સીએસએમટી રેલવે પોલીસ છે આરોપીઓને પકડવામાં માહિર

17 September, 2022 10:08 AM IST  |  Mumbai | Mehul Jethva

એક સમયે એનો ડિટેક્શન રેટ ૧૮ ટકા હતો જે હાલમાં ૭૨ ટકાએ પહોંચી ગયો છે

પ્રતીકાત્મક તસવીર

રેલવેમાં પ્રવાસીઓની સંખ્યા વધવાની સાથે ક્રાઇમમાં પણ વધારો થયો છે, જેને રોકવા માટે સેન્ટ્રલ રેલવેના સીએસએમટી રેલવે પોલીસ સ્ટેશનની ટીમવર્કને લીધે જે ડિટેક્શન રેશિયો ૧૮થી ૨૦ ટકા હતો એ વધીને હાલમાં ૭૨ ટકાએ પહોંચી ગયો છે. મોટા પ્રમાણમાં મોબાઇલચોરીના ગુનાઓ રેલવે-સ્ટેશન પર થતા હોય છે જેની ફરિયાદ પોલીસ પાસે આવતાં તરત ઍક્શન લઈ આરોપીની ધરપકડ કરવામાં આવતી હોવાથી હવે પછી ૯૦ ટકા સુધી આ આંકડો પહોંચી શકે છે.

કોરોના પહેલાંના સમયગાળામાં મધ્ય અને પશ્ચિમ રેલવેમાં ૭૫થી ૮૦ લાખ પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા. કોરોનાના સમયગાળા દરમ્યાન પ્રતિબંધ હોવાને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. જેમ-જેમ પ્રતિબંધ હળવા થતા ગયા એમ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો ગયો જેથી લોકલ ટ્રેનમાં પહેલાંની જેમ ભીડ થવા લાગી. આ ભીડનો લાભ લઈને પ્લૅટફૉર્મ, રેલવે-બ્રિજ અને લોકલ ટ્રેનોમાં ચોરીનું પ્રમાણ વધી ગયું. ચોરીના ગુનાઓમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને રેલવે પોલીસ ઍક્શનમાં આવી છે અને આ ગુના ઘટાડવા માટે સખત મહેનત કરી રહી છે. પરિણામે છેલ્લા આઠ મહિનામાં ગુના ઉકેલવાનો દર ૬૫થી ૭૦ ટકા જેવો થયો છે. જાન્યુઆરીથી ઑગસ્ટ ૨૦૨૨ સુધી સીએસએમટી રેલવે પોલીસની હદમાં વિવિધ પ્રકારના ગુના થયા હતા. જાન્યુઆરી-ઑગસ્ટમાં ૪૭૮ ગુના થયા હતા જેની સામે ૩૪૫ ગુનાની તપાસ થઈ છે.

સીએસએમટી રેલવે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર મેહબૂબ ઈનામદારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અહીં આવતી ફરિયાદ પર મેં તરત ઍક્શન લેવા માટે પહેલા દિવસથી આદેશ આપ્યા છે. સવાર-સાંજ પીક-અવર્સમાં નિયમિત પૅટ્રોલિંગ કર્યું છે. આવતા વખતમાં મારે આ આંકડો ૯૦ ટકા સુધી પહોંચે એવી તૈયારી કરવી છે.’

Mumbai mumbai news chhatrapati shivaji terminus central railway indian railways mumbai police mehul jethva