉક્ટરનો લેટર આપ્યો હતો. જોકે યોગ્ય ડોક્યુમેન્ટ્સ ન હોવાને કારણે દહિસર પોલીસે આ ઍપ્લિકેશનને રિજેક્ટ કરી દીધી હતી. આમ છતાં આરોપીએ ઍપ્લિકેશનને આધારે ફેક ઈ-પાસ બનાવી દીધા હતા. જોકે ચાર-પાંચ દિવસ બાદ ચુનાભટ્ટી પોલીસ સ્ટેશનથી દહિસર ઑનલાઈન ઈ-પાસ સેન્ટરમાં ફોન આવ્યો હતો.

દહિસર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી ચંદ્રકાંત ઘારગેના જણાવ્યા પ્રમાણે ‘પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વૈભવ દાબેકરના નામે જે ઈ-પાસ બનાવ્યા છે તેનો ક્યુઆર કોડ રિજેક્ટ થયો છે એટલે ઈ-પાસ ફેક છે. આ પાસ બનાવવા તેણે ઝોન-૧૨માં ઑનલાઈન ઈ-પાસ સેન્ટરમાં ક્યાં ડોક્યુમેન્ટ્સ જમા કર્યા છે એની માહિતી ચુનાભટ્ટી પોલીસ દ્વારા અપાઈ હતી. અમે તો અરજી નામંજૂર કરી હોવા છતાં તેણે ફેક પાસ બનાવ્યા હોવાથી ઝોન-૧૨ના ડીસીપી ડૉ. સ્વામીએ તપાસનો આદેશ આપ્યો હતો. તપાસમાં જાણ થઈ કે અધૂરા ડોક્યુમેન્ટ્સના કારણે ઝોન-૧૨ના ઑનલાઈન ઈ-પાસ સેન્ટર દ્વારા કોઈ પાસ બનાવીને આપવામાં નહોતો આવ્યો. ચુનાભટ્ટીમાં રહેતા વૈભવને બોલાવીને પૂછપરછ કરતાં તેણે કહ્યું કે ગુમરાહ કરવા તે મુંબઈના વિવિધ ઝોનમાં બનેલા ઈ-પાસ સેન્ટરમાં ઑનલાઈન ઍપ્લિકેશન કરતો હતો જેથી બોગસ ઈ-પાસને અસલી સાબિત કરી શકે. આ બોગસ ઈ-પાસ તેનો એક ફેસબુક ફ્રેન્ડ ફોટો શૉપના માધ્યમથી ૧૫૦ રૂપિયામાં બનાવીને આપતો હતો. જ્યારે આરોપી લોકો પાસેથી ૧૦૦૦ રૂપિયા વસૂલતો હતો. પોલીસ વૈભવના સાથીદારને પણ શોધી રહી છે અને તે સોલાપુરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.’

coronavirus covid19 mumbai mumbai news Crime News mumbai crime news dahisar mumbai police