મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રૉસ વોટિંગે બગાડ્યું ગણિત, જાણો કોણે જીતી કેટલી બેઠકો

12 July, 2024 09:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ ચૂંટણી ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી કારણ કે રાજ્યમાં ત્રણ મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં ચાલી રહેલી તત્કાલીન મહાવિકાસ અઘાડી સરકાર જૂન 2022માં યોજાયેલી એમએલસી ચૂંટણી પછી જ પડી ગઈ હતી

ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેની ફાઇલ તસવીર

મહારાષ્ટ્રમાં વિધાન પરિષદ (Maharashtra Legislative Council Elections)ની 11 બેઠકો માટે શુક્રવારે મતદાન પૂર્ણ થયું. 11 બેઠકો માટે 12 ઉમેદવારો મેદાનમાં હતા. મતદાન પૂર્ણ થયા બાદ તમામ 11 બેઠકોના પરિણામ પણ આવી ગયા છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કર્યું છે કે NDAએ નવ બેઠકો જીતી છે. તે જ સમયે કૉંગ્રેસ અને શિવસેનાના એક-એક ઉમેદવારે પણ જીત મેળવી છે.

આ ચૂંટણી ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી કારણ કે રાજ્યમાં ત્રણ મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં ચાલી રહેલી તત્કાલીન મહાવિકાસ અઘાડી સરકાર જૂન 2022માં યોજાયેલી એમએલસી ચૂંટણી (Maharashtra Legislative Council Elections) પછી જ પડી ગઈ હતી. તેની શરૂઆત ચૂંટણીમાં ક્રૉસ વોટિંગ દ્વારા થઈ હતી. આ ચૂંટણીઓનું મહત્વ આના પરથી સમજી શકાય છે.

મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીનું શેડ્યૂલ શું છે?

ચૂંટણી પંચ દ્વારા 25 જૂને મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી (Maharashtra Legislative Council Elections) માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. 2 જુલાઇ સુધીમાં તમામ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. ઉમેદવારીપત્રોની ચકાસણી 3જી જુલાઈએ થઈ હતી અને ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 5મી જુલાઈ હતી. વિધાન પરિષદની ચૂંટણી માટે 12 જુલાઈના રોજ સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થયું હતું. મતગણતરી 12 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યે થઈ હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 16 જુલાઈ પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે.

હવે વિધાન પરિષદની ચૂંટણી કેમ યોજાઈ?

ગૃહના 11 વર્તમાન સભ્યોનો કાર્યકાળ 27 જુલાઈ, 2024 ના રોજ સમાપ્ત થાય છે. આ સભ્યો ડો.મનીષા શ્યામસુંદર કાયંદે, વિજય વિઠ્ઠલ ગિરકર, અબ્દુલ્લા ખાન એ. લતીફ ખાન દુરાની, નિલય મધુકર નાઈક, અનિલ પરબ, રમેશ નારાયણ પાટીલ, રામરાવ બાલાજીરાવ પાટીલ, ડૉ. વજાહત મિર્ઝા અથર મિર્ઝા, ડૉ. પ્રજ્ઞા રાજીવ સાતવ, મહાદેવ જગન્નાથ જાનકર અને જયંત પ્રભાકર જાનકર પાટીલ છે. આ પૈકી અનિલ પરબ એક લોકપ્રિય નામ છે, જેમણે તાજેતરમાં મુંબઈ ગ્રેજ્યુએટ મતવિસ્તારમાંથી મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી જીતી હતી.

આ ચૂંટણીમાં કયા પક્ષના ઉમેદવારો કોણ હતા?

મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી માટે કુલ 14 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી બે અપક્ષ ઉમેદવારો અજયસિંહ મોતીસિંહ સેંગર અને અરુણ રોહિદાસ જગતાપના ઉમેદવારી પત્રો નામંજૂર થયા હતા. આમ ચૂંટણી માટે કુલ 12 ઉમેદવારો છે. જો આપણે પક્ષ મુજબના ઉમેદવારો પર નજર કરીએ તો, ભાજપ તરફથી પાંચ ઉમેદવારો હતા, શિવસેના અને એનસીપીના બે-બે અને કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને ખેડૂત અને કામદાર પાર્ટી ઓફ ઈન્ડિયાના એક-એક ઉમેદવાર હતા.

ભાજપે પંકજા મુંડે, યોગેશ તિલકર, પરિણય ફુકે, અમિત ગોરખે અને સદાભાઉ ખોતને મેદાનમાં ઉતાર્યા છે. શિવસેનાએ બે ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પૂર્વ લોકસભા સાંસદ ક્રિપાલ તુમાને અને ભાવના ગવળી. એનસીપીએ શિવાજીરાવ ગર્જે અને રાજેશ વિટેકરને ટિકિટ આપી હતી. શિવસેનાના ઉદ્ધવ જૂથમાંથી મિલિંદ નાર્વેકર મેદાનમાં રહ્યા. કોંગ્રેસે પ્રજ્ઞા રાજીવ સાતવને પોતાનો ચહેરો બનાવ્યો. જયંત પાટીલ પીઝન્ટ્સ ઍન્ડ વર્કર્સ પાર્ટી ઑફ ઈન્ડિયા (PWPI) તરફથી આવ્યા હતા, જેને શરદ પવાર જૂથ દ્વારા ટેકો મળ્યો હતો.

eknath shinde uddhav thackeray shiv sena bharatiya janata party nationalist congress party mumbai mumbai news maharashtra maharashtra news