દોસ્ત દોસ્ત ના રહા

11 August, 2022 10:41 AM IST  |  Mumbai | Mehul Jethva

અમેરિકા નોકરી કરવા જવા માગતી દાદરની યુવતી સાથે તેના જ મિત્રએ કરી ૫.૫૩ લાખ રૂપિયાની છેતરપિંડી

પ્રતીકાત્મક તસવીર

દાદરમાં રહેતી ગુજરાતી યુવતી અમેરિકા નોકરી કરવા જવા માટે વીઝા મેળવવાની ભાગદોડમાં હતી. જોકે કોવિડ દરમ્યાન અમેરિકામાં માત્ર ઇમર્જન્સી કાર્યો માટે વીઝા મળતા હોવાથી તેણે પોતાના ઑફિસની અમદાવાદની બ્રાન્ચમાં કામ કરતા મિત્રને વીઝા માટે વાત કરી હતી. તેણે વીઝા મેળવી આપવાની લાલચ આપીને ગુજરાતી યુવતી સાથે ૫.૫૩ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ ઘટનાની ફરિયાદ દાદર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.

દાદરમાં સિદ્ધિવિનાયક મંદિરની બાજુમાં આવેલી એક સોસાયટીમાં રહેતી રાખી વીરાએ કરેલી ફરિયાદ અનુસાર તે પરેલની એક કંપનીમાં ફૅબ્રિક કો-ઑર્ડિનેટર તરીકે કામ કરે છે. તેને ૨૦૨૧ના જુલાઈમાં અમેરિકાની એક કંપનીમાં મોટી પોસ્ટ માટેની ઑફર મળતાં તેણે જવા માટેની તૈયારી બતાવી હતી. જોકે કોવિડકાળમાં અમેરિકામાં માત્ર ઇમર્જન્સી વીઝા આપતા હોવાથી તે વીઝા મેળવાની ભાગદોડમાં હતી ત્યારે તેની જ કંપનીની અમદાવાદની બ્રાન્ચમાં કામ કરતા તેના મિત્ર હાર્દિક પંડ્યા સાથે તેની વીઝા બાબત વાત થઈ હતી. હાર્દિકે રાખીને કહ્યું હતું કે મારી વીઝા ડિપાર્ટમેન્ટમાં ઓળખાણ છે. એમ કહીને તેણે રાખી પાસેથી ૪૫ દિવસમાં વીઝા અપાવવાની લાલચ આપીને ત્રણ લાખ રૂપિયા લીધા હતા. એ પછી ધીરે-ધીરે બીજાં બહાનાં કરીને કુલ ૫.૫૩ લાખ રૂપિયા લીધા હતા. જોકે એ પછી પણ વીઝા ન મળતાં રાખીએ પૈસા પાછા માગ્યા હતા. ત્યારે હાર્દિકે ચેક આપ્યો હતો. એ ચેક મે મહિનામાં બૅન્કમાં નાખતાં બાઉન્સ થયો હતો. પોતે છેતરપિંડીનો શિકાર થઈ હોવાની જાણ થતાં રાખીએ દાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

દાદર પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ શરૂ કરી છે. આવતા દિવસોમાં આરોપીને નોટિસ મોકલીને તેની ધરપકડ કરવામાં આવશે.’

mumbai mumbai news Crime News mumbai crime news dadar mehul jethva