11 August, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભૂખ્યાં કબૂતરોને ખવડાવવા કાર પર ટ્રેમાં ચણ લઈને આવેલા લાલબાગના મહેન્દ્ર સંકલેચાને પોલીસે રોક્યા હતા.
દાદરના કબૂતરખાનામાં કબૂતરોને ચણ અને પાણી મળતાં ન હોવાથી અનેક કબૂતરો મોતને ભેટી રહ્યાં છે ત્યારે લાલબાગના મહેન્દ્ર સંકલેચાએ ગજબની યુક્તિ લગાડી હતી. તે તેમની કાર પર એક ટ્રેમાં ચણ નાખીને એ દાદર કબૂતરખાના પાસે લાવ્યા હતા. એથી કબૂતરો એ ચણ ખાવા મંડી પડ્યાં હતાં. જોકે તેમની આ યુક્તિને કબૂતરખાના પાસે બંદોબસ્તમાં ગોઠવાયેલી શિવાજી પાર્ક પોલીસે માન્ય કરી નહોતી અને તેમની સામે કેસ કર્યો હતો. પોલીસે તમે તમારી કાર પર ટ્રે બેસાડીને જે મૉડિફિકેશન કર્યું છે એ ગેરકાયદે છે, તમે આમ ન કરી શકો એમ કહીને તેમની કાર જપ્ત કરી હતી.
લાલબાગના મૅગ્નમ ટાવરમાં રહેતા મહેન્દ્ર સંકલેચાએ તેમની સફેદ કલરની હૉન્ડા કાર પર ટ્રે બેસાડી હતી અને એમાં ચણ રાખ્યું હતું. એથી કબૂતરો એ ચણ ખાવા માંડ્યાં હતાં. એ જોઈને પોલીસે તેમને એમ કરતાં અટકાવ્યા હતા. પોલીસ સાથે તેમની જીભાજોડી પણ થઈ હતી. પોલીસે કહ્યું હતું કે જોઈએ તો તમે તમારા ઘર પાસે આ કરો, પણ કબૂતરખાનાનાં કબૂતરોને તમે ચણ ન ખવડાવી શકો.
શિવાજી પાર્ક પોલીસે શા માટે ગુનો નોંધ્યો?
શિવાજી પાર્ક પોલીસે કાર પર ટ્રે લઈને કબૂતરોને ચણ નાખવા પહોંચેલા મહેન્દ્ર સંકલેચા સામે ભારતીય ન્યાયસંહિતાની કલમ ૨૨૩ (પબ્લિક સર્વન્ટે આપેલા આદેશનું પાલન ન કરવું), ૨૭૦ (પબ્લિક ન્યુસન્સ) અને ૨૭૧(બેદરકારી બતાવી ચેપી રોગ ફેલાવવો) હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી હતી.