બિન્દાસ કરો થર્ટીફર્સ્ટની પાર્ટી

26 December, 2022 09:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હા, પણ થોડા સાવધ રહો એમ કહેતાં આરોગ્યપ્રધાન તાનાજી સાવંત ઉમેરે છે કે રાજ્યમાં કોરોનાનો નવો વેરિઅન્ટ પ્રવેશ્યો નથી અને ન પ્રવેશે એ માટેની તૈયારીઓ હોવાથી લોકોએ ડરવાની જરૂર નથી

ફાઇલ તસવીર

ચીન અને જપાન સહિતના દેશોમાં કોરોના વાઇરસનો નવો વેરિઅન્ટ બીએફડૉટ૭ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાન તાનાજી સાવંતે ગઈ કાલે કહ્યું હતું કે આપણે આ નવા સ્ટ્રેઇનથી ડરવાની જરૂર નથી એટલે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી ધામધૂમથી કરો. આરોગ્યપ્રધાને એમ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિઅન્ટનો હજી સુધી એક પણ કેસ નોંધાયો નથી અને એ રાજ્યમાં ન પ્રવેશે એ માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. જોખમ નથી, પણ તહેવારની ઉજવણીમાં તકેદારી રાખશો તો આપણે બચી શકીશું.

શનિવારે પુણેના પિંપરી-ચિંચવડમાં અટલ મહાઆરોગ્ય શિબિરનું ઉદ્ઘાટન કરતી વખતે રાજ્યના આરોગ્યપ્રધાન તાનાજી સાવંતે કહ્યું હતું કે ‘કોરોનાનો નવો વેરિઅન્ટ બીએફડૉટ૭નો એક પણ દરદી રાજ્યમાં નથી. આ વાઇરસ રાજ્યમાં ન પ્રવેશે એ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જોકે ગુજરાત અને બીજાં રાજ્યોમાં આ વાઇરસે દેખા દીધી છે એટલે સાવચેતી તરીકે કોરોનાનિયંત્રણની યંત્રણાને ફરીથી સક્રિય કરવામાં આવી રહી છે. બે દિવસ બાદ અગાઉની યંત્રણા કેવી હતી એ ચકાસવા માટે મૉક ડ્રિલ કરવામાં આવશે.’

આરોગ્યપ્રધાને વધુમાં કહ્યું હતું કે ‘કોરાનાના સંકટનો સામનો કરવા માટે રાજ્ય સક્ષમ છે એટલે કોઈએ ગભરાવાની જરૂર નથી. આથી ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીનો આનંદ લો. માત્ર કોરોનાના નિયમોનું પાલન કરશો તો સારું રહેશે. રાજ્યમાં ૯૫ ટકા લોકોની કોવિડનું રસીકરણ થઈ ગયું છે અને રાજ્યમાં બૂસ્ટર ડોઝનું પ્રમાણ ૬૦થી ૬૫ ટકા છે. એ સિવાય બીજા દેશોની સરખામણીએ ભારત અને મહારાષ્ટ્રના લોકોની રોગપ્રતિકારક શક્તિ સારી છે. આથી કાળજી લેવા સિવાય ડરવા જેવું નથી.’

mumbai mumbai news coronavirus covid19 maharashtra new year