મોતના ડર વચ્ચે મળી જીવનરેખા

17 January, 2022 10:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રસીકરણને એક વર્ષ પૂરું થયું છે ત્યારે સતત ભય વચ્ચે જીવતા લોકો માટે લાઇફલાઇનનું કામ વૅક્સિને કર્યું હોવાનો એક્સપર્ટ્‍સનો મત

ગયા વર્ષે મલાઇકા અરોરાએ લીધેલી વૅક્સિનની ફાઇલ તસવીર

ભારતભરમાં કોરોનાની વૅક્સિન આપવાની શરૂઆત થયાને એક વર્ષ થયું. આ સદીની સૌથી મોટી મહામારીમાં કોરોના કેટલા લોકોનો ભોગ લેશે અને ક્યારે એ કાબૂમાં આવશે એ વિશે એક વર્ષ પહેલાં કંઈ કહેવું મુશ્કેલ હતું. કોરોના મહામારી શરૂ થયા બાદ ૧૦ મહિનામાં ભારતે પોતાની વૅક્સિન બનાવીને લોકોને આપવાની શરૂઆત કરી હતી ત્યારે એની સામે અનેક સવાલ કરવામાં આવ્યા હતા અને કેટલાક લોકોએ તો વૅક્સિન લેવાથી મૃત્યુ થતું હોવાની અફવા ફેલાવીને લોકોને ડરાવ્યા પણ હતા. આજે એક વર્ષ બાદ દેશના ૧૪૦ કરોડ દેશવાસીમાંથી ૧૮ વર્ષથી મોટી ઉંમરના ૯૩ ટકા નાગરિકોએ પહેલો ડોઝ તો ૭૦ ટકા નાગરિકોએ બીજો ડોઝ લેવાની સાથે અત્યાર સુધીમાં ૧૫૬ કરોડ ડોઝ ગઈ કાલ સુધી આપી દેવામાં આવ્યા હતા. મનોચિકિત્સકો અને ડૉક્ટરો કહે છે કે ભારતમાં બનેલી વૅક્સિનની નેગેટિવ પબ્લિસિટી કરવામાં આવી હોવા છતાં સામાન્ય લોકોને એમાં ફાયદો થતો ગયો તેમ-તેમ તેમનામાં વિશ્વાસ આવતાં મોટા પ્રમાણમાં વૅક્સિન લેવાથી આપણે બાલ-બાલ બચી ગયા છીએ. જો આપણે સમયસર વૅક્સિન ન લાવ્યા હોત અને ડોઝ ન લીધા હોત તો મોટી સંખ્યામાં જાનહાનિ થવાની શક્યતા હતી. વૅક્સિન ભારત સહિત અનેક દેશ માટે ગેમ-ચેન્જર રહી છે.
આ વિશે જાણીના મનોચિકિત્સક ડૉ. યુસુફ માચીસવાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક વર્ષ પહેલાં ભારતમાં કોરોનાની વૅક્સિન આપવાની શરૂઆત કરાઈ હતી. ત્યારે સોશ્યલ મીડિયામાં કે કેટલાક રાજકીય પક્ષોના નેતાઓએ આ રસી બીજેપીની છે એટલે એ ન લેવી જોઈએ એવું કહ્યું હતું. વૅક્સિન લીધા બાદ અનેક લોકોનાં મૃત્યુ થયાં હોવાના મેસેજ ખૂબ જ વાઇરલ થતાં લોકો ડરી ગયા હતા. જોકે કોરોનાની બીજી લહેરમાં જ્યારે સૌથી વધુ લોકો કોરોનાના સંક્રમણથી મૃત્યુ પામી રહ્યા હતા ત્યારે જેમણે રસી મુકાવી હતી તેઓ બચી રહ્યા છે એવી જેમ-જેમ જાણ થતી ગઈ તેમ-તેમ લોકોનો વૅક્સિનમાં વિશ્વાસ વધતો ગયો. કોરોના સામે લડવા માટે એ સમયે માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા કે વારંવાર સૅનિટાઇઝરથી હાથ ધોવા સિવાય કોઈ વિકલ્પ નહોતા. મોટા ભાગના લોકો કોવિડના નિયમનું પાલન કરતા હોવા છતાં મુશ્કેલીમાં મુકાયા હતા. એ સમયે અમારા ધ્યાનમાં આવ્યું હતું કે લોકોની માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. જેમણે આ મહામારીમાં પોતાના સ્વજનો ગુમાવ્યા હતા તેમને આ સ્થિતિમાંથી બહાર આવતાં મહિનાઓ લાગ્યા હતા. જોકે વૅક્સિન સામાન્ય લોકોને આપવાની શરૂઆત થયા બાદ એ લેવાથી સંરક્ષણ મળી રહ્યું છે એ ધ્યાનમાં આવતાં લોકોનો ડર ઓછો થઈ ગયો હતો. જેઓ પહેલાં વૅક્સિન લેવાની ના પાડતા હતા તેમણે પણ બાદમાં પોતે રસી મુકાવી હતી અને બીજાઓને પણ જીવ બચાવવા માટે રસી જ એકમાત્ર સંજીવની છે એમ કહેવા લાગ્યા હતા. મને લાગે છે કે ભારત સરકારે તથા વૈજ્ઞાનિકોએ સમયસર વૅક્સિન બનાવીને હજારો નહીં, લાખો લોકોના જીવ બચાવ્યા છે.’
મહારાષ્ટ્ર કોવિડ-19 ટાસ્ક ફોર્સના મેમ્બર અને ફોર્ટિસ હૉસ્પિટલના ક્રિટિકલ કેરના ડિરેક્ટર ડૉ. રાહુલ પંડિતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારત જેવા વિકાસશીલ દેશ માટે કોવિડ-19 વૅક્સિન તૈયાર કરીને અત્યાર સુધી ૧૫૬ કરોડ ડોઝ લોકોને આપી દેવાની વાત ખૂબ મોટી સિદ્ધિ છે. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને અસંખ્ય લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા. બીજી લહેર દરમ્યાન જ જો કોવિડ-19 વૅક્સિન ન આવી હોત તો આજે મૃત્યાંક દેખાઈ રહ્યો છે એના કરતાં અનેકગણો મોટો હોત. બીજા શબ્દોમાં હું કહીશ કે વૅક્સિન ભારત માટે સંજીવની છે એટલે આ મહામારીમાં એ ગેમ-ચેન્જર બની રહી છે.’
મહારાષ્ટ્રના કોવિડ-19ના ટાસ્ક ફોર્સના ચીફ ડૉ. સંજય ઓકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વૅક્સિને આપણા માટે લાઇફલાઇનનું કામ કર્યું હોવાથી એનું મહત્વ ઓછું ન આંકી શકાય. જોકે, કોરોનાની લડાઈમાં છેલ્લાં એક વર્ષમાં કોવિડ અપ્રોપ્રિએટ બિહેવિયરનું પણ મહત્વ એટલું જ રહ્યું છે. કોરોનાની ત્રીજી લહેર અત્યારે ચાલી રહી છે ત્યારે વૅક્સિનની સાથે-સાથે માસ્ક પહેરવો એ ડબલ પ્રોટેક્શન છે. આથી બધાએ વૅક્સિનના ડોઝ લેવા હિતાવહ છે.’

coronavirus covid19 covid vaccine vaccination drive mumbai mumbai news prakash bambhrolia