મંદિરની બહાર ગાયને ઊભી રાખવાની બંધી

20 September, 2022 09:35 AM IST  |  Mumbai | Mehul Jethva

મુંબઈમાં પ્રાણીઓમાં લમ્પી રોગ ફેલાતો રોકવા પોલીસે સાવચેતીના પગલારૂપે મંદિરની બહાર અને જાહેર સ્થળોએ ગાયને ઊભી નહીં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

મહારાષ્ટ્રમાં સર્વત્ર પ્રાણીઓમાં ફેલાઈ રહેલો લમ્પી રોગ મુંબઈમાં પણ ધીરે-ધીરે ફેલાઈ રહ્યો છે. મુંબઈ પોલીસે સાવચેતીનાં પગલાંરૂપે મુંબઈમાં પ્રાણીઓમાં રોગ ફેલાતો રોકવા માટે પશુઓને જાહેર સ્થળોએ રાખવા પર પ્રતિબંધ મૂક્યો છે. એટલું જ નહીં, મંદિરની બહાર ગાયને ઊભી રાખવા પર પણ પ્રતિબંધ છે અને શોભાયાત્રામાં ઉપયોગમાં લેવાતાં પ્રાણીઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કાયદાનો ભંગ કરનાર વ્યક્તિ પર મુંબઈ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં આશરે બાવીસ જિલ્લામાં લમ્પી રોગથી પશુઓ સંક્રમિત થયાં છે એટલે પશુપાલકો હાલમાં ચિંતિત છે. અસરગ્રસ્ત લમ્પી પશુ માટે દવાઓનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ઉપાડવાની છે. મુંબઈમાં આ રોગચાળાને ધ્યાનમાં લઈને મુંબઈ પોલીસ દ્વારા ચાવચેતીનાં પગલાં લેવામાં આવ્યાં છે. રાજ્યમાં આ રોગથી બચવા માટે પશુચિકિત્સા વિભાગ દ્વારા અનેક ઉપાય કરવામાં આવી રહ્યા છે. ભેંસ, ગાય, ઢોરઢાંખર અને અન્ય પ્રાણીઓના ઉછેર કરતા લોકોને પશુચિકિત્સા વિભાગ દ્વારા સાવચેતી માટેની અનેક સૂચનાઓ આપવામાં આવી છે. એમ છતાં મુંબઈમાં અનેક ઠેકાણે રોડ પર પ્રાણીઓને લાવવામાં આવતાં હોવાથી લમ્પી રોગ મોટા પ્રમાણમાં પ્રસરી શકે એવી શક્યતા ઊભી થઈ છે.

મુંબઈ પોલીસના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શહેરમાંની ઘણી ખુલ્લી જગ્યાઓ પ્રાણીઓ માટે ઉપયોગ લેવામાં આવે છે. કેટલાંક મંદિરોની બહાર ગાયોને ઘાસ ખવડાવવા માટે ઊભી રાખવામાં આવે છે. તેમના સંપર્કમાં આવતાં અન્ય પ્રાણીઓ ચામડીના રોગનો શિકાર થઈ શકે છે. આ રોગને ફેલાતો અટકાવવા માટે ૧૩ ઑક્ટોબર સુધી સૂચનાઓનું પાલન કરવું પડશે, જેમાં ભીડવાળાં અને જાહેર સ્થળોએ પ્રાણીઓને લઈ જવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કાર્યવાહી કરવા માટે મુંબઈના દરેક પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર, એસીપી અને ડીસીપીને સૂચના આપવામાં આવી છે. એ સાથે નાના વર્ગના અધિકારીઓ જેઓ રોડ પર પોતાની ફરજ બજાવતા હોય છે તેમને આ કાર્યવાહી વિશે વિશેષ ધ્યાન આપવાની સૂચનાઓ આપવામાં આવી છે.

mumbai mumbai news mumbai police mehul jethva